ધરપકડ:શહેરાના આંકેડીયામાં 22 ગૌવંશના માથા મળ્યાં, આઠ ઈસમની ધરપકડ

શહેરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાનમાં અને ઝાડીઓથી ઘેરાયેલી જગ્યાએથી ગૌવંશના અંગો મળ્યાં
  • શહેરાના ઇતિહાસમાં પહેલીવાર 800 કિલોથી વધુનો માંસનો જથ્થો પકડાયો

પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ આંકેડીયાના પરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દુધાળા ઢોરો અને ગૌવંશના ગેરકાયદેસર માંસનો વેપલો કસાઈઓ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. સોમવારે શહેરા પી.આઈ રાહુલ રાજપૂતને તેઓના અંતરંગ વર્તુળ થકી બાતમી મળી હતી કે આંકેડીયા તળાવની પાળ ઉતરતા જ આવેલા કેટલાક રહેણાંક મકાનોમાં અને થોડી દૂર આવેલી એક વેરાન જગ્યાએ ગૌવંશની હત્યા કરી તેના માંસનો ગેરકાયદેસર વેપલો કરાઇ રહ્યો છે અને તેની ખરીદદારી માટે કેટલાક ઈસમો પણ ત્યાં હાજર હોવાનું જાણવા મળ્યું હતું.

આથી પોલીસ, જી.આર.ડી અને હોમગાર્ડના જવાનોને સાથે રાખી સમગ્ર વિસ્તારને ઘેરી લઈ રેઈડ કરતાં અફરાતફરીનો માહોલ અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે સ્થળ પરથી 8 ઈસમોની ધરપકડ કરી હતી અને ત્યારબાદ રહેણાક મકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેટલાક રહેણાંક મકાનોમાં ધડ વગરના ગૌવંશના હત્યા કરાયેલા માથાના ભાગ મળી આવ્યા હતા તો પ્લાસ્ટિકના મીણીયા થેલામાં માંસનો જથ્થો મળી આવ્યો હતો. તો થોડે દૂર વેરાન જગ્યાએ 12 જેટલા માથાના ભાગ વેર વિખેર પડેલા મળી આવ્યા હતા.

પોલીસે હાલના તબક્કે 800 કિલો ઉપરાંતનો માંસનો જથ્થો કબજે લઈ તેના પૃથક્કરણ માટે સ્થળ પર પશુ ચિકિત્સકને બોલાવ્યા હતા. અને તેઓ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા તમામ જથ્થાનો જમીનમાં દાટી દઈ નાશ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખીય છે શહેરાના ઈતિહાસમાં કદાચ પહેલી વખત આ રીતે ગેરકાયદેસર માંસનો આટલો મોટો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હશે ! પોલીસે હાલના તબક્કે 8 ની ધરપકડ કરી છે તો નાસી ગયેલા બીજા ઈસમોને પકડવા માટેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

23 ગૌવંશને જીવિત બચાવી લેવાયાં
સોમવારની રેઈડ દરમિયાન સ્થળ પરથી પોલીસે 23 જેટલા નાના મોટા ગાય વાછરડા પાડા ને જીવિત બચાવી લઈ ગોધરા સ્થિત પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જ્યારે શનિવારના રોજ પણ પી.આઈ રાહુલ રાજપુત તેમજ પોલીસ ટુકડી દ્વારા 52 જેટલા નાના મોટા ગાય વાછરડાને આંકેડીયા અને ઢાકલીયા પરા વિસ્તારમાંથી બિનવારસી જગ્યા પરથી પકડી લઈ તમામ અબોલ જીવોને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...