• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 18 Daughters Here Won Not One Or Two, But More Than 344 Medals Including 102 Gold, Some Got Government Jobs, Some Got Prizes Of Lakhs.

આજે વાત કરીએ... ગુજરાતના એ 'ગોલ્ડ વિલેજ'ની:અહીંની 18 દીકરીએ એક-બે નહીં, 102 ગોલ્ડ સહિત 344થી વધુ મેડલ જીત્યા, કોઈને મળી સરકારી નોકરી, તો કોઈને લાખોનું ઇનામ

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંતરરાષ્ટ્રીય મહિલા દિને સ્ત્રી સશક્તીકરણની સાથે રાજકીય સહિત દરેક ક્ષેત્રે મહિલા ભાગીદારીની વાતો થાય છે. ત્યારે રમતગમત ક્ષેત્રમાં પણ મહિલાઓ કાઠું કાઢી રહી છે, એ વાત પાટણ તાલુકાના નાનકડા ગામ હાજીપુરની દીકરીઓએ સાર્થક કરી બતાવી છે.. હાજીપુર ગામની 18 જેટલી દીકરીઓએ વિવિધ એથ્લેટિક્સ રમતોમાં એક-બે, નહીં પણ 344 મેડલ મેળવીને ગામની સાથે સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યુઁ છે. આ 344 મેડલમાં 102થી વધુ ગોલ્ડ મેડલ મેળવીને સદી ફટકારી છે. એને લઇને હાજીપુર ઓળખ પણ હવે ગોલ્ડન વિલેજ તરીકે થઇ રહી છે.

દરરોજ પાંચ-પાંચ કલાકનો પરિશ્રમ
પાટણ તાલુકાના હાજીપુર ગામની 18 જેટલી દીકરીઓ દોડ સહિતની રમતોમાં રાજ્યકક્ષાની વિજેતા છે અને અત્યારસુધીમાં ઇન્ટર કોલેજ, રાજ્યકક્ષા, વેસ્ટ ઝોન અને રાષ્ટ્રકક્ષાએ 102 ગોલ્ડ સહિત કુલ 344 મેડલ મેળવ્યા છે. 18 દીકરીની સાથે ગામના બે દીકરા પણ મેડલ મેળવવામાં સાથ આપી રહ્યા છે. આ તમામ ખેલાડીઓ રમતક્ષેત્રે હજુ આગળ વધવા માટે દિવસના પાંચ-પાંચ કલાક સુધી અથાક પ્રેક્ટિસ કરી રહ્યાં છે.

18 દીકરીએ ગામનું ગૌરવ વધાર્યું.
18 દીકરીએ ગામનું ગૌરવ વધાર્યું.

344 મેડલ મેળવનાર હાજીપુર કદાચ રાજ્યનું પ્રથમ ગામ
હાજીપુર ખાતે આવેલી રુક્મિણી વિધાલયના એથ્લેટિક્સ ટ્રેનિંગ સેન્ટરમાં ગામનાં દીકરા-દીકરીઓને છેલ્લાં ઘણાં વર્ષોથી ટ્રેનિંગ અપાઈ રહી છે. ગામલોકો પણ આ ક્ષેત્રે ખૂબ જ ઉત્સાહી છે અને દીકરા-દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. અહીં ટ્રેનિંગ મેળવેલાં દીકરા-દીકરીઓ રાજ્ય કે રાષ્ટ્રભરમાં યોજાતી વિવિધ એથ્લેટિક્સ રમતોમાં ભાગ લે છે અને વિજયી બનીને ગામને ગૌરવ અપાવી રહ્યાં છે. અત્યારસુધીમાં 102થી વધુ ગોલ્ડ મેડલ સાથે હવે હાજીપુર ગોલ્ડન વિજેલ તરીકે ઓળખ પામી રહ્યું છે, જેનો યશ આ દીકરીઓને આભારી છે. ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સાથે કુલ 344 મેડલ મેળવનાર હાજીપુર ગામ કદાચ જિલ્લાનું જ નહીં, પરંતુ રાજ્યનું પ્રથમ ગામ હશે.

ડાબેથી સુનિતા ઠાકોર અને હેતલ ઠાકોર.
ડાબેથી સુનિતા ઠાકોર અને હેતલ ઠાકોર.

હેતલે કર્યા છે રેકોર્ડ બ્રેક
સૌથી વધુ મેડલ હેતલે મેળવ્યા છે. વેસ્ટ ઝોન ઓફ ઇન્ડિયામાં ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે એથ્લેટિક્સમાં 47થી વધુ મેડલ મેળવનારી હેતલ ચૌહાણનું કહેવું છે કે તે હાજીપુર ખાતે ટ્રેનિંગ મેળવીને 14થી વધુ વખત આંતરસ્ટેટ સ્પર્ધામાં ભાગ લઇ ચૂકી છે. તેણે સરદાર પટેલ યુનિવર્સિટીમાં 800 મી. અને 400 મી.માં રેકોર્ડ બ્રેક કરેલો છે. તે પોલીસ ભરતીમાં પણ સફળતા મેળવી ચૂકી છે.

ડાબેથી કોચ રમેશભાઈ દેસાઈ અને નિરમા ઠાકોર.
ડાબેથી કોચ રમેશભાઈ દેસાઈ અને નિરમા ઠાકોર.

ગોલ્ડન ગર્લ નિરમા ઠાકોર
દોડની ખેલાડી નિરમા ઠાકોરે મેળવીને રાજ્યભરમાં નામના મેળવી છે. નિરમાએ ઉત્તરપ્રદેશમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ઇન્દિરા ફુલ મેરેથોન દોડમાં 42.195 કિમી. દોડ ફક્ત 2.50 કલાકમાં પૂર્ણ કરીને ભારતમાં પ્રથમ સ્થાન મેળવીને 2 લાખનો રોકડ પુરસ્કાર પણ મેળવ્યો છે. અગાઉ પુણે ખાતે ઇન્ટરનેશનલ મેરેથોનમાં યુથોપિયા, કેન્યા, ડેનમાર્ક અને ભારત સહિતના દેશોની 45 મહિલાએ ભાગ લીધો હતો, જેમાં 42 કિમી. મેરેથોન દોડ 3.09 કલાકમાં પૂર્ણ કરીને ભારતીય મહિલા વિભાગમાં પ્રથમ સ્થાળ મેળવીને નિરમાએ આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. બીજીવાર ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં 41 કિમી. દોડ 2.50 કલાકમાં પૂર્ણ કરીને 19 મિનિટનો ઘટાડો કરીને સતત બીજીવાર મેરેથોનમાં મેડલ મેળવ્યો હતો.

મેડલ સાથે સુનિતા અને હેતલ.
મેડલ સાથે સુનિતા અને હેતલ.

ગયા મહિને નિરમાએ વધુ એક ગોલ્ડ મેડલ મેળવો
માત્ર નિરમાએ જ છેલ્લાં 11 વર્ષની સતત મહેનતના સ્વરૂપે 16 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝ મળીને કુલ 29 મેડલ પ્રાપ્ત કર્યા છે. નિરમા હાલમાં આલ્વાસ કૉલેજ, મેંગલોર યુનિર્વસિટી ખાતે અભ્યાસ કરે છે અને નાસિક ખાતે ટ્રેનિંગ મેળવી રહી છે. હજુ ફેબ્રુઆરી 2023માં જ પ્રેસિડન્સી યુનિવર્સિટી, બેંગલુરુ ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં મેંગલુરુ યુનિવર્સિટી તરફથી નિરમાએ લાંબી દોડમાં ટીમ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવીને વધુ એક છોગું સર કર્યું હતું. દેશનું પ્રતિનિધિત્વ કરી વિશ્વકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરવાનું તેનું સ્વપ્ન છે.

મેડલ સાથે નિરમા ઠાકોર.
મેડલ સાથે નિરમા ઠાકોર.

રમતે ઓળખ અપાવી, હવે પીઆઇ બનવાનું સ્વ૫ન છે: સુનિતા ઠાકોર
સાત મેડળ મેળવી ચૂકેલી અને ગુજરાત પોલીસ ભરતીમાં સફળતા મેળવી ચૂકેલી સુનિતા ઠાકોરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે છેલ્લાં છ-સાત વર્ષથી કોચ રમેશભાઇના માર્ગર્દશન હેઠળ પ્રેક્ટિસ કરે છે અને તેથી જ તેની પસંદગી રાજકોટ ડીએલએસ સ્કૂલ ખાતે થઇ હતી. રમત દ્વારા મેડલ્સ મેળવીને ઓળખ ઊભી કર્યા પછી પણ તેમે સતત પ્રેક્ટિસ દ્વારા ગુજરાત પોલીસ ભરતીમાં સફળતા મેળવી છે અને તેનું લક્ષ્ય પીઆઇ બનવાનું છે.

ટ્રેનિંગ લઈ રહેલાં ગામનાં યુવાન-યુવતીઓ.
ટ્રેનિંગ લઈ રહેલાં ગામનાં યુવાન-યુવતીઓ.

વિજેતા ગર્લ્સનાં ગુરુજી રમેશભાઈ દેસાઈ
રુક્મિણી વિધાલયના એથ્લેટિક્સ ટ્રેનિંગ સેન્ટરના સ્થાનિક કોચ તરીકે રમેશભાઈ દેસાઈ ટ્રેનિંગ આપીને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે 2006થી અમે રુક્મિણી વિદ્યાલય ખાતે એથ્લેટિક્સની સાથે ભરતી પરીક્ષા માટેની ફિઝિકલ ટ્રેનિંગ આપીએ છીએ. અત્યારસુધીમાં 40થી વધુ વિદ્યાર્થીને સ્કૂલ ફોર એક્સલન્સમાં મોકલ્યા છે. કોલેજ, રાજ્યકક્ષા, વેસ્ટ ઝોન ઓફ ઇન્ડિયા તથા રાષ્ટ્રકક્ષાએ અનેક વિદ્યાર્થીઓને મેડલ મળવ્યા છે અને ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓને પોલીસ, આર્મી, ફોરેસ્ટ ભરતી માટે ટ્રેનિંગ આપી છે, જેમાંથી અનેક સફળતા મેળવીને સરકારી નોકરી મેળવી ચૂક઼યા છે.

બાળકો પણ ગામનું નામ રોશન કરવા ટ્રેનિંગ લઇ રહ્યાં છે.
બાળકો પણ ગામનું નામ રોશન કરવા ટ્રેનિંગ લઇ રહ્યાં છે.

ગામના અનેક સિતારા રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ ચમક્યા
બીજી તરફ, પોલીસ વિભાગનું ફાઇનલ પરિણામ પણ હાજીપુરના ઇશ્વરભાઇ ચૌહાણ પરિવારને ગૌરવ પ્રદાન કરે છે. આ પરિવારની ચાર દીકરીને એક વિભાગમાં સરકારી નોકરી પ્રાપ્ત થઇ છે, જેનું સંપૂર્ણ શ્રેય હાજીપુર એથ્લેટિક્સ ટ્રેનિંગ સેન્ટરને જાય છે. અહીં ટ્રેનિંગ મેળવીને દીકરીઓએ રમત અને નોકરીમાં કાઠું કાઢ્યું છે. આમ, હાજીપુરના સામાન્ય પરિવારોમાંથી અનેક સિતારા રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ ચમક્યા છે અને તેમણે હાજીપુર સાથે ગુજરાતનું નામ પણ ચમકાવ્યું છે. એથ્લેટિક્સમાં ભાગ લેવાને લીધે હાજીપુરનાં અનેક ઘરોમાં રોશની થઈ છે. હાલના સમયમાં સરકારી નોકરી મેળવવામાં પણ અત્યંત સ્પર્ધાત્મક માહોલના લીધે સતત અને સખત મહેનત અનિવાર્ય છે, ત્યારે 'પરિશ્રમથી પારસમણિ પણ મેળવી શકાય' એ કહેવતને હાજીપુરની દીકરીઓએ સાર્થક કરી બતાવી છે.

ગામને ગોલ્ડ વિલેજની નવી ઓળખ મળી.
ગામને ગોલ્ડ વિલેજની નવી ઓળખ મળી.

ડંકો વગાડનારી દીકરીઓ અને મેડલની સંખ્યા

  • 1 ઠાકોર નિરમા ભરતજી (29)
  • 2 પરમાર કાજલ મણિલાલ (35)
  • ૩ પટેલ ઇનલ સેંધાભાઈ (52)
  • 4 પટેલ નિશા સંધાભાઈ (49)
  • 5 ચૌહાણ હેતલ ઈશ્વરભાઈ (47)
  • 6 ગોસ્વામી કાજલ નરેશપુરી (40)
  • 7 ગોસ્વામીઊર્મિલા દશરથપુરી ઠાકોર (40)
  • 8 ઠાકોર પૂજા રત્નાજી (12)
  • 9 ઠાકોર કોમલ દલાજી ( 8)
  • 10 ઠાકોર સુનિતા કનુજી (7)
  • 11 દેસાઈ નિશા છગનભાઈ (6)
  • 12 ઠાકોર સરોજ હીરાજી (4)
  • 13 નાઈ શ્વેતા પંકજભાઈ (2)
  • 14 પરમાર જિજ્ઞાસા સોમાભાઈ (1)
  • 15 ઠાકોર નિકિતા રતનજી (1)
  • 16 ચૌહાણ કિંજલ સોમાભાઈ (1)
  • 17 ઠાકોર નેહા રતનજી (1)
  • 18 ઠાકોર પૂજા રાધુજી (1)

મેડલ મેળવનારા ભાઈઓ
01 વાલ્મીકિ મહેશ નટવરભાઈ (4)
02 ઠાકોર વિશાલ પ્રવીણજી (1)
રસ્સાખેંચમાં ભાઇઓએ મેળવેલા મેડલ (3)

પોલીસ ભરતીમાં પસંદ પામેલાં ભાઈઓ/બહેનો અને મેળવેલી ટકાવારી

  • 1 દેસાઈ દિવ્યા ઈશ્વરભાઈ ASI (254.75)
  • 2 રબારી વિષ્ણુભાઈ ડાહ્યાભાઈ (95.345)
  • 3 ચૌહાણ જાગૃતિ ઇશ્વરભાઈ (89.595)
  • 4 ચમાર હેતલ ઈશ્વરભાઈ (80.692)
  • 5 ચૌહાણ હિના ઈશ્વરભાઈ (76.550)
  • 6 ચમાર પ્રિયંકા ઈશ્વરભાઈ ( 85.730)
  • 7 ઠાકોર સુનિતા કનુજી ( 84.441)
  • 8 રબારી કાજલ વાઘજીભાઈ ( 76.550)
  • 9 પટેલ મેઘાવી ભાવેશ કુમાર (74.100)
અન્ય સમાચારો પણ છે...