તપાસ:હારિજના અસાલડી ગામના યુવાનની લાશ મળી આવતાં હત્યાની આશંકા

હારિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેનલ તબીબોની ટિમ સાથે પીએમ કરાવાશે અને મોબાઈલ ડિટેલ્સના આધારે પોલીસે તપાસ હાથ ધરી

હારિજ તાલુકાના અસાલડી ગામના યુવાનની લાશ તળાવના રસ્તા પરથી હત્યા કરાયેલી હાલતમાં મળી અાવતાં અરેરાટી પ્રસરી ગઈ હતી. હારિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કરી તપાસ આદરી છે. હારિજ તાલુકાના અસાલડી ગામના ઠાકોર કાન્તીજી જેમાજીના બે પુત્રો પૈકી નાનો દીકરો રોહિતજી કાન્તીજી ઠાકોર( 19 વર્ષ) શનિવાર ધનતેરસે તેના મિત્રો સાથે થરા ખાતે કપડા તેમજ અન્ય ખરીદી કરવા સારું ગયેલો હતો. રાત્રે થરાથી આવી ઘરે રાત્રી ભોજન કરી ગામમાં ગયો હતો. અને ગ્રામજનોએ રાત્રે 10 વાગ્યા સુધી ફરતો પણ જોયો હતો.

પણ વહેલી સવારે ગામમાંથી તળાવ જવાના રસ્તા પર મૃત હાલતમાં ગામલોકોએ જોતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પરિવારજનો જાણ થતાં દોડી આવ્યા હતા.ગામના સરપંચ ઠાકોર વિરમજી રાયચંદજી,પોપટજી ઠાકોર અન્ય અગ્રણીઓ દોડી આવી હારિજ પોલીસને જાણ કરી હતી.હારિજ પી.એસ.આઈ.આર.કે.પટેલ,અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ આદરી હતી. રાધનપુર ડી.વાય એસ.પી ડી.ડી.ચૌધરી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

યુવકને મારી રોડ પર ફેંકી ગયાનું અનુમાન
પૂર્વ સરપંચ વિરમજી રાયચંદજીના જણાવ્યા મુજબ રાત્રે કોઈ નરાધમોએ યુવાનને રાત્રે મારી રોડ પર ઘસેડી અહીંયા ફેંકી ગયા હોવાનું લાગી રહ્યું છે. મૃતકના પિતા કાંતિજી બાજુના ગામ ટોટાણા ખાતે ખેત મજૂરી ભાગ બાંધી ગુજરાન ચલાવે છે.કોઈ જોડે વાદવિખવાદ આજદિન સુધી જાણ્યો નથી.

પગની આંગળીએ ઈજાના નિશાન છે:પોલીસ
પીએસઆઇ આર.કે.પટેલના જણાવ્યા મુજબ મૃતક યુવાનના શરીર પર કોઈ પણ જાતના ઇજાના નિશાન નથી. પગની આંગળીઓ પર ઇજાઓ દેખાય છે. હાલમાં પેનલ તબીબોની ટિમ સાથે પી.એમ કરાવાશે અને મોબાઈલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી છે.મોતનું કારણ સ્પષ્ટ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...