હારિજની સર્વોદય પ્રજાપતિ સ્કૂલમાં ધોરણ 9 અને ધોરણ 11ના 158 વિધાર્થીઓ નાપાસ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળામાં આવી અંદરોઅંદર સ્ટાફના વિખવાદના કારણે છાત્રોનો ભોગ લેવાયાના આક્ષેપ સાથે નાપાસ છાત્રોને પાસ કરવા આચાર્યને રજૂઆત કરી હતી.
હારિજની સર્વોદય વિદ્યાલયમાં 9 ધોરણમાં કુલ 157 પૈકી 75 વિધાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે 11 ધોરણમાં 197 પૈકી 83 છાત્રો નાપાસ થતા બંને ધોરણના મળી 158 છાત્રો નાપાસ થયા છે. જેના કારણે વાલીઓ અને વિધાર્થીઓમાં આક્રોશ વ્યાપવા પામ્યો છે. શુક્રવાર અને શનિવારે નાપાસ થયેલા વિધાર્થીઓ અને વાલીઓ શાળામાં રજુઆત માટે આવ્યા હતા.
તંબોળીયાના વાલી દીનાજી પ્રતાપજી ઠાકોરે જણાવ્યું કે કોરોના મહામારીના કારણે ગામડામાં નેટની સમસ્યાના કારણે ઓનલાઇન પણ અભ્યાસક્રમ નથી થઈ શક્યો ત્યારે નાપાસ કરવા વ્યાજબી નથી. સરકાર દ્વારા ધો.1 થી 8માં માસ પ્રમોશન આપી પાસ કરાય તો ધોરણ 9 અને 11 માં કેમ નહીં. વિદ્યાર્થીનું વર્ષ ના બગાડાય એવી અમારી રજુઆત છે. ચાબખાના ભરવાડ ગફુરભાઈ બોઘાભાઈનો પુત્ર ધોરણ 11 મા 4 વિષયમાં નાપાસ થતા તેઓ પણ આક્રોશ સાથે રજૂઆત કર્યા હતા.
સરકારના નિયમ વિરુદ્ધ પાસ કરી શકતો નથી : આચાર્ય
સર્વોદય હાઈસ્કૂલના આચાર્ય હરેશભાઈના જણાવ્યા મુજબ શિક્ષણ વિભાગના ધોરણ 9 અને 11 માટે વર્ગ બઢતીના નિયમો પ્રમાણે શાળાએ પરિણામ તૈયાર કરેલ છે અને તે સંપૂર્ણ સાચા છે. નાપાસ થયા હોય તો તેની તમામ વિષયની સપ્લીમેન્ટરી વાલીને અને શિક્ષણ વિભાગના અધિકારીને અમો બતાવવા તૈયાર છીએ કે જેથી વાલીને હકીકતની જાણ થાય,પરંતુ નાપાસ વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાવવા માટે અમારા ઉપર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.