જિલ્લા આરોગ્ય તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા GMERS મેડીકલ કોલેજ અને હોસ્પિટલ-ધારપુર ખાતે “આરોગ્ય મેળાનું” આયોજન કરવામાં આવ્યું હતુ.સાંસદ સભ્ય ભરતસિંહજી ડાભીના હસ્તે આરોગ્યમેળાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ. આજરોજ આયોજીત આરોગ્ય મેળામાં આરોગ્યને લગતી સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ મેળવેલ લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આરોગ્ય મેળામાં આરોગ્યને લગતા વિવિધ સ્ટોલ્સનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લાના તમામ લોકોને તેમના સ્વાસ્થ્ય અંગેની પુરતી જાણકારી, માર્ગદર્શન, નિદાન, અને સારવારની નિઃશુલ્ક સેવાઓ આપવી એ આજના આરોગ્ય મેળાનો ઉદેશ્ય રહ્યો હતો. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કુલ 1650 લોકોએ આરોગ્યમેળાનો લાભ લીધો હતો. જેમાં જનરલ ઓપીડી અંતર્ગત કુલ 382 લોકો, મેડીસીન ઓપીડીમાં 220, ગાયનેકમાં 110, પીડીયાટ્રીશીયનમાં 118, ઓર્થોપેડીકમાં 177, ડેન્ટલમાં 111, ENTમાં 120, સર્જનમાં 114, આંખો માટે 100 લોકો, ચામડીના રોગ માટે 170 તેમજ સાયકોલોજીકલ 28 દર્દીઓએ લાભ લીધો હતો. વિવિધ તબીબ નિષ્ણાંતો દ્વારા તમામ લોકોની તપાસ તેમજ સારવાર નિઃશુલ્ક કરવામાં આવી હતી.
આરોગ્ય મેળાના ઉદ્ધાટન પ્રસંગે ઉપસ્થિત માન.સાંસદસભ્ય ભરતસિંહજી ડાભીએ લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતુ કે, લોકોનું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે સરકારશ્રી દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત, મા અમૃતમ, મુખ્યમંત્રી સહાય યોજના, વગેરે થકી આજે દેશનો નાગરીક લાભ મેળવતો થયો છે. દેશનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે લોકોનું આરોગ્ય સ્વસ્થ હોય. આજે આયોજીત આરોગ્ય મેળામાં જે લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ અન્ય લાભ મળ્યા તે તમામને અભિનંદન.
આરોગ્ય મેળાના ઉદ્ધાટન સમારોહમાં માન.સાંસદસભ્ય ભરતસિંહજી ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ શભાનુમતીબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી, આરોગ્ય સમિતીના ચેરમેન મનુજી ઠાકોર, ધારપુર મેડીકલ કોલેજ ડિન હાર્દિક શાહ, સુપ્રિ. મેડીકલ કોલેજ ધારપુર, CDHO, ADHO, CDMO પાટણ, CDMO સિદ્ધપુર, તેમજ હોસ્પિટલ અને કોલેજનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.