ફરી વરસાદી માહોલ જામ્યો:પાટણના સિદ્ધપુરમાં 20 MM અને ચાણસ્મામાં 2 MM વરસાદ, લાંબા સમય બાદ ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશી

પાટણ11 દિવસ પહેલા
  • જિલ્લામાં સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું, વાતાવરણમાં ઠંડક પ્રસરી

પાટણ શહેર સહિત જિલ્લામાં થોડા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે. આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. પાટણ શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટા વરસ્યા હતા. જ્યારે સિદ્ધપુરમાં 20 MM અને ચાણસ્મામાં 2 MM વરસાદ વરસ્યો છે. સિદ્ધપુર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં એકંદરે ઠંડક પ્રસરી હતી.

હાઇવે માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજયમાં 3અને 4 ઓગસ્ટથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે પાટણ જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લામાં સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જિલ્લાના સિદ્ધપુરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા હાઇવે માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. લાંબા સમય બાદ મેઘરાજાની ફરી પધરામણી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સિદ્ધપુરમાં 20 અને ચાણસ્મામાં 2 MM જેટલો વરસાદ નોંધાયો છે.
સરસ્વતીના ખારેડા ગામમાં વરસાદ
સરસ્વતી તાલુકાના ખારેડા ગામમાં વરસાદ વરસ્યો હતો. જેના કારણે નદી-નાળામાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખારેડા ગામના વતની અને સરસ્વતી તાલુકા ભાજપના મંત્રી ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે, લાંબા સમયથી ગરમી અને બફારાથી લોકો હાલાકી ભોગવી રહ્યા હતા. ત્યારે બીજા રાઉન્ડમાં વરસાદ ચાલુ થતા લોકોને ગરમીમાંથી રાહત થઇ હતી, વધુમાં જણાવ્યું હતું કે, પાણીના તળ ઉંડા થતા વરસાદની ખૂબ જરૂર હતી, આજે સરસ્વતી તાલુકાના ખારેડા ગામે તળાવમાં અને વહોળામાં નવા નીર આવ્યા હતા. જેથી ખેડૂતો અને પશુપાલકો ખૂબ ઉત્સાહીત જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...