તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:રામપુરા કેનાલમાં પુત્ર સાથે મહિલાના આપઘાતની આશંકા

ચાણસ્માએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલા અને દિકરો - Divya Bhaskar
મહિલા અને દિકરો
  • અંધારૂ થતાં શોધખોળ અટકી, આજે અમદાવાદની ટીમ આવશે, સ્થળ પરથી ચિઠ્ઠી મળી

ચાણસ્મા તાલુકાના કંબોઈ અને રામગઢ પાસે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક મહિલાએ તેના ચાર વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કર્યાની આશંકાએ પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ માતા કે પુત્રનો પતો ન લાગતા સાંજે કામગીરી અટકાવી શનિવારે અમદાવાદથી ટીમ બોલાવી શોધખોળ કરવા નિર્ણય કરાયો હતો. આ મહિલાએ સાસરીમાં ત્રાસ હોવાનું ચિઠ્ઠીમાં લખ્યું છે. જોકે તેણીએ કેનાલમાં આપઘાત કર્યો હોય તેવું સ્પષ્ટ થયું નથી.

રામગઢનો એક ખેડૂત પોતાના ખેતરમાં જઈ રહ્યો હતો તે દરમિયાન કંબોઈ હાઈવેથી ખોરસમ તરફ નજીકમાં કેનાલ બાજુના નાળા પાસે મોબાઈલની રીંગ વાગતી હોય તેવો અવાજ આવતા તેણે નજર કરતાં એક મોબાઇલ અને તેની નીચેથી ચિઠ્ઠી જેવું કાગળ જોવા મળ્યું હતું. જ્યારે નાળાની એગલ ઉપર એક નાનો થેલો લટકતો જોવા મળતા કંઇક અજુગતું બન્યાની શંકા જતા ચિઠ્ઠી વાંચતા તેમાં સાસરીના ત્રાસથી આત્મહત્યા કરતી હોવાનું લખાણ હતું. તેવામાં મહિલાના મોબાઇલમાં રીંગ વાગતા ખેડૂતે ફોન રિસીવ કરતા સામેથી કનુજી ભીખાજી રહે ગોઝારીયાવાળા બોલતા ખેડુતે હકીકત જણાવી હતી.

મહિલા ઠાકોર હેતલબેન કનુજીનું પિયર ગોઝારીયા છે. 6 વર્ષ અગાઉ કુણઘેર ગામે હમીરજી ગોગાજી સાથે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. સંતાનમા એક ચાર વર્ષ નો પુત્ર છે. મહિલાના પતિએ જણાવ્યું હતું કે તેમના પત્ની આંગણવાડીમાં નોકરીની જગ્યા પડેલ હોઇ અરજી કરવા એલસી સહિતના કાગળ પિયરમાં હોઇ લેવા ગુરુવારે સવારે 10 વાગે કુણઘેરથી 4 વર્ષના પુત્ર સાથે રીક્ષામાં પાટણ રવાના કર્યા હતા. પરંતુ કંબોઈ કેનાલની બાજુમાં તેનો થેલો, ફોન, ચિઠ્ઠી મળી છે. આવા સમાચાર મળતાં તાત્કાલિક કેનાલ પર આવી ચાણસ્મા પોલીસ ને જાણ કરી હતી. શુક્રવારે રાત્રે કેનાલમાં શોધખોળ કરાતાં અંધારૂ થતાં કામગીરી અટકાવાઈ હતી અને આજે અમદાવાદની ટીમની મદદ લેવાશે તેમ પોલીસે જણાવ્યું હતું.

પાટણ અને હારિજના તરવૈયાઓ દ્વારા શોધખોળ.
પાટણ અને હારિજના તરવૈયાઓ દ્વારા શોધખોળ.
અન્ય સમાચારો પણ છે...