મહિલા વિશેષ:પાટણની 2 મહિલાએ 300થી વધુ મહિલાઓના જીવનની ગાડી પાટે લાવી

ચાણસ્મા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉષાબેન બૂચ, જ્યોત્સના નાથ - Divya Bhaskar
ઉષાબેન બૂચ, જ્યોત્સના નાથ
  • કોઈ મેરી કહાની ભી જાને, ઉષાબેન ચંદુલાલ બુચ 72 વર્ષની વયે પણ નિવૃત્ત થયાં નથી

પાટણ શહેર અને જિલ્લામાં એવી પણ મહિલાઓ છે જેમણે મહિલા બાળકો અને સમાજ માટે અસાધારણ કામગીરી કરી છે અને હાલમાં પણ કરી રહ્યા છે જેમાં એક છે ઉષાબેન બૂચ અને બીજા જ્યોસનાબેન નાથ. આ બંને અલગ રીતે અને સાથે મળીને 300 થી વધુ મહિલાઓની બગડતી જિંદગી ને નવો આયામ આપ્યો છે.

ઉષાબેન ચંદુલાલ બુચ 72 વર્ષની વયે પણ નિવૃત્ત થયા નથી.જૂની એસ એસ સી, મલ્ટીપર્પઝ વર્કર, હેલ્થ વર્કર, તાલીમ કાર્યક્રમ અધિકારી અમેરિકન રેડ ક્રોસ , નર્સિંગ ટ્યુટર, આરોગ્ય ફેસીલીટેટર તરીકે કામ કર્યું છે.ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ,રેડક્રોસ સોસાયટી,જ્હોન એમ્બ્યુલન્સ, સિનિયર સિટીઝન , ભગીની સમાજ પાટણ , મહિલા મંડળ, ઓલ ઈન્ડિયા વિમેન કાઉન્સિલના આજીવન સભ્ય છે.શ્રમજીવી કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી, મેમ્બર છે. ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ના સભ્ય, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેક્સુઅલ હેરેસમેન્ટ કમિટી સભ્ય પદે છે.

જ્યારે પાટણના મહિલા એડવોકેટ અને સામાજિક મહિલા કાર્યકર જ્યોત્સનાબેન નાથ એમ.એ, કાયદા સ્નાતક થયા બાદ પાટણ કોર્ટ થી વકીલાત શરૂ કરી હતી. પાટણ બાર એસો. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના વકીલ, જિલ્લા અદાલત મિડીએશન સેન્ટરમાં મિડયેટર, ગુજરાત રાજ્ય મહિલા આયોગમાં કાયદા અધિકારી, જિલ્લા ટ્રાફીક સમિતિ સલાહકાર સભ્ય, લીગલ એડવાઇઝર મહિલા મંડળ, કુટુંબ સલાહ કેન્દ્ર ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ, જિલ્લામાં ચાલતા મફત કાનૂની એવા સેવા મંડળમાં જિલ્લા અદાલતમાં લીગલ એઇડનાં પેનલ એડવોકેટની સેવાઓ આપી ચૂક્યા છે.

આજ લૈંગિક સમાનતા જરૂરી : ઉષાબેન બૂચ
મારા માતા-પિતાને દીકરો જોઈતો હતો પણ જન્મી હું. સગાઓ પાસે રહીને ભણી. ડોક્ટર થવું હતું પણ મા-બાપની શક્તિ ન હતી એટલે નર્સ બની. નર્સ તરીકે કેટલાક અસાધારણ કિસ્સામાં પણ ડિલિવરી કરાવી. સગાવહાલા મૂકીને જતા રહે ,સાસુએ બળાત્કાર કરાવેલ હોય તેવી મહિલાને પતિ અને સાસુ મૂકીને જતા રહે તેવા કેસમાં ડિલિવરી કરાવી. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પેરાલીગલ વોલન્ટીયર તરીકે અસંખ્ય બહેનોના જીવનમાં રોશની લાવી. પિતાએ જ દુષ્કર્મ કર્યું હોય તેવી દીકરીઓને પણ મદદરૂપ બની.

મેં મારા નર્સના વ્યવસાય ના કારણે સંઘર્ષ પછી ચાર સંતાનના પિતા સાથે લગ્ન કર્યા. મારા લગ્ન લવ મેરેજ પણ ન હતા અને એરેન્જ મેરેજ પણ ન હતા. એ ચારેય બાળકોનો ઉછેર કર્યો.હવે અનાથ બાળકોને મદદરૂપ થવા પ્રયત્ન કરું છું. એક અનાથ બાળકના નામે એક લાખ રૂપિયા મૂક્યા છે. તેના લગ્ન થશે ત્યારે તેને આપીશ. અમારા ચિલ્ડ્રન હોમમા રહ્યા હોય તેવા બાળકો માટે પણ કંઈક કરવાની ઈચ્છા ખરી.

ફેંસલા હોને સે પહલે મેં કયું હાર માનું : જ્યોત્સના નાથ
વકીલાતનો અભ્યાસ કર્યા પછી મારા સિનિયર સંધ્યાબેન પ્રધાન પાસે કારકિર્દી શરૂ કરી. અંબાબેન પટેલ અને યોગીનીબેન વ્યાસ (માસી)ની પ્રેરણાથી મહિલા મંડળમાં જોડાઈ. મારા માસી નીરૂબેન રાવલ ગાંધીનગર કલોલ પાસે મંથન સંકુલ ચલાવે છે ત્યાંથી ગળથૂથીમાંથી સેવાના ગુણ મને મળ્યા હતા. અલગ-અલગ સંસ્થાઓમાં અલગ-અલગ પદ ઉપર રહી. હાલમાં સખી વન સ્ટોપ સેન્ટર માં લીગલ એડવાઈઝર છું.

સખી વન ઉપરાંત જિલ્લા કોર્ટના મીડીએશન સેન્ટર તેમજ ઓનલાઇન એડવાઇઝ બધા મળી 300 જેટલી બહેનોને મદદ કરી છે. તાજેતરમાં આઠ માસના છૂટાછેડા પછી મીડીયેશન દ્વારા પતિ પત્ની ને ભેગા કર્યા જેની નોંધ હાઇકોર્ટ દ્વારા લેવામાં આવી અને મને સર્ટી પણ આપ્યું. આવી રીતે ૩૦ જેટલા કેસમાં દામ્પત્યની ગાડી પાટા પર ચડાવી. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ત્રણ વર્ષમાં 400થી વધુ કેસમાં મહિલાઓને મદદરૂપ બની.

અન્ય સમાચારો પણ છે...