પાટણ શહેર રાજપૂત સમાજનો 23મો પરિવાર સ્નેહમિલન કાર્યક્રમ રવિવારના રોજ પાટણ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં તેજસ્વી તારલાઓ ઇનામ વિતરણ તેમજ નવા નોકરી લાગેલ યુવક ,યુવતીઓ ,નિવૃત કર્મચારીઓ ,નવી પદવી મેળવી હોય તેવા તમામ વ્યક્તિઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો.
પાટણ શહેરમાં આવેલ દાનસિંહજી સત્યાર્થી રાજપૂત કુમાર છાત્રાલય ખાતે પાટણ શહેર રાજપૂત સમાજનો 23મો પરિવાર સ્નેહમિલન સમારંભ તથા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ ,વિવિધ રમતની સ્પર્ધા ,જનરલ નોલેજ ટેસ્ટ કાર્યક્રમ જિલ્લાના નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો.આ પ્રસંગે ધોરણ એકથી કોલેજ કક્ષા સુધીની ફાઈનલ પરીક્ષાઓમાં ઉચ્ચ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા . તેમજ સરકારી વિભાગમાં નવીન નિમણૂક પામેલા તેમજ સરકારી નોકરીમાંથી વયનિવૃત્ત થયેલા શહેર રાજપૂત સમાજના સભ્યોનું બુકે અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ,નવીન પદવીઓ મેળવનાર વ્યક્તિઓનું પણ આ તબક્કે મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે કોઈપણ સમાજની પ્રગતિ ત્યારે થઈ શકે છે .જ્યારે એક અનુભવી વ્યક્તિ બીજાને તેની બાગડોર સંભાળવા માટે આપે છે . એક પેઢી બીજી પેઢીને જવાબદારી સોંપે અને બીજી પેઢી ત્રીજી પેઢીને તૈયાર કરે આ પ્રકારનો ત્રિવિધ કાર્યક્રમ આજે પાટણમાં યોજાયો છે .તે ખૂબ સારી બાબત છે . ઇતિહાસમાં એવું કહેવામાં આવ્યું છે કે જે સમાજ પોતાના સંતાનો નું સન્માન નથી કરી શકતો તે સમાજને ઇતિહાસ ક્યારે યાદ રાખતો નથી , તે ઇતિહાસમાંથી ભુસાઈ જાય છે .એક વખત આપણે મુખ્ય ધારામાં આવી ગયા પછી આપણી નૈતિક જવાબદારી બને છે કે આપણે આપણી નવી પેઢીને તૈયાર કરીએ .
વધુમાં જણાવ્યું હતું કે જે પ્રગતિશીલ સમાજો છે તેમાંથી સારી બાબતોને આપણા સમાજમાં ઉતારવાની જરૂર છે. તેમજ કોઈપણ ક્ષેત્રમાં એકવાર સન્માન મળ્યા પછી જંપીને બેસવાનું નથી .સતત આગળ વધવાનું છે .તો સાચું સન્માન બાળકોને સારા સંસ્કાર આપવાનું છે અને આપણે જે કામ કરીએ છીએ તે કામ પ્રત્યે આપણે વફાદાર રહેવું જોઈએ.વધુમાં સમાજ માંથી વ્યસનોને ત્યજવા બાળકોને ઉચ્ચ શિક્ષણ અને સંસ્કાર આપવા ,ક્યારેય પણ જીવનમાં નબળો વિચાર આવે ત્યારે આપણા પૂર્વજોને યાદ કરવા જણાવ્યું હતું . તો આ પ્રસંગે અન્ય મહાનુભવોએ પણ સમાજ ઉપયોગી સંદેશ આપ્યો હતો.
સ્નેહ મિલન કાર્યક્રમ બાદ પાટણ શહેર રાજપૂત સમાજની કારોબારી સમિતિની બેઠક મળી હતી .જેમાં પ્રમુખ તરીકે જીલુભા વાઘેલા અને મંત્રી તરીકે રતનસિંહ સોલંકી ને તેમના પદ પર યથાવત રાખવામાં આવ્યા હતા .તો કારોબારી સમિતિ ને પણ યથાવત રાખવામાં આવી હતી .જ્યારે સહમંત્રી તરીકે મદારસિંહ ગોહિલની વરણી કરવામાં આવી હતી .
આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં ભોજન દાતા પૂર્વ વર્ગ .1 અધિકારી નરેન્દ્ર સિંહ ચાવડા , અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ મહિપતસિંહ જાડેજા , શહેર રાજપૂત સમાજના પ્રમુખ ઝીલુભા વાઘેલા , સિધ્ધરાજ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ કે .એન .સોલંકી , સમાજ ના અગ્રણી મહિપતસિંહ રાજપૂત ,ઇનામદાતા સ્વરૂપસિંહ વાઘેલા , શહેર રાજપૂત સમાજ ના મંત્રી રતનસિંહ સોલંકી ,સમાજ ના અગ્રણીઓ લગધીરસિંહ રાઠોડ , બાબુજી પઢીયાર , પી. સી .વાઘેલા વિગેરે અગ્રણીઓ સમાજ ના લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા . સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ભેમુજી વાઘેલા , ઝેડ .એન. સોઢા ,મદારસિંહ ગોહિલ એ કર્યું હતું .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.