ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ:કંબોઈના વિકાસને પાટા પર લાવવા વર્ષોથી રેલવે લાઈનની ઝંખના

ચાણસ્મા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાંથી પ્રથમવાર કોઈ ઉમેદવાર લડી રહ્યા હોય ગામમાં ખુશીના માહોલ સાથે ગ્રામજનોમાં મોંઘવારી અને વર્ષોથી ગામનો મુખ્ય રેલવેની માંગણીના મુદ્દે નારાજગી

નીતિન ઠાકર

પાટણ વિધાનસભા ઉપર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર ડૉ.રાજુલબેન દેસાઈના વતન ચાણસ્માના કંબોઈ ગામનો દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં ગામમાંથી વિધાનસભાની ચૂંટણી પ્રથમવાર કોઈ ઉમેદવાર લડી રહ્યા હોય ગામમાં ખુશીના માહોલ સાથે ગ્રામજનોમાં મોંઘવારી અને વર્ષોથી ગામનો મુખ્ય રેલવેની માંગણીના મુદ્દે નારાજગી પણ જોવા મળી હતી.

ચાણસ્માના કંબોઈ ગામમાં 5000ની વસ્તી છે. જેમાંથી 3500 લોકોનું મતદાન છે. ટીમ ગામમાં ફરી વિવિધ લોકોને મળી માહિતી મેળવતાં ભૂતકાળની ચૂંટણીઓ કરતા આ વખતે લોકોમાં ચૂંટણીને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેનું કારણ હતું કે ગામનો વતની પ્રથમવાર કોઈ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો હોય ગ્રામજનોના ચેહેરાઓ પર અલગ ખુશી છલકાઈ રહી હતી.

મતદાન માટે ચૂંટણીના મુદ્દાઓ અંગે મંતવ્ય લેતા જાણવા મળ્યું હતું કે મુખ્યત્વે ગામના પ્રવેશ દ્વારનો રોડ બિસમાર હોય નવીન રોડની જરૂરિયાત છે. ઇન્દિરાનગર, ઠાકોર વાસમાં ભૂગર્ભ ગટર તો સીસી રોડની સમસ્યાથી લોકો ત્રસ્ત હોય નારાજગી વ્યક્ત કરી હતી.

કંબોઈના યુવા મતદારે જણાવ્યું કે ગામમાં યુવાનો શિક્ષિત છે. ઝીલીયા નજીક જેમ કંપની આવી અને કેટલાય બેરોજગારોને રોજગારી મળી. આમ કંબોઈથી નારણપુરા સુધી કેટલીય પડતર જમીન પડી છે. જો તેમાં જીઆઇડીસી કે કોઈ મોટી કંપનીને સરકાર લાવે તો અમારા ગામ સહિત 20થી 25 ગામોને રોજગારની તક મળી શકશે.

ગામના મહિલા મતદાર ઝબુબેન દેસાઈએ જણાવ્યું કે મોંઘવારી વધી છે ઓછી આવક ધરાવતા પરિવારોને થોડીક તકલીફ પણ પડે છે. સામે સરકાર કેટલીક યોજનાઓ દ્વારા લોકોને સુવિધા અને સહાય મળે માટે વ્યવસ્થા પણ કરી છે.

ગામનો વિકાસ કરવો હોય તો ફરીથી ગામમાંથી પસાર થતી રેલવે લાઈન શરૂ કરવી જરૂરી : ગ્રામજનો
મતદારોએ જણાવ્યું હતું વર્ષો પહેલા કંબોઈ ગામે રેલવે લાઈન જતી હોવાથી આજુબાજુના તંબોળિયા કંબોઈ સહિતના 10થી 12 ગામોને અમદાવાદ, મહેસાણા, બહુચરાજી કે કચ્છમાં જવા માટે વાહન વ્યવહારમાં મહત્વનું સાધન તરીકે ઉપયોગ કરતા હતા.

પરંતુ સમય અંતરે ચાણસ્મા, હારિજ પંથકના રાજકીય અગ્રણીઓની બેદરકારીના કારણે રેલવે લાઈન બંધ થઈ જતા આજે ખાલી ગામમાં ટ્રેક છે. જે લોકોના અવરજવર માટેનો પગદંડી માર્ગ બની ગયો છે. જો આ રેલવે લાઇન પુનઃ શરૂ કરવા માટે સરકાર પ્રોજેક્ટ હાથ ધરે તો આ વિસ્તારનો વિકાસ થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...