શહેરાના પાદરડી ગામના છત્રસિંહ પગીની 20 વર્ષીય પુત્રી શિલ્પાના લગ્ન દલવાડા ગામે રહેતા વિક્રમસિંહ પટેલિયાના પુત્ર સંજય સાથે 20 એપ્રિલ 2022ના રોજ સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નના 20 દિવસ બાદ સંજયે શિલ્પાને ત્રાસ આપવાનું ચાલુ કરતા તેના અન્ય સાથેના આડા સબંધ હોવાનું અને તે ગમતી ન હોવાનું જણાવતા પિયર પાદરડી આવતી રહી હતી. જેની જાણ શિલ્પાના સસરાને કરતા બંને સમાજના લોકોએ ભેગા થઈ લેખિતમાં સંજય આવુ નહિ કરે તેવી ખાતરી આપ્યા બાદ મૃતક શિલ્પાને સાસરે મોકલી હતી.
ત્યાર બાદ પણ પતિ સંજય દ્વારા મારઝૂડ અને તેના સાસુ, સસરા કરિયાવરને લઇને માનસિક ત્રાસ આપતા શિલ્પા અસહ્ય માનસિક ત્રાસ મારઝૂડથી તંગ આવી જતા તા.31 જુલાઈના રોજ ઘરની બાજુમાં ઢાળીયામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કર્યો હતો.
લગ્નજીવનના માત્ર 3 માસમાં જ પરિણીતાએ આપઘાત કરી લેતા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો. અને 2જી ઓગસ્ટના રોજ મૃતક શિલ્પાના પિતાએ શહેરા પોલીસ મથકે પુત્રીના પતિ, સાસુ,સસરા અને વડસાસુ વિરુદ્ધ મરવા માટેની દૂષપ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે શિલ્પાના પતિ સંજય વિક્રમસિંહ પટેલિયા, સાસુ કૈલાશબેન વિક્રમસિંહ પટેલિયા, સસરા વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પટેલિયા અને વડસાસુ મસૂરબેન લક્ષ્મણસિંહ પટેલિયા વિરુદ્ધ માનસિક, શારીરિક ત્રાસ ગુજારી મરવા માટે મજબૂર કરતા દૂષપ્રેરણાનો ગુન્હો નોંધી તમામની ધરપકડ કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.