હારિજનો પંચાલ પરિવાર પાટણના ખારીવાવડી ગામે તેમના માતાજીના દર્શન કરી પરત આવી રહ્યો હતો. અડીયા ગામે ઇકોનું ટાયર ફાટતા ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારતાં 4 વર્ષીય બાળકનું કરુણ મોત થયું હતું. અને મૃતકના દાદા દાદીને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.
પરિવાર દર્શન કરી હારિજ પરત આવી રહ્યો હતો
હારિજ શહેરનો પંચાલ પરિવાર તેમના માતાજીના દર્શન કરવા પાટણ તાલુકાના ખારીવાવડી ગામે સવારે ગયો હતો. જે દર્શન કરી અનાવાડા ગામે વિરદાદાના દર્શન કરી હારિજ પરત આવવા નીકળ્યા હતા ત્યારે અડીયા નજીક ચંદુમાણાંના પાટિયા પાસે આવતા ઇકો ગાડી (GJ 5 JP 5487)નું ટાયર ફાટતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી.
4 વર્ષના આલોકને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો
જેમાં વિક્રમભાઈ વિનુભાઈ પંચાલનો 4 વર્ષીય પુત્ર આલોક ગાડી બહાર ફેંકાઈ રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી. જેને પાટણ જનતા હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ઇકો ગાડીમાં પરિવારના વૃદ્ધ વિનુભાઈ નાથાલાલ પંચાલ ઉ.67 અને ડઈબેન વિનુભાઈ પંચાલ ઉ.60ને ઇજાઓ થતા 108 મારફતે હારિજ રેફરલમાં લઈ જવામાં આવ્યા હતા.નાના બાળકનું કરુણ મોત નિપજતા પંચાલ પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.જોકે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી ન હોવાનું પરિવારના લોકોએ જણાવ્યું હતું.
ફર્સ્ટ પર્સન: અમારી નજર સામે બાળક બહાર ફંગોળાયો
ચંદ્રુમાણા ગામના અશ્વિનકુમાર શિવપ્રસાદ વ્યાસ અને તેમનો પુત્ર પાટણથી ચંદ્રુમાણા જઈ રહ્યા હતા ત્યારે તેમની નજર સામે આ ઘટના બની હતી. તેમણે જણાવ્યું કે ટાયર ફાટતાં અચાનક ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી અને બાળક નીચે પટકાયો હતો. ગાડીમાં બેઠેલા લોકોને ઘટનાસ્થળે આવેલ દુકાનો વાળા અને અમે બધા મળીને બહાર કાઢ્યા હતા જેમાં હારિજથી પાટણ જઈ રહેલા ઇમ્તિયાજ રહેમતખાન શેખની ગાડીમાં બાળક અને તેના માતા-પિતાને પાટણ જનતા હોસ્પિટલ ખસેડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.