પાટણ સહિત નગરપાલિકાઓનાં ફાયર બ્રિગેડમાં ચાર વિવિધ પદો માટે સ્ટાફની ભરતી માટે તાજેતરમાં પાટણ NGS ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી શારીરિક કસોટીઓમાં 215 જેટલા ઉમેદવારો પાસ થયા હતા. જેમની લેખિત પરીક્ષા માટેના કોલ લેટર ટૂંક સમયમાં છોડવામાં આવશે. આ લેખિત પરીક્ષા ડિસેમ્બરનાં છેલ્લા અઠવાડિયામાં લેવાય તેવી શક્યતા છે.
પાટણ નગર પાલિકાની અગાઉ લેવાયેલી શારીરિક કસોટીમાં 316 માન્ય અરજીઓમાંથી 284 ઉમેદવારોએ કસોટી આપી હતી. તેમાંથી 215 ઉમેદવારો ઉત્તિર્ણ થયા હતા. આ અંગે વિચારવિમર્શ કરવા માટે પાટણ નગરપાલિકા ખાતે ફાયર ભરતી પસંદગી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નર કચેરીનાં પ્રતિનિધિ અશ્વિન પાઠક, પાટણ નગરપાલિકાનાં પ્રમુખ સ્મિતા પટેલ, ચીફ ઓફિસર પાંચાભાઇ માળી, કારોબારી ચેરમેન અરવિંદ પટેલ, ઑફીસ સુપ્રિટેન્ડેન્ટ જય રામી તથા અધિકારી હરેશ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.
ગત તા. 4 નવેમ્બરના રોજ પાટણ ખાતે ગાંધીનગર ઝોનમાં આવતી છ નગરપાલિકાઓના ફાયર સ્ટાફની ભરતી અન્વયે શારિરીક કસોટી લેવામાં આવી હતી. નોંધનીય છે કે કસોટી પાટણ યુનિવર્સિટીનાં શારીરિક શિક્ષણ નિયામક વિભાગે લીધી હતી. યુનિવર્સિટીએ આ કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી બંધ કવરમાં પાટણ નગરપાલિકાને સુપર્ત કરી હતી. જે અંગે ઉમેદવારોને આગામી દિવસોમાં યોજાનારી લેખિત પરીક્ષામાં બેસવા દેવાની મંજૂરી આ સમિતિમાં અપાઇ હતી. તેમને ટૂંક સમયમાં કોલલેટર છોડાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.