પાટણમાં પ્રથમવાર ફુટબોલ મેચ:રાજ્યકક્ષાની ફુટબોલ મેચના ત્રિદિવસીય આયોજનમાં 24 જિલ્લામાંથી 24 ટીમ આવી

પાટણ5 દિવસ પહેલા
  • વડોદરા-સાબરકાંઠા ટીમ વચ્ચે આજે રાજ્યકક્ષાની ફુટબોલ મેચ યોજાઈ

પાટણમાં રાજ્યકક્ષાની 61મી સુબ્રોતો કપ અને જુનિયર અંડર-17 બહેનો માટે ફુટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. આ સ્પર્ધાનું આયોજન તા.04.08.2022 થી તા.07.08.2022 સુધી સરદાર પટેલ રમત સંકુલ, અનાવાડા દરવાજા, પાટણ ખાતે કરવામાં આવ્યુ છે.

7 તારીખે ફાયનલ મેચ રમાશે
પાટણ જિલ્લામાં પ્રથમવાર રાજ્યકક્ષાની ફુટબોલ મેચનું આયોજન કરવામાં આવ્યુ છે. 3 દિવસ માટે આયોજીત રાજ્યકક્ષાની ફુટબોલ મેચમાં 24 જિલ્લામાંથી ટીમ આવેલી છે જેમાં 450 જેટલી બહેનોનો સમાવેશ થાય છે. જેમના રહેવા-જમવાની વ્યવસ્થા જિલ્લા રમત પ્રાશિક્ષણ કેન્દ્ર પાટણ ખાતે કરવામાં આવી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત આ સ્પર્ધામાં તા.07.08.2022ના દિવસે ફાઈનલ મેચ રમાડવામાં આવશે જેમાં વિજેતા ટીમ દિલ્હીમાં નેશનલ લેવલ પર ફુટબોલ મેચ રમવા માટે જશે.

જે ટીમ પરાજીત થશે તે સ્પર્ધામાંથી બહાર
સુબ્રોતો કપ અં-17 બહેનો માટેની આ ત્રણ દિવસીય રાજ્યકક્ષાની સ્પર્ધામાં નોક આઉટ સિસ્ટમથી ક્વોલિફાઈડ રેફરી દ્વારા રમત રમાડવામાં આવશે. જેમાં કોઈ પણ બ્રેક વગર આખા દિવસ દરમિયાન ફુટબોલ મેચ ચાલશે. જે ટીમ પરાજીત થશે તે સીધી જ સ્પર્ધામાંથી બહાર થઈ જશે.

ફાઈનલ મેચમાં વિજેતા ટીમ જાહેર કરાશે
તા.07.08.2022ના રોજ રમાનારી ફાઈનલ મેચમાં રાજ્યકક્ષાની વિજેતા ટીમ જાહેર કરવામાં આવશે અને તે ટીમ દિલ્હી નેશનલ લેવલે ફુટબોલ મેચ રમવા જશે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આજરોજ 61મી સુબ્રોતો કપ જુનિયર અં-17 બહેનો માટેની ફુટબોલ મેચનો પ્રારંભ થયો છે. જેમાં રાજ્યભરમાંથી આવેલા ખેલાડીઓ સહભાગી બની ફુટબોલમેચ રમી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...