પાટણના સંડેરમાં નિર્માણ પામનાર ઉ.ગુ.ના ખોડલધામ સંકુલ માટે પાંચ વર્ષથી ચાલી રહેલા પ્રયત્નો હવે સાકાર થવા જઈ રહ્યા છે. ગુરુવારે સંડેર ગામના છ ખેડૂત પરિવારો દ્વારા કરોડોની 16 વીઘા જમીન મફતના ભાવે આપતાં તેઓનું સન્માન કરાયું હતું. જ્યારે ગામના જ વતની અને દેશભરમાં 45 શોરૂમ ધરાવતા બિઝનેસમેન ભામાશા નેહલ પટેલ દ્વારા રૂ. 1 કરોડ 11 લાખ 11 હજાર 111 નું ઉદારદાનની જાહેરાત કરાતાં સૌએ તાળીઓથી વધાવી લીધું હતું.
પાટણના ઊંઝા હાઇવે પર ખોડાભા હોલમાં ઉત્તર ગુજરાત ખોડલધામ સંડેર માટે ભૂમિ અધિગ્રહણ કાર્યક્રમ ગુરુવારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે રખાયો હતો. જેમાં પોતાની કરોડોની જમીન મફતના ભાવે સંસ્થાને આપનાર સંડેરના કરસનભાઈ નારણભાઈ પટેલ, દ્વારકાભાઈ નારણભાઈ પટેલ, જેઠીબેન હરજીભાઈ પટેલ, નિરવકુમાર જયંતીલાલ પટેલ ,નર્મદાબેન હરજીભાઈ પટેલ અને અંબાબેન નારણભાઈ પટેલનું નરેશભાઈ પટેલના હસ્તે ખેસ પહેરાવીને તેમજ માતાજીનો મોમેન્ટો આપી સન્માન કરાયું હતું .
દરમિયાન નેહલભાઈ પટેલ ,જયંતીભાઈ પટેલ સહિત અન્ય દાતાઓના દાનની જાહેરાત કરાઇ હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ,ખોડલધામના પ્રવિણભાઈ જેસલાણી, મક્તુપુરના ઉદ્યોગપતિ ભરતભાઈ પટેલ વેસ્ટર્ન એગ્રી સીડ્સના નારણભાઈ પટેલ ખોડલધામ સંસ્થાના દિનેશભાઈ કુંભાણી રમેશભાઈ ટીલાળા જશુભાઈ પટેલ હાજર હતા.
પ્રભુ કરે તે જ સાચું,આપણે ફક્ત કામ કરી શકીએ
આ પ્રસંગે ખોડલધામના સ્થાપક નરેશભાઈ પટેલે જણાવ્યું કે પાંચ વર્ષ અગાઉ કિરીટભાઈ પટેલે સંડેરમાં ઉ.ગુુ.નુંખોડલધામ બને તેવા ભાવ સાથે મને વાત કરેલી ત્યારથી આ વાત શરૂ થઈ હતી, આજે રૂડો અવસર આવ્યો છે સંડેરના વડીલો પણ મારી પાસે આવીને ઉઘરાણી કરતા હતા.
દરમિયાન આ ગામનો જ એક દીકરો નેહલ પટેલ આ કામ પૂરું કરવા તૈયાર છે તેવા શુભ સમાચાર મળ્યા. હું તેમને અહીં આવતી વખતે મળ્યો ત્યારે તેમણે મને ખાતમુહૂર્ત ક્યારે કરો છો તેમ પૂછ્યું .આ તેમનો ભાવ બતાવે છે .પ્રભુ કરે તે જ સાચું. આપણે ફક્ત કામ કરી શકીએ છીએ.તેમણે જિલ્લા કન્વીનર હાર્દિક પટેલ સહિત યુવાનોની જહેમતને બિરદાવી હતી.
ખોડલધામનું કામ બે ભાગમાં કરાશે
ખોડલધામના પ્રવિણભાઈ જેસલાણીએ જણાવ્યું કે સંકુલ માટે એક લાખ ચોરસ વાર જમીન અધિગ્રહણ કરવાની છે. ખોડલધામનું કામ બે ભાગમાં કરાશે. જેમાં માતાજીનું મંદિર, શિક્ષણધામ, આરોગ્યધામ અને સમાજ ઉત્કર્ષ ધામ બનાવાશે. મંદિર શિક્ષણ અને આરોગ્ય નો લાભ અન્ય સમાજને પણ મળશે. નેહલભાઈ આગેવાની લઈને આ કામ કરવા જઈ રહ્યા છે.
જમીન માટે ફાઈલ ચાલી રહી છે
સરકારમાં પાટણના ધારાસભ્ય અને ખોડલધામના ટ્રસ્ટી ડો. કિરીટ પટેલ જણાવ્યું કે જમીન માટે સરકારમાં ફાઈલ ચાલી રહી છે તે દરમિયાન ગામના દાતાઓના સહયોગથી આ કામ શરૂ થવા જઈ રહ્યું છે. રાજ્યમાં ચાર ઝોનમાં કેવડીયા કોલોની સુરત અને રાજકોટ ખાતે પણ આવા સંકુલ બનાવવાના છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.