ચૂંટણીનું પરિણામ:રાત્રે 10.30 વાગ્યા સુધીમાં બનાસકાંઠાની 457 ગ્રામ પંચાયતનાં પરિણામ જાહેર

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થરાદની કોલેજ આગળ તાલુકાના સરપંચ ઉમેદવારોના સમર્થકોની ભારે ભીડ જામી હતી.વિજેતા ઉમેદવારોને ફુલહારથી સ્વાગત કરીને ખભા પર ઊંચકીને ચિચિયારીઓથી વિસ્તાર ગજવી મુક્યો હતો. - Divya Bhaskar
થરાદની કોલેજ આગળ તાલુકાના સરપંચ ઉમેદવારોના સમર્થકોની ભારે ભીડ જામી હતી.વિજેતા ઉમેદવારોને ફુલહારથી સ્વાગત કરીને ખભા પર ઊંચકીને ચિચિયારીઓથી વિસ્તાર ગજવી મુક્યો હતો.
  • થરાદની ભલાસરા પંચાયતના વોર્ડ નંબર-4 ના સદસ્ય દશરથભાઈ ગોવાજી પટેલને 0 મત મળ્યો
  • ​​​​​​​ધાનેરા તાલુકામાં એકપણ સરપંચ રિપીટ થયા ન, અનેક પંચાયતોમાં મામૂલી સરસાઇથી ઉમેદવાર

બનાસકાંઠા ગ્રામ પંચાયતમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંગળવારે તમામ તાલુકાઓમાં જુદા જુદા સ્થળે મત ગણતરી માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં હજારોની સંખ્યામાં સમર્થકો ફુલહાર લઈ ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જાઈ ગયો હતો. જિલ્લામાં અનેક ગામમાં રોચક પરિણામો આવ્યા હતા.સમર્થકોમાં અને ઉમેદવારોમાં કહી ખુશી -કશી ગમનો માહોલ જોવા મળ્યો હતો. પાલનપુર તાલુકાની જગાણા એન્જીનિયરીંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાઇ હતી.

પાલનપુરમાં કલેક્ટરે જાહેરનામું બહાર પાડી અમદાવાદ હાઇવે તરફનો એક માર્ગ ત્રણ દિવસ માટે બંધ કર્યો હતો. પોલીસને દિવસભર સમર્થકોને રોકવા માટે રોડ પર ખડે પગે ઊભા રહેવું પડ્યું હતું. જ્યારે વડગામ વી.જે.પટેલ હાઇસ્કૂલ ખાતે સમર્થકો ઉમટી પડ્યા હતા. આખો દિવસ મતદાન મથક પર લોકોની ભારે ભીડ એકઠી થયેલી જોવા મળી રહી હતી. મતદાન મથક પર લોકોના ટોળાએ દેકારો મચાવતા પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.

ધાનેરાની પંચાયતોની મતગણતરી કે.આર.આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાખવામાં આવતા સવારથી જ લોકોની ભીડ ઉમટી પડી હતીપોલીસ ખડેપગે રહી હતી
ધાનેરાની પંચાયતોની મતગણતરી કે.આર.આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાખવામાં આવતા સવારથી જ લોકોની ભીડ ઉમટી પડી હતીપોલીસ ખડેપગે રહી હતી

તેમજ વડગામ તાલુકા મેગાળ ગામમાં વિજેતા ઉમેદવાર સામે વિરોધી જુથના લોકો ઉશ્કેરાઈ જતા આમને સામને આવી જતાં થોડીવાર માટે ગામમાં ચડભડ થઇ હતી. ડીસાના આખોલ, સાવીયાણા, શરત, રાણપુર વ.વાસ જેવા ગામોમાં વર્ષોથી સરપંચ પદે રહેલા ઉમેદવારોને મતદારોએ ઘર ભેગા કર્યા હતા. જ્યારે મોટે ભાગે યુવાન ઉમેદવારો જીત્યા હતા.થરાદ તાલુકાની ભલાસરા ગ્રામપંચાયતના વોર્ડ નંબર-4 ના સદસ્ય દશરથભાઈ ગોવાજી પટેલને 0 મત મળ્યો હતો.

થરાદ તાલુકાના ભાચર ગામમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલના ભત્રીજા વિરજીભાઇ પટેલના પત્ની તેમજ અરંટવા પંચાયતના (થરાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની પત્ની) ઉમેદવારની જીત થવા પામી હતી. અહીંના લેંડાઉ ગામની પંચાયતના મતદાનમાં ત્રણ વોટ કોને ગણવા તે અંગે અસમંજસ ઉભી થવા પામી હતી. આથી બુકલેટ સાથે નાયબ કલેક્ટર અને મામલતદારે આવીને ગાઈડલાઇન મુજબ મત ગણ્યા હતા. પરીણામે એક મત રદ થયું હતું. જ્યારે બે વિજેતા તરફ જતાં ફક્ત એક મતથી જીત થવા પામી હતી.ધાનેરા તાલુકામાં એકપણ સરપંચ રિપીટ થયા ન હતા.

દિયોદર તાલુકાની ગ્રામ પંચાયતોમાં છ ઉમેદવારો 50 થી ઓછા મતે વિજેતા થયા હતા. ફાફરાળી ગામે વોર્ડ નંબર-3માં ચેનાજી વઘાજી ચૌહાણને 34 મત તેમજ વિનોદજી ઇશાજી પરમારને 34 મત બંને સરખા મત મળતાં ચૂંટણી અધિકારી દ્વારા ચીઠ્ઠી ઉછાળી હતી. જેમાં વિનોદજી ઇશાજી પરમારનો વિજય થયો હતો. જ્યારે મોજરુ નવા ગામમાં વોર્ડમાં ઉમેદવાર એક મતે વિજેતા થયા હતા.વાવના દેથળી ગામમાં વોર્ડ નંબર-7માં શંભુભાઈ માદેવભાઈ ઠાકોર અને ભૂપતાભાઈ રામાભાઈ ઠાકોરને સરખા 91 મતો મળતા ટાઇ પડી હતી. જેમાં ચિઠ્ઠી ઉછાળતા શંભુભાઈ માદેવભાઈ ઠાકોર વિજેતા બન્યા હતા.

વાવની 23 ગ્રામ પંચાયતોની મતગણતરી વાવ ભાભર રોડપર આવેલ મોડલ સ્કૂલ ખાતે હતી. ભાજપના આગેવાનોના તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના સાસુ રામીબેન લક્ષ્મણભાઈ પટેલ, વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ ગોહિલના પુત્રવધુ રતનબેન નટવરસિંહ ગોહિલ, બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મંત્રી પ્રકાશભાઈ વ્યાસના પત્ની આરતીબેન પ્રકાશભાઈ વ્યાસ અને વાવ તાલુકા ભાજપ મહામંત્રી રામસેગભાઈ રાજપૂતના ભાઈની પત્ની ભારતીબેન રમેશભાઈ રાજપૂતનો વિજય થયો હતો.

દાંતા તાલુકાની કુલ 42 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણત્રી દાંતાની સરભવાનીસિંહ વિદ્યાલય ખાતે હતી. તાલુકાના કાસા ગામે સાસુ સામે વહુ જંગે ચડી હતી પરંતુ બન્નેની કારમી હાર થતા અન્ય એક ઉમેદવાર કેળીબેન 488 મતે વિજય પ્રાપ્ત કર્યો હતો. દાંતાની ચૂંટણીમાં વોર્ડ નંબર વોર્ડ નંબર -6 માં વીરેન્દ્રસિંહ ગુર્જર (પુત્ર) સામે રાકેશ બાબુજી ઠાકોર (પતિ ) અને વોર્ડ નં. 10 માં સરસ્વતીબેન ગુર્જર (માતા) સામે પ્રવિણાબેન રાકેશભાઈ ઠાકોર (પત્ની)ની હાર થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...