ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠક પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. પાટણ જિલ્લાની ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને રાધનપુર બેઠક પર અંદાજિત સરેરાશ 62.53 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાની ચાર બેઠક પર 43 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. તમામના ભાગ્યનો ફેંસલો 8 ડીસેમ્બરે થશે.
2017ની સરખામણીએ 2022માં મતદાનમાં ઘટાડો
બેઠક | 2022 | 2017 |
ચાણસ્મા | 62.02% | 68.89% |
પાટણ | 66.08% | 70.26% |
રાધનપુર | 58.93% | 68.64% |
સિધ્ધપુર | 63.10% | 70.98% |
પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર 2017ની સરખામણીએ મતદાનમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે. જિલ્લાની ચાર બેઠકો પર 2017ની ચૂંટણીમાં સરેરાશ 69.67 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 2022માં 62.53 ટકા મતદાન થયું છે. 2017માં પાટણ જિલ્લાની ચાણસ્મા સિવાયની અન્ય ત્રણ બેઠક કૉંગ્રેસે કબજે કરી હતી.
પાટણમાં ભાઈ-બહેને મતદાન કર્યું
પાટણના ખીમીયાણા ગામમાં રહેતા ભાઈ ચિરાગ પટેલ અને બહેન અમીબહેન આજે પોતપોતાના લગ્નજીવનની શરૂઆત કરે તે પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બંને બહેનની જાન આવી હતી અને ભાઈની જાન જવાની હતી. તે પહેલા જ બંને ભાઈ-બહેન પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા.
પાટણની 4 બેઠક પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન
બેઠક | મતદાન |
ચાણસ્મા | 50.42% |
પાટણ | 51.81% |
રાધનપુર | 47.63% |
સિધ્ધપુર | 54.33% |
ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળાના બુથ પર હોબાળો
પાટણ શહેરની ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળામાં આવેલા મતદાન મથક પર આજે મતદાન મથકની બહાર ઉભેલા એજન્ટને દૂર કરવા માટે ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘટનાના પગલે કૉંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જો કે, પોલીસે મધ્યસ્થી કરી મામલે થાળે પાડ્યો હતો. હાલ મતદાન મથક પર અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પાટણના કૉંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું
પાટણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે શહેરના આનંદ પ્રકાશ સ્કૂલમાં મતદાન કર્યું હતું. તેમને જણાવ્યું હતું કે લોકશાહીના અવસરમાં મતદાન આપનો અધિકારની સાથે ફરજ પણ છે જેથી લોકશાહીને બચાવવા મતાધિકાર રૂપી શસ્ત્રનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
ચાણસ્માના ભાજપના ઉમેદવાર દિલીપ ઠાકોરે મતદાન કર્યું
ચાણસ્માના વર્તમાન ધારાસભ્ય પૂર્વ કેબિનેટમંત્રી અને 17 ચાણસ્મા ના ભાજપા ના ઉમેદવાર દિલીપજી વિરાજી ઠાકોર 7.45 કલાકે સૌ પ્રથમ ક્રમે લાઈનમાં ગોઠવાઈ જઈ તેમના બુથમાં સૌ પ્રથમ મતદાન કરી શુભ શરૂઆત કરી હતી.અને ગામ ગાંદરે બિરાજમાન જોગણી માતાજી ના દર્શન કરી જંગી બહુમતીથી વિજયી પ્રાપ્ત કરવા પ્રાર્થના કરી.
પાટણના ભાજપના ઉમેદવારે ડીસામાં મતદાન કર્યું
ભાજપના ઉમેદવાર રાજુલબેન દેસાઈએ ડીસા વિધાનસભા બેઠકમાં મતદાન કર્યું હતું જેમાં વહેલી સવારે ડીસા શહેરના દાંતીવાડા કોલોની ખાતે મતદાન મથકમાં મતદાન કરી વધુમાં વધુ મતદાન કરવા માટે મતદારોને અપીલ કરી હતી તેમજ પાટણની બેઠક ઉપર તેવો 20,000 મતથી જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
પાટણની 4 બેઠકો પર ભાજપ, કૉંગ્રેસ અને આપના ઉમેદવાર
પાટણની કઈ બેઠક પર કેટલા મતદારો?
બેઠક | પુરુષ | મહિલા | અન્ય | કુલ |
રાધનપુર | 156618 | 146135 | 06 | 302759 |
ચાણસ્મા | 150643 | 141678 | 01 | 292322 |
પાટણ | 157523 | 148628 | 19 | 306170 |
સિધ્ધપુર | 139796 | 131381 | 00 | 271177 |
કઈબેઠક પર કેવી છે ટક્કર?
રાધનપુર
જિલ્લાની રાધનપુર બેઠક એવી બેઠક છે કે, જ્યાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભારે રાજકીય ઉતારચડાવ જોવા મળ્યો છે. 2017માં અહીં ભાજપના લવિંગજી સોલંકી સામે કૉંગ્રેસના અલ્પેશ ઠાકોરનો વિજય થયો હતો. જો કે, અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપમાંથી ચૂંટણી લડેલા અલ્પેશ ઠાકોરની કૉંગ્રેસના રઘુ દેસાઈ સામે હાર થઈ હતી. 2022ના ચૂંટણી જંગમાં કૉંગ્રેસે રઘુ દેસાઈને રિપિટ કર્યા છે. જ્યારે ભાજપે અહીંથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી અહીં લાલજી ઠાકોર ચૂંટણી મેદાનમાં છે. અહીં કુલ 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
ચાણસ્મા
પાટણ જિલ્લાની એકમાત્ર ચાણસ્મા બેઠક છે કે જે હાલ સત્તાધારી ભાજપ પાસે છે. અહીં ભાજપે દિલીપ ઠાકોરને રિપિટ કર્યા છે. તો કૉંગ્રેસે અહીંથી દિનેશ ઠાકોરને ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી વિષ્ણુ પટેલ ચૂંટણી મેદાનમાં છે. અહીં કુલ 7 ઉમેદવારો વચ્ચે ટક્કર છે.
પાટણ
પાટણ બેઠક પર 2017ના ચૂંટણી જંગમાં કૉંગ્રેસના કિરીટ પટેલ વિજય થયા હતા. 2022ના ચૂંટણી જંગમાં કૉંગ્રેસે કિરીટ પટેલને રિપિટ કર્યા છે. તો ભારતીય જનતા પાર્ટીએ અહીં મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. મહિલા આયોગના પૂર્વ સભ્ય ડો.રાજુલબેન દેસાઈને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. તો આમ આદમી પાર્ટીએ અહીંથી પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલેશ ઠક્કરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અહીં કુલ 16 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.
સિદ્ધપુર
સિદ્ધપુર બેઠક પર 2017માં કૉંગ્રેસના ચંદનજી ઠાકોરની જીત થઈ હતી. 2022ના ચૂંટણી જંગમાં કૉંગ્રેસે ચંદનજીને રિપિટ કર્યા છે. તો ભાજપે અહીં પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીમાંથી મહેન્દ્ર રાજપૂત ચૂંટણી મેદાનમાં છે. અહીં કુલ 9 ઉમેદવારો વચ્ચે ટક્કર છે.
2017માં બેઠક વાઈઝ થયેલા મતદાનના આંકડા
વિધાનસભા 2017માં પાટણ જિલ્લાની ચાર બેઠક પર સરેરાશ 69.67 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લામાં સૌથી વધુ સિદ્ધપુર બેઠક પર 70.98 ટકા મતદાન થયું હતું.
બેઠક | મતદાન |
રાધનપુર | 68.64 ટકા |
ચાણસ્મા | 68.89 ટકા |
પાટણ | 70.26 ટકા |
સિધ્ધપુર | 70.98 ટકા |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.