હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિ ડૉ. રોહિત દેસાઈની અધ્યક્ષતામાં પ્રથમ કારોબારી બેઠક મળી હતી. જેમાં કેમ્પસના બે વિભાગોમાં બાંધકામની કામગીરી પૂર્ણ ના કરતાં બે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા નોટિસ ઇસ્યુ કરવા સહિત નવીન બે કોલેજોને શરૂ કરવા મંજૂરી અપાઈ હતી. ઉપરાંત કેમ્પસમાં એક મૂલ્યાંકનની કામગીરીને લઇ એક સ્પેશિયલ સેલ ઉભો કરવા નિર્ણય લેવાયો હતો.
યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે મંગળવારે મળેલ કારોબારી બેઠકમાં નેક મૂલ્યાંકનને લઈ વિવિધ કામગીરી કરવા માટે સ્પેશિયલ સેલ ઊભો કરવાનો નિર્ણય લઈ તેના ખર્ચે માટે અંદાજે 15 લાખનું બજેટ ફાળવ્યું છે. 25 માર્ચ 2022ની યુનિ. કોર્ટની સભામાં થયેલા પસ્તાવો અંગે ચર્ચા કરાઈ હતી.
તેમજ કેમ્પસમાં આવેલા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં રિપેરિંગ કામગીરી કરી રહેલ હર્ષદકુમાર ભાઈલાલ કંપની અધ વચ્ચે કામગીરી મૂકી પૂર્ણ ના કરતા તેમજ એમએસસી આઈટી વિભાગમાં ટેન્ડર મંજૂર થયા બાદ કામગીરી શરૂ જ ના કરનાર ક્રો.ઇનસાઇડ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની મળી બંને કંપનીઓ દ્વારા યુનિવર્સિટીના બાંધકામમાં શરત મુજબ કામગીરી ના કરતા બંનેને બ્લેક લિસ્ટમાં મુકવા માટે નિર્ણય લઇ બંને કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવાનો ઠરાવ કર્યો છે. ઉપરાંત વહીવટી કામો સહિત નેકની મૂલ્યાંકનને લઈ વિવિધ કામગીરી અંગે નિર્ણય લેવાયા હતા.બેઠકમાં ઈસી સભ્ય શૈલેષ પટેલ , દિલીપ ચૌધરી (મહેસાણા), અનિલ નાયક, દિલીપ પટેલ સહિત હાજર હતા.
ખેરાલુ અને હાજીપુરમાં નર્સિંગ કોલેજો શરૂ કરવા મંજૂરી
કારોબારી બેઠકમાં નવીન શૈક્ષણિક વર્ષથી નર્સિંગ કોલેજ શરૂ કરવા મંજૂરી આપીી હતી.જેમાં GNM નર્સિંગ સ્કૂલ એન્ડ નર્સિંગ ઇન્સ્ટિટયૂટ ખેરાલુ, શારદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નર્સિંગ કોલેજ હાજીપુર બંનેને શરૂ કરવા માટે મંજૂરી આપી તેમ ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. ચિરાગ પટેલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.