પાટણ જિલ્લાના દેલમાલ ગામમાં 16 વર્ષ પહેલા શિલ્પ સ્થાપત્ય સાંસ્કૃતિક કેન્દ્ર મ્યુઝિયમ બાંધવામાં આવ્યું હતું. અહીં આ જગ્યામાં જે શિલ્પ સ્થાપત્ય છે તે ખરેખર બેનમૂન અને અનમોલ છે. જો કે આ મ્યુઝિયમમાં રાખેલી મૂર્તિઓ અને શિલ્પ જાળવણીના અભાવે ખંડેર હાલતમાં પડ્યા છે. મ્યુઝિયમમાં ઠેર-ઠેર ઝાડી-ઝાંખરા પણ ઉગી નીકળ્યા છે, જેને પગલે તેની સાર-સંભાળ લેવાની તાતી જરૂર ઉભી થઇ છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું દેલમાલ ગામ શિલ્પ સ્થાપત્યથી ભરપૂર એક ઐતિહાસિક ગામ છે. સોલંકી યુગના અદભૂત શિલ્પ સ્થાપત્યની ઝલક આ મ્યુઝિયમમાં જોવા મળે છે.
18 મે એટલે 'વિશ્વ સંગ્રહાલય દિવસ'
18 મેને વિશ્વ સંગ્રહાલય દિવસ એટલે કે મ્યુઝિયમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની શરૂઆત 1977થી કરવામાં આવી હતી. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમે (ICOM) તેની ઊજવણીની શરૂઆત કરી હતી. આજે એક દિવસ માટે અનેક સેમીનાર, કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ દિવસના અંતે બધું ભૂલી જવાશે. ભારતમાં અનેક મ્યુઝિયમ હાલ મોજૂદ છે જ્યાં સદીઓ જૂની સભ્યતા, સંસ્કૃતિ, ઈતિહાસ સચવાયેલા છે, જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં અનેક ઐતિહાસિક ધરોહર મોજૂદ છે. એમાં પણ ઐતિહાસિક નગરી પાટણમાં આજે પણ અનેક ગામોમાં સાંસ્કૃતિક વારસો અકબંધ સાથે નજરે પડે છે.
તંત્રની બેદરકારીના કારણે મ્યુઝિયમ ખંડેર બન્યું
11મી સદીના એટલે કે સોલંકી યુગના શિલ્પ સ્થાપત્યના સુંદર કોતરણી વાળા પથ્થરો આજે પણ આ મ્યુઝિયમમાં સચવાયેલા છે. પરંતુ દુખની વાત એ છે કે આ બેનમૂન શિલ્પો ખંડેર હાલતમાં છે. મ્યુઝિયમમાં ઠેર ઠેર ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે અને મ્યુઝિયમ તૂટેલી અવસ્થામાં પડ્યું છે. આ અવશેષોમાં ભગવાન શિવ તેમજ તેમના પરિવાર સાથેની મૂર્તિઓ છે, તો ગાન્ધર્વ અને કિન્નરોની કમનીય મૂર્તિઓ પણ છે. મ્યુઝિયમમાં ડાબી સુંઢવાળા ગણેશની મૂર્તિઓ પણ સંખ્યાબંધ છે. આ તમામ શિલ્પ સ્થાપત્યોની સાર સંભાળ થાય તે માટે આજથી 16 વર્ષ પહેલા બોરતવાડાના ચૌધરી પરિવાર દ્વારા આ અવશેષો રક્ષિત કરીને મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું. પણ તંત્રની બેદરકારીને કારણે આજે આ મ્યુઝિયમ ખંડેર હાલતમાં પડ્યું છે.
મ્યુઝિયમનો વિકાસ થાય તે જરૂરી બન્યું
રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની વાતો અને લાખોની ગ્રાન્ટની ફાળવણી થાય છે, પણ શિલ્પ સ્થાપત્યની જાળવણી પાછળ કોઈ ધ્યાન અપાતું નથી. પ્રવાસન સર્કિટમાં દેલમાલ છે, પરંતુ આ મ્યુઝિયમનો તેમાં સમાવેશ કરી તેનો વિકાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.