જન્મ-મરણના આંકડા:પાટણ શહેરમાં વર્ષ 2022માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 10,123 બાળકો જન્મ્યા, 1360 લોકો મૃત્યુ પામ્યાં

પાટણએક મહિનો પહેલા

પાટણ શહેરમાં 2022નાં વર્ષમાં જાન્યુઆરીથી ડિસેમ્બરના અંત સુધીમાં કુલ 10,123 બાળકો જન્મયા હતા. તેમજ કુલ 1360 લોકોએ આ દુનિયામાંથી વિદાય લીધી છે. 1 વર્ષથી અંદરનાં 25 તથા 1થી 5 વર્ષ સુધીનાં 8 બાળકોએ જન્મ લીધા બાદ વિદાય લીધી હોવાની સાથે હોસ્પિટલમાં કુલ 231 બાળકો ધરતી પર અવતરે તે પૂર્વે જ મૃત્યુ પામેલા જન્મ્યા હોવાનું પાટણ નગરપાલિકાના જન્મ મરણ વિભાગે જણાવ્યું હતું.

જન્મનો દર આંશિક રીતે થોડો વધારે જોવા મળ્યો
પાટણ શહેરમાં આવેલી સરકારી અને ખાનગી મેટરનીટી હોસ્પિટલો તથા ઘરોમાં થતી પ્રસૂતિઓનો આંકડો આશ્ચર્યજનક રીતે વર્ષોથી થોડા ઘણાં આંકડાનાં અંતરથી જળવાયેલો રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષથી વર્ષ દરમિયાન જન્મ દર 8 થી 10 હજારની સંખ્યામાં જોવા મળી રહ્યો છે. ત્યારે વર્ષ 2022માં જન્મનો દર આંશિક રીતે થોડો વધારે જોવા મળ્યો છે જેમાં 2022 નાં વર્ષમાં 10,123 બાળકોનાં જન્મ થયા છે.
ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ 1003 બાળકો જન્મ્યા
પાટણ શહેર અને આસપાસનાં ગામોની પ્રસૂતાઓને મોટા ભાગે પાટણની મેટરનીટી હોમમાં જ પ્રસૂતિ કરાવવામાં આવી રહી છે. જેનો જન્મનો આંકડો નિયત સમયે હોસ્પિટલોએ પાટણ નગરપાલિકાને આપવાનો અને જન્મ-મરણની નોંધણી ફરજિયાત કરવામાં આવેલી છે પાટણ શહેરની હોસ્પિટલોમાં વિતેલા 2022નાં અંત સુધીમાં કુલ 10,123 બાળકોએ ધરતી પર મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો. 2022 માં સૌથી વધુ બાળકો ઓગસ્ટ મહિનામાં 1003 જન્મ્યા હતા. જ્યારે સૌથી ઓછા બાળકો મેં મહિનામાં 671 જન્મ્યા હતા. 2022 માં કુલ 1360 લોકોનાં મૃત્યુ થયા હતા. જેમાં 549 સ્ત્રી અને 811 પુરુષોનાં મૃત્યુ થયા હતાં. પાટણ નગરપાલિકામાં વર્ષ 2022માં જન્મ-મરણનાં પ્રમાણપત્ર મેળવવા માટે રૂ. 75,345 ની ફી વસુલાઈ હોવાનું જન્મ મરણ નોંધણી અધીકારી દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું.
વર્ષ 2022માં નોધાયેલા જન્મ દરના મહિના વાઈઝ આંકડા

 • જાન્યુઆરી- સ્ત્રી 349, પુરુષ 401
 • ફેબ્રુઆરી- સ્ત્રી 348 પુરૂષ 418
 • માર્ચ- સ્ત્રી 330, પુરૂષ 357
 • એપ્રિલ- સ્ત્રી 342, પુરૂષ 333
 • મેં- સ્ત્રી 300, પુરૂષ 371
 • જુન- સ્ત્રી 374, પુરૂષ 349
 • જુલાઈ- સ્ત્રી 389, પુરૂષ 448
 • ઓગસ્ટ- સ્ત્રી 496, પુરૂષ 507
 • સપ્ટેમ્બર- સ્ત્રી 496, પુરૂષ 504
 • ઓક્ટોબર- સ્ત્રી 472, પુરૂષ 501
 • નવેમ્બર- સ્ત્રી 445, પુરૂષ 545
 • ડિસેમ્બર- સ્ત્રી 472, પુરૂષ 476

કુલ સ્ત્રી જન્મદર 4813 અને પુરૂષ જન્મદર 5310 નોંધાયો હોવાનું જન્મ મરણ શાખા અધીકારી દિનેશ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...