વિરોધ:સરદારપુરાથી મીઠીવાવડીનો રોડ ગૌચરમાંથી બનાવવાની હિલચાલ સામે ગ્રામલોકોનો વિરોધ

ચાણસ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામલોકોની રજૂઆત ધ્યાને નહીં લેવાય તો વિધાનસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી

ચાણસ્મા તાલુકાના સરદારપુરાથી પાટણ તાલુકાના મીઠીવાવડી ગામને જોડતો પાકો રોડ હયાત નેળિયામાંથી બનાવવાના બદલે ગૌચરમાંથી કાઢવાની હિલચાલ સામે સરદારપુરા ગ્રામ પંચાયત અને ગામલોકોએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. આ અંગે ગ્રામસભામાં ઠરાવ કરી આ રોડ હયાત નેળિયામાં જ બનાવવા માર્ગ અને મકાન વિભાગ પાટણને લેખિત જાણ કરાઈ છે. તંત્ર દ્વારા જો આ રોડ ગૌચરમાંથી બનાવવામાં આવશે તો ગ્રામજનો દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

સરદારપુરાથી મીઠીવાવડી ગામનું અંતર આશરે ત્રણ કિમી છે અને આ બંને ગામોને જોડતો પાકો રસ્તો ન હોઈ હાલ સરદારપુરા ગામના લોકોને વાયા ચાણસ્મા થઈને મીઠીવાવડી જવું પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે સરદારપુરા ગ્રામ પંચાયતે બંને ગામો વચ્ચેના હયાત નેળિયામાંથી પાકો રોડ બનાવવા દરખાસ્ત કરી હતી. આ રોડ નેળિયામાંથી બનાવવામાં આવે તો સરકારને જમીન વળતરનો કોઈ પ્રશ્ન નથી તેમજ ગામના ખેડૂતોને ખેતરે જવા ઉપયોગી થઈ શકે તેમ છે.

સરદારપુરા ગામના સરપંચ મોતીભાઈ દેસાઈએ કહ્યું કે, મીઠીવાવડી ગામના કેટલાક લોકો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા આ રોડ સરકારી ગૌચરમાંથી બનાવવા પ્રયત્નો કરી રહ્યા છે. ગૌચરમાંથી રોડ બનાવાય તો બે કિલોમીટર અંતર વધવા સાથે અમારા ગામના માલધારીઓના પશુઓના ચરિયાણનો પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે.

વળી, આ ગૌચરમાં મોર, સસલાં સહિતનાં પશુ પંખીઓનાં રહેઠાણ પણ છે. જે છિનવાઈ શકે છે. કેટલાક લોકો પોતાની જમીનના સારા ભાવ મળે તે માટે રોડ ગૌચરમાં બને તેમ ઈચ્છી રહ્યા છે. જો અમારા ગ્રામજનોની રજૂઆત વહીવટી તંત્ર કાને નહીં ધરે તો આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

ગૌચરમાં પીંપળવન બનાવવાનું છે
ગામનાં પૂર્વ મહિલા સરપંચ ગીતાબેન દેસાઈએ જણાવ્યું કે, ગૌચરની આ જમીનમાં પર્યાવરણ હેતુ પિંપળવન બનાવવા ગ્રામ પંચાયતે નિર્ણય લીધેલો છે અને તે અંગે વન વિભાગને જાણ પણ કરેલી છે. આ કામગીરી હવે શરૂ થનાર છે ત્યારે ગૌચરમાંથી રોડ બનાવવાની જગ્યાએ નેળિયામાંથી જ રોડ બનાવવા માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...