હાલાકી:સાંતલપુરના 17 ગામોના 25 હજાર લોકો નર્મદા કેનાલનું ગંદુ પાણી પીવા મજબૂર

વારાહીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા ક્લોરિનેશન કરીને આપવાનું કહેવામાં આવ્યું હતું પણ બેથી ત્રણ ગામોમાં રિયાલિટી ચેક કરતાં ક્લોરિનેશન થતું ન હોવાનું સત્ય બહાર આવ્યું હતું

સરહદી સાતલપુરના ચોરાડ પંથકમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા દરવર્ષની જેમ નર્મદા કેનાલ બંધ થયા પછી તેમાં પડી રહેલું પાણી પીવા માટે આપવામાં આવી રહ્યું છે. પરંતુ તે બિલકુલ શુદ્ધ ન હોવાની અને રોગચાળો પેદા કરે તેવું બદબૂદાર આવી રહ્યું હોવાની લોકરાડ તાલુકાના ઝઝામ, વરણોસરી, જામવાડા, ફાંગલી, કિલાણા, વાવડી, રામપુરા, પીપરાળા, રોજુ, મઢુત્રા, ગરામડી, વૌવા, જાખોત્રા, એવાલ, દાત્રાણા, બકુત્રા, ધોકાવાડા ગામના લોકોને કચ્છ બ્રાન્ચ કેનાલમાં પડેલું ફિલ્ટર વગરનું લીલું અને દુર્ગંધ મારતું પાણી પીવાની ફરજ પડી રહી છે.

તંત્ર દ્વારા ક્લોરિનેશન કરીને આપવાનું કહેવામાં આવ્યું હતું પણ બે ત્રણ ગામોમાં રિયાલિટી ચેક કરતાં ક્લોરિનેશન થતું ન હોવાનું સત્ય બહાર આવ્યું હતું. તાજેતરમાં 31 માર્ચ થી કેનાલમાં પાણી બંધ કરી દેવાતા પાણીની નવી આવક બંધ થઈ જતાં પંદર દિવસથી કેનાલમાં જે પાણી દુર્ગંધ મારે છે જેને તંત્ર દ્વારા સંપ સુધી લઇ જઈ જેટલા ગામોને પાણી આપવામાં આવી રહ્યું છે પણ તે લીલું અને દુર્ગંધ મારતું હોવાથી લોકોને પાણી પીવું આરોગ્ય માટે જોખમી બની રહ્યું છે.

આ ગામોની મુલાકાત લેતાં જાણવા મળ્યું કે જે પાણી આપવામાં આવી રહ્યું છે તે કલોરીન કરવામાં આવતું નથી આ પાણીથી લોકોને હાથ પગ નો દુખાવો ખંજવાળ પેટમાં કબજિયાત જેવી તકલીફો થ‌ઈ રહી છે. જે સુખી પરિવારો છે તેઓને આરોપ્લાન્ટ છે, જ્યારે અન્ય લોકોને મિનરલ પાણીના કેરબા મંગાવવા હોય તો વારાહી 20 થી 25 કિ.મી થાય છે જે પોષાતુ નથી.

ઘેર ઘેર ક્લોરિન ટેબ્લેટ આપીશું : આરોગ્ય અધિકારી
તાલુકા હેલ્થ ઓફિસર કે કે પંચાલ ના જણાવ્યા મુજબ આવું પાણી પીવાથી ઝાડા ઉલ્ટી કોલેરા ટાઈફોઈડ જેવા પ્રાણી જન્ય રોગો થઇ શકે છે. અમે આવતા સપ્તાહથી આ વિસ્તારના લોકો આવું પાણી પીતા હશે તો ઘરે ઘરે ક્લોરિનની ટેબ્લેટ આપીશું. 20 લિટર પાણીમાં એક ટેબ્લેટ નાખો તો રોગચાળો થવાની શક્યતા ઓછી રહે છે.

બોર ઓપરેટરે કહ્યું, પાવડર જોયો જ નથી
પાણી પુરવઠા અધિકારી જે બી પટેલ જણાવ્યું કે કલોરિનેશન કરી પાણી આપીએ છીએ. ઝઝામ ગામે તલાટીને ે પૂછતાં તેમણે જણાવ્યું કે પંદર દિવસે મહિને અમારો ઓપરેટર નાખે છે. જૂના ઓપરેટરને પૂછતાં તેણે જણાવ્યું કે હુ ચાર માસથી છૂટો થયો છું. મેં કોઈ દિવસ પાવડર જોયો નથી, નવા ઓપરેટરને પૂછતાં ે કહ્યું કે હું 25 દિવસથી આવ્યો છું. મેં પાવડર નાખ્યો નથી.

મજબૂરીમાં પીવું પડે
વરણોસરી ગામની મુલાકાત લેતાં કરશનજી જાડેજા એ જણાવ્યું કે પાણી ફિલ્ટર વગરનું છે અને દુર્ગંધ મારે છે.આ પાણી પીવાલાયક નથી પણ બીજું પીવા પાણી ન હોઈ તે પીવું પડે છે.મઢુત્રામાં પૂર્વ સરપંચ રાજુભાઈએ પણ એવીજ ફરિયાદ કરી. ઝઝામ ગામે દલિત વાસમાં રહેતા દિપકભાઈએ જણાવ્યું કે અમારી પાસે પાણી ચોખ્ખું કરવાની ગોળી કે પાવડર નથી. અમને જે પાણી મળે તે પીવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...