આક્ષેપ:સમી તાલુકા પંચાયતમાં 1.81 કરોડના કામોના ઠરાવ રદ કરવા ભાજપના 14 સદસ્યોની માગ

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખના બદલે તેમના જેઠ અને કારોબારી અધ્યક્ષના પતિ સભામાં હાજર રહ્યાના આક્ષેપ
  • 67 પૈકી 28 ગામોને એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી નથી, બાકીના ગામોને બે લાખની ગ્રાન્ટ અપાઈ

સમી તાલુકા પંચાયતના 15 મા નાણાપંચ અને વર્ષ 2020ની તાલુકા કક્ષાની ગ્રાન્ટના કામોની દરખાસ્તનો ઠરાવ રદ કરવા ભાજપમાંથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના 14 સદસ્યોએ સોમવારે તંત્રમાં રજૂઆત કરી હતી. જેમા આક્ષેપ મુજબ 1.81 કરોડના કામોનો ખોટો ઠરાવ લખવામાં આવ્યો છે. સમી તાલુકા પંચાયતની 18 બેઠકના 67 ગામ આવેલા છે તેમાંથી સમીમાં 33 લાખ, દાઉદપુર 14 લાખ, જલાલાબાદ 14 લાખ, વરાણા ચાર લાખ, વાવલ આઠ લાખ, સમશેરપુરા 13 લાખ કુલ 86 લાખના કામો છ ગામોમાં લખવામાં આવ્યા છે.

સમી તાલુકા પંચાયતના 14 સદસ્યોએ રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે વર્ષ 2020-21ની 15મા નાણાપંચની ગ્રાન્ટના કામોનો ઠરાવ કરવા માટે 9 સપ્ટેમ્બર 2021ના રોજ સામાન્ય સભા બોલાવાઈ હતી પરંતુ તે સભામાં 15 મા નાણાપંચની ગ્રાન્ટની કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી.

તાલુકા પંચાયતના પ્રમુખના બદલે તેમના જેઠ અને કારોબારી અધ્યક્ષના પતિના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવવામાં આવી હતી તે ગેરબંધારણીય હોવાથી તેમજ ચૂંટાયેલા સદસ્યોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. પ્રમુખના જેઠ અને કારોબારી અધ્યક્ષના પતિએ મળીને ખોટા બનાવટી ઠરાવો કરી રહ્યા છે. તાલુકા પંચાયતની સામાન્ય સભાની મીટીંગ એજન્ડામાં નાણાપંચની ગ્રાન્ટનો કાર્યસૂચિમાં સમાવેશ કરવામાં આવેલો નથી. તેમજ મીટીંગના દિવસે પ્રમુખ પણ ગેરહાજર હતા.

ઠરાવ મળ્યા બાદ આગળ કાર્યવાહી થશે
આ અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રીટાબેન પંડયાએ જણાવ્યું હતું કે 15 મા નાણાપંચની ગ્રાન્ટ નો સભામાં ઠરાવ કરવામાં આવ્યો ન હોવાથી ઠરાવ રદ કરવા માટે ની રજૂઆત મળી છે અને કામોને મંજૂરી ન આપવા માટેની માગણી કરવામાં આવી છે પરંતુ હજુ કામનું લિસ્ટ કે ઠરાવ જિલ્લા પંચાયતને મળ્યો નથી. તે મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...