વિવાદીત નિવેદનનો વિરોધ:ઈસ્લામ ધર્મના પયગંબર વિરૂદ્ધ ટીપ્પણી મામલે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા સામે વિરોધ પ્રદર્શન, પાટણમાં મુસ્લિમ બિરાદરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

પાટણ14 દિવસ પહેલા
  • ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા સામે કાનૂની કાર્યવાહીની માગ કરાઈ

ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ઇસ્લામ ધર્મના પયગંબર સાહેબ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદીત નિવેદનના વિરૂદ્ધમાં પાટણમાં મુસ્લિમ બિરાદરના વિવિધ સંગઠનોના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ પ્રવક્તા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો

પાટણ કલેક્ટર કચેરીમાં શુક્રવારે શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મુસ્લિમ બિરાદરના AIMIM સહિતના વિવિધ સંગઠનોના હોદ્દેદારો તેમજ મુસ્લિમ બિરાદરના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ભાજપના પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલા ઇસ્લામ ધર્મના પયગંબર વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી મામલે મુસ્લિમ બિરાદરોએ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

અન્ય કોઈ લોકો ધાર્મિક બાબતે ટિપ્પણી ન કરે તેવી દાખલા રૂપ સજાની માગ

વિરોધ પ્રદર્શન બાદ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સત્વરે ઈસ્લામ ધર્મના પયગંબર સાહેબ વિરુદ્ધ કરવામાં આવેલા અભદ્ર ટીપ્પણીથી સમગ્ર સમાજમાં આક્રોશની લાગણી હોય દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને અન્ય કોઈ લોકો ધાર્મિક બાબતે ટિપ્પણી ન કરે તેવી દાખલા રૂપ સજા અને કાનૂની કાર્યવાહી નૂપુર શર્મા સામે સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં AIMIM પાટણ જિલ્લા પ્રમુખ ઈમ્તિયાઝ ભાઈ, ભુરા સૈયદ સહીત ઇસ્લામ ધર્મના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...