વિવાદ:ગ્રેનાઇટનું ખનન બંધ કરાવવા ભીમસેનાના ઉપપ્રમુખે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેણાની ગ્રેનાઇટની લીઝમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની રજૂઆત

શહેરા તાલુકાના વાડી, વલ્લભપુર, રેણા ચિત્રિપુર જેવા ગામો ગ્રેનાઈટ પથ્થર માટેનું હબ ગણે છે. જે પથ્થર ઘર બનાવતી વખતે બહુ ઉપયોગી થતો હોય છે. ત્યારે રેણા ગામના ભૂતપૂર્વ સરપંચ નટુભાઈ ધનાભાઈ વણકર કે જેઓ યુવા ભીમસેનામાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે. તેઓના ગામમાં સપના માર્બલ કંપની દ્વારા સફેદ ગ્રેનાઇટ પથ્થરનું ખનન કરવામાં આવે છે. જેમાં સરપંચ દ્વારા ગ્રેનાઈટ પથ્થરનું ખનન ગેરકાયદે હોવાનું માલુમ પડતા તેઓ દ્વારા જે તે સમયે શહેરા મામલતદાર પ્રાંત અધિકારી અને ખાણ ખનિજ વિભાગને આ બાબતનું ધ્યાન દોર્યું હતું. પરંતુ તેઓની રજૂઆતને ધ્યાને લેવામાં આવી ન હતી.

પોતે રેણાના પહેલા સરપંચ હોવાથી ગામની પંચાયતની જમીનમાંથી ગેરકાયદે ખનન થતું હોવાથી તેઓ એ સબંધિત તંત્રને આ બાબતથી અવગત કરવામાં આવ્યા હતા. પરંતુ કયા કારણોસર કોઈ પરિણામ ન મળતા નટુભાઈએ 2 દિવસ પહેલા ગોધરા ખાણ ખનિજ વિભાગને એક લેખિતમાં અરજી આપી હતી. જેમાં તેઓએ રેણા ગામમાં ચાલતી સપના માર્બલની લીઝ ગેરકાયદે હોવાની અને ગ્રેનાઈટ પથ્થરનું ખનન ગેરકાયદેસર થઈ રહ્યું હોવાનો અને જો તે બંધ કરવામાં નહી આવે તો આગામી 26 મે ના રોજ આત્મવિલોપન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જેના પગલે ખાણ ખનિજ વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો હતો. અને ગુરુવારના રોજ રોયલ્ટી ઈન્સ્પેકટર હિતેશ રામણાની અને તેઓની ટીમ દ્વારા ત્યાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર ખનન થયું છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ હતી. ખાણખનીજ વિભાગ માપણી બાદ હાલ તો ખનનની પ્રક્રિયા રોકી દેવામાં આવી છે.

ટીમ દ્વારા માપણી કરવામાં આવી છે
રેણાની ગ્રેનાઈટ પથ્થરની લિઝમાંથી ગેરકાયદે ખનન થતું હોવાની રજુઆત ભૂતપૂર્વ સરપંચ નટુભાઈ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે અમારી ટીમ દ્વારા માપણી કરવામાં આવી છે અને આ બાબતનો નિકાલ ન આવે ત્યાં સુધી ખનન પ્રક્રિયા બંધ રાખવાનો આદેશ આપવામા આવ્યો છે. - હિતેશ રામણાની, રોયલ્ટી ઈન્સ્પેક્ટર, ખાણ ખનિજ વિભાગ પંચમહાલ

​​​​​​​લીઝ બંધ રાખવાનો હુકમ કરાયો
રેણાના ભૂતપૂર્વ સરપંચ અને પંચમહાલ જિલ્લા યુવા ભીમસેનાના ઉપપ્રમુખ દ્વારા તેઓના ગામમાં ચાલતી ગ્રેનાઇટ પથ્થરની લીઝમાં ગેરકાયદેસર ખનન થતું હોવાનો અાક્ષેપ કરીને ગેરકાયદેસર ખનન બંધ કરવામાં નહી આવે તો આગામી 26 મે ના રોજ આત્મવિલોપન કરવાની લેખિત અરજી જિલ્લા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવી હતી. અરજીના પગલે ખાણ ખનીજ વિભાગ દોડતું થયું અને માપણી કરવામાં આવી અને સંપૂર્ણ માપણી ન પુર્ણ થયા ત્યાં સુધી લીઝ બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...