રોગચાળાનો ભય:ચાણસ્માના રૂપેશ્વર વિસ્તારમાં ગટરનાં પાણી રોડ પર ઉભરાતાં રોગચાળાનો ભય

ચાણસ્માએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનીકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં પરિણામ નહીં મળતાં રોષ
  • પ્લાસ્ટિકનો કચરો ફસાવવાથી ગટર લાઈન લીકેજ થાય છે : ચીફ ઓફિસર

ચાણસ્માં ખાતે આવેલા રૂપેશ્વર રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું હોવાથી રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે. આસપાસની આઠથી દસ સોસાયટીના રહીશો મુશ્કેલી વેઠી રહ્યા છે. પાલિકામાં સ્થાનીકોએ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ ગટરનું પાણી બંધ કરાવવા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. નવા ખોડીયાર માતાજીના મંદિરથી રૂપેશ્વર રોડ પર દેવીપુજક છાપરા, શિવ સોસાયટી આસોપાલવ સોસાયટી સહિતની આઠથી દસ સોસાયટીઓ આવેલી છે.

અને આ ગટરનું પાણી રોડ પર ઉભરાતાં મચ્છરો અને ગંદકી થાય છે.નગરપાલિકાના મુખ્ય અધિકારી સેજલબેન મુંધવાએ જણાવ્યું કે ભૂગર્ભ ગટર યોજનાનું પાણી લીકેજ ત્રણથી ચાર વખત બંધ કરવામાં આવ્યું છે પરંતુ આગળ ક્યાંક પ્લાસ્ટિકનો કચરો ફસાવવાથી આ લાઈન લીકેજ થતી હોય છે. ટૂંક સમયમાં આખી ભૂગર્ભ ગટરની સંપૂર્ણ સફાઈ અને રીપેરીંગ કરીને પ્રશ્નનું કાયમી ધોરણે હલ કરવામાં આવશે. સમસ્યાનુ કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે.

રજુઆત કરી છે પણ કોઇ પરિણામ નથી: રહીશો
આસોપાલવ સોસાયટીમાં રહેતા પી.કે .વ્યાસ, અને શિવ સોસાયટીમાં રહેતા હર્ષદભાઇ પટેલે જણાવ્યું હતું કે ગટરનું ઉભરાતાં નગરપાલિકામાં ચાર-પાંચ વખત લેખિત-મૌખિક રજૂઆતો કરી છે.નગરપાલિકા દ્વારા માત્ર સ્થળનું નિરીક્ષણ કરાયુ છે.કોઈ વ્યવસ્થા પાણી નિકાલ માટે કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...