MBBS ગુણ કૌભાંડનો મામલો:પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કુલપતિ જે.જે.વોરા સામે ફોજદારી ફરિયાદ નોંધવાની માગ કરી, ઉચ્ચ શિક્ષણ કમિશનરે કાર્યવાહી કરવા આપ્યો છે આદેશ

પાટણ13 દિવસ પહેલા
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ
  • 2018માં MBBSના ત્રણ વિદ્યાર્થીઓના પેપરના પુનઃ મૂલ્યાંકન ગોટાળા થયા હતા
  • NSUI દ્વારા કુલપતિનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કરવામા આવ્યા

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત MBBS ગુણ સુધારણા કૌભાંડ મામલાની તપાસ બાદ ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા સાત દિવસમાં કુલપતિ જે.જે. વોરા સહિત તમામ સાત સભ્યો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપતા ખળભળાટ મચ્યો છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કુલપતિ સામે ફોજદારી ફરિયાદ નોંધવાની માગ કરવામા આવી છે. NSUI દ્વારા આજે યુનિવર્સિટીમાં કુલપતિનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.

કુલપતિ જે.જે.વોરા
કુલપતિ જે.જે.વોરા

કુલપતિ સહિત કસૂરવાર સામે ફોજદારી ફરિયાદ નોંધો- કિરીટ પટેલ
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા MBBS ગુણ સુધારણા કૌભાંડ મામલે નિમાયેલી કમિટી અને અધિક સચિવે કરેલી તપાસમાં દોષિત ઠરેલા કુલપતિ જે.જે.વોરા સહિતના સભ્યો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની માગ કરવામા આવી છે.જો સાત દિવસમાં જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ધારાસભ્ય દ્વારા આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

કુલપતિનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કરતા NSUIના કાર્યકર્તાઓ
કુલપતિનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કરતા NSUIના કાર્યકર્તાઓ

NSUI દ્વારા કુલપતિનો ઘેરાવ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા
કુલપતિ સામે કાર્યવાહીના ઉચ્ચ શિક્ષણ કમિશનરના આદેશ બાદ આજે NSUI દ્વારા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. કુલપતિ જે.જે. વોરા યુનિવર્સિટી સંકુલમાં પહોંચતા NSUIના કાર્યકર્તાઓએ ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

કુલપતિ સામે કાર્યવાહી કરવા કરવામા આવ્યો છે આદેશ
યુનિવર્સિટીમાં વર્ષ 2018માં મેડિકલ અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષની પરીક્ષામાં નાપાસ થયેલા ધારપુરના 3 છાત્રોને પુનઃમૂલ્યાંકન માં ઉત્તરવહી બદલીને પાસ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ મામલે યુનિવર્સિટી દ્વારા ઇસી સભ્ય હરેશ ચૌધરી અને પ્રોફેસર જે.કે.પટેલને તપાસ સોપાઈ હતી.જેમાં તપાસમાં કથિત કૌભાંડ બહાર આવ્યું હતું. જે મામલે ભારે હોબાળો મચતાં સરકારે વધુ તપાસ માટે અધિક સચિવ પંકજ કુમારને તપાસ સોંપી હતી.તપાસ દરમિયાન નિવેદનો અને પુરાવાની ચકાસણી બાદ અંતે ઉત્તરવહી બદલી ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સાબિત થયું હતું. જે તપાસનો અહેવાલ સરકારને રજૂ કર્યો હતો.જે અનુસંધાને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરે પુનઃ મૂલ્યાંકન કરનાર કન્વીનર અને તમામ કસૂરવાર સામે 7 દિવસમાં જ શિક્ષાત્મક કાર્યવાહી કરી સરકારમાં જાણ કરવા માટે પત્ર લખી આદેશ કરવામાં આવ્યો છે.

કુલપતિ સહિત કસૂરવારો સામે ફોજદારી કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરીશ : ધારાસભ્ય
પાટણ ધારાસભ્ય કીરીટ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સમગ્ર કૌભાંડ મામલે બે પ્રકારની કાર્યવાહી કરે તેવી સરકારમાં રજુઆત કરી છે. જેમાં શિક્ષાત્મક કાર્યવાહી રૂપે તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને ગૃહ વિભાગ દ્વારા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી છે. જો કુલપતિ સહિત કસૂરવારો સામે ફોજદારી ગુનો નોંધવામાં નહીં આવે તો યુનિવર્સિટીમાં આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી આંદોલન કરીશ.

કુલપતિ કારોબારીમાં બેસી શકશે નહીં, સભ્યો નિર્ણય લેશે
ઇસી સભ્યો સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું હતું કે કારોબારી મળશે તો પણ કુલપતિ જ દોષિત હોય તેઓ કારોબારીમાં બેસી શકશે નહિ.સભ્યો જ નિર્ણય લેશે.આ બાબતે કુલપતિ સમય અનુસાર કારોબારી બેઠક ના બોલાવે તો શિક્ષણ વિભાગ અને સરકાર આદેશના અનાદર બદલ કારોબારી બોલાવવા માટે આદેશ પણ કરી શકે છે.

કુલપતિ સામે કાર્યવાહી કરવા કુલપતિ કારોબારી બોલાવશે ખરા ?
કારોબારી કમિટીના અધ્યક્ષ કુલપતિ હોય તેમના દ્વારા કારોબારી બોલાવવામાં આવે તો જ કારોબારી સભ્ય સરકારના હુકમ મુજબ કાર્યવાહી કરી શકે છે ત્યારે કુલપતિ પોતે જ દોષિત હોય તેમના સામે કાર્યવાહી કરવા માટે કારોબારી બેઠક ક્યારે બોલાવશે કે બોલાવશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન હોય ચર્ચાનો વિષય બન્યો છે.