બસમાં છેડતી:સુરતથી રાધનપુર આવતી એસ.ટી. બસના ડ્રાઇવરે મહિલા મુસાફરની છેડતી કરી, સમી પોલીસે મધરાત્રે ચાલકને ઉઠાવી લીધો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસ સમી પહોંચતાં જ પોલીસે વિધર્મી બસ ચાલકની અટકાયત કરી

પાટણના સમી એસ.ટી. બસ સ્ટેન્ડે વહેલી પરોઢે પાંચ વાગ્યે સુરતથી રાધનપુર જતી બસના ડ્રાઇવરની પોલીસે અટકાયત કરી છે. આ ડ્રાઇવરે સુરતથી બસમાં આવતી મહિલા મુસાફરની છેડતી કરી હતી. ડ્રાઇવરે બસ કંડક્ટરને ચલાવવા આપીને મહિલાની છેડતી કરતા મહિલાએ પોલીસને જાણ કરી હતી.

મૂળ સમી તાલુકાનાં વાવલ ગામનાં વતની અને સાસરું ધરાવતી અને હાલ તેમનાં સુરતના ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી પતિ પાસે રહેતી 22 વર્ષની એક યુવતી તેની જેઠાણીનાં સિમંત પ્રસંગમાં હાજરી આપવા 18 મીએ રાત્રે સુરતથી રાધનપુર જતી એસ.ટી. બસ નં. (GJ-Z-1945)માં બેસીને પોતાનાં વતન સમીનાં વાવલ ગામે જવા માટે આવી રહી હતી. આ બસ રાત્રે ત્રણ વાગે વિરમગામ પહોંચી તે પછી બસનાં ચાલકે પોતે બસ ચલાવવાનાં બદલે બસનાં કંડકટરને બસનું સ્ટિયરીંગ સોંપી દઇને પોતે બસની કંડકટર સીટ ઉપર આવી બેઠો હતો.

આ બસમાં મહિલા ઉપરાંત પાંચેક મહિલા અને 8 પુરુષ મુસાફરો બેઠા હતા. થોડીવાર પછી બસનાં ડ્રાયવરે ઉભા થઇને ઉપરોક્ત યુવતી જે સીટમાં બેઠી હતી તેની આગળની સીટમાં બેઠેલા પુરુષ મુસાફરનું ટી શર્ટ ખેંચ્યું હતું. જેથી આ મુસાફરે તેની સીટ બદલી નાંખી હતી સવારે પાંચ વાગે આ બસ શંખેશ્વરથી સમી તરફ આવતી હતી ત્યારે બસ ડ્રાયવરે બદદાનતથી યુવતીનો દુપટ્ટો ખેંચ્યો હતો. જે જોઇને અન્ય મુસાફરોએ તેને બચાવી હતી.

ડ્રાઇવરને સમજાવીને બેસાડી દીધો હતો અને બસનો દરવાજો બંધ કરી દીધો હતો. આ વખતે આ યુવતિએ હેલ્પલાઇન ‘1091’ પર મદદ માટે પોલીસને ફોન કરતાં તેમણે કહેલું કે, અમને આવતાં હજુ વાર લાગશે તમે પોલીસને જાણ કરવાનું કહેતાં યુવતિએ પોતાનાં પતિને ફોન કરી જાણ કરતાં પતિએ પાટણ જિલ્લા પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરી તેનો ફોન નંબર આપતાં યુવતીએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. બાદમાં આ બસ સમી બસ સ્ટેન્ડે પહોંચતા સવારે પાંચ વાગે સમી પોલીસ અહીં આવી પહોંચી હતી ને બસનાં ચાલકને પકડીને લઇ ગઇ હતી. પોલીસે બસના ડ્રાઇવરનું નામ પૂછતાં તેનું નામ મહંમદ રજાક અનવરભાઇ ઘાંચી (રહે. રાધનપુર) હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે સમી પોલીસે મહિલા મુસાફરની ફરીયાદનાં આધારે તેની સામે આઇ.પી.સી. 354(એ) મુજબ ગુનો નોંધ્યો હતો.

દીકરીની છેડતી કરનાર ડ્રાઈવર કલાકમાં છુટી ગયો સસ્પેન્ડ કરવા ગ્રામજનોની માંગ : સરપંચ
વાવલ ગામના સરપંચ બચુભાઈ નાડોદાએ જણાવ્યું હતું કે અમે દીકરીને હિંમત આપી ફરિયાદ પણ નોંધાવી છતાં પોલીસ સ્ટેશનમાં તેને એક કલાકમાં જામીન મળી ગયા હતા. તે છૂટી ગયો હતો. આ રીતે આરોપીઓ કલાકમાં છૂટી જાય તો કાયદાનો ડર રહેશે નહિ. ડ્રાઈવરને ત્રણ દિવસમાં ડેપો વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં નહિ આવે તો ગામ ઉગ્ર આંદોલન કરશે.

કંડકટરને બસ ચલાવવા આપી 13 મુસાફરોનાં જીવ જોખમમાં મૂક્યા હતાં
ડ્રાઈવર મહમદ રજાકે રાત્રે ડ્રાઈવિંગ જોખમકારક હોય કાળજી રાખવાના બદલે બેદરકારી પૂર્વક કંડક્ટરને બસ ચલાવવા આપી અંદર આવીને બેસી ગયો હતો. અંદર 5 મહિલાઓ અને 8 પુરુષો મળી 13 મુસાફરો હતાં. જેમનાં જીવ કંડકટરનાં ભરોસે મુકી ગંભીર લાપરવાહી દાખવી હતી. કંડક્ટરને બસ ચલાવવા આપવીએ પણ એક ગુનો છે. તેવું ડેપોના સુત્રોએ જણાવ્યું હતું.

સ્પેશયલ જાતીય સતામણી અધિનિયમ કાયદાનો મહિલાઓ ઉપયોગ કરે
લો કોલેજના પ્રોફેસર અને દુર્ગાવાહિનીના વિભાગ સંયોજીકા ડૉ. અવની આલે જણાવ્યું હતું કે મહિલાઓ શોષણ સહન કરીને અવાજ ઉઠાવતી નથી અથવા તેને પોતાની ઈજ્જતની બીક હોય છે.મહિલાઓએ કોઈ પણ સ્થળ ઉપર આત્મરક્ષણ માટે આગળ આવવું પડશે.સરકાર દ્વારા છેડતીના બનાવો માટે બનાવેલ જાતીય સતામણી અધિનિયમ 2013 કાયદાનો ઉપયોગ કરી કાર્યવાહી કરવી જોઇએ. જેમાં સાત વર્ષની સજાની જોગવાઈ છે. મહિલાને એક નજરે જોઈ રહેવું પણ ગુનો છે. જેમાં વિવિધ બાબતો છે જે મહિલાને જાહેર સ્થળો પર સુરક્ષા આપી શકે છે.

પાટણ જિલ્લામાં 1 વર્ષમાં 47 છેડતીનાં બનાવ બન્યાં
પાટણ જિલ્લામાં 1 વર્ષમાં IPC કલમ 354 (A) મુજબ છેડતી, ઈજ્જત લેવાના 47 ગુના પોલીસ મથકે નોંધાયા હતા. તમામ ગુનામાં આરોપીઓની અટકાયત બાદ ચાર્જશીટ દાખલ કરતા હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. જે પૈકી હાલમાં એકપણને સજા થઈ નથી.

ડ્રાઈવર કંડક્ટર સામે કાર્યવાહી કરવા રિપોર્ટ કર્યો : ડેપો મેનેજર
રાધનપુર બસ ડેપો મેનેજર અલ્પેશ સોલંકી જણાવ્યું હતું કે ડ્રાઈવર-કન્ડક્ટર બંને સામે ઘટના મામલે કાર્યવાહી માટે રિપોર્ટ તૈયાર કરી ડિવિઝન વિભાગને મોકલી આપવામાં આવ્યો છે. ડિવિઝન વિભાગ રિપોર્ટ આધારે બંને સામે કાર્યવાહી કરવા અંગે નિર્ણય લેશે. શુક્રવારે બન્ને કર્મચારીઓ નોકરી પર આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...