થોડા દિવસ અગાઉ ભાજપ પ્રવક્તા અને દિલ્હીના રહેવાસી નૂપુર શર્માએ એક ટેલિવિઝન ડિબેટમાં મુસ્લિમ ધર્મગુરુ માટે ખોટી ટિપ્પણી કરી હતી. જેના પડઘા ભારત ઉપરાંત અન્ય મુસ્લિમ દેશોમાં તેમજ જ્યા મુસ્લિમ વસ્તી વધારે છે એવા દેશોમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો. અને તેના સંદર્ભમાં શુક્રવારે કેટલીક જગ્યાએ નૂપુર શર્માના વિરોધમાં આવેદનો આપ્યા હતા. ત્યારે શહેરાની શુક્લની ખડકીમાં રહેતા 24 વર્ષીય હેમંત વિનોદચંદ્ર પાઠકે શુક્રવારે મોબાઈલ વોટસઅપના સ્ટેટ્સમાં નૂપુર શર્માના સમર્થનમાં પોષ્ટ મુકી હતી. શનિવારે સવારે 10 વાગ્યે હેમંત ઘરે હતો તે દરમિયાન ફેઝલ અને ઈકબાલ તેમજ અન્ય 6 ઈસમો બાઇક પર આવ્યા હતા.
ફેઝલે હેમંતને ઘરમાંથી બોલાવી પોતાના મોબાઈલમાં રહેલો સ્ક્રીન શોટ બતાવ્યો હતો. પૂછ્યું કે તું નૂપુર શર્માને કેમ સમર્થન કરે છે. આથી હેમંતે જણાવ્યું કે આ મારી પર્સનલ મેટર છે. આને મેં સોસીયલ મીડિયામાં કોઈને મોકલી પણ નથી માત્ર મારા મોબાઈલમાં સ્ટેટસ મૂક્યું છે અને તે હું ડીલીટ કરી દઉં છું અને ડીલીટ પણ કરી દીધી હતી. દરમિયાન એક પીળા ઝભ્ભાવાળા શખ્સે હેમંતને મોઢાના ભાગે તમાચા મારવાનું શરૂ કરી દીધું હતું. અન્ય 7 શખ્સોએ માર માર્યો હતો. જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આની જાણ શહેરા પી.આઈ રાહુલ રાજપૂતને થતા પોલીસ કુમુક મોકલી પરિસ્થિતિ થાળે પાડી હતી. રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ ચાલુ કરી દીધું હતું. પોલીસ વડાને આની જાણ કરતા નાયબ જિલ્લા પોલીસવડા ચેતન.સી. ખટાણા પણ આવી પહોંચ્યા હતા. કાંકણપુર પોલીસ, ગોધરા તાલુકા પોલીસ અને બીજી અન્ય પોલીસ પણ આવી પહોંચી હતી. પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
હેમંતે ફેઝલભાઈ જેમના માતા પિતાનું નામ ખબર નથી અને ઈકબાલભાઈ તેઓના પણ માતા પિતાનું નામ ખબર નથી ઉપરાંત 6 યુવાનો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ફેઝલ તેમજ 4 બાળકિશોરોને હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી છે.
હેમંતના ઘર પાસે બંદોબસ્ત ખડકાયો
શહેરામાં હુમલાનો ભોગ બનનાર હેમંતના ઘરની આસપાસ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરા પી.આઈ રાહુલ રાજપુત દ્વારા ફુટ પેટ્રોલિંગ કરી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પોલીસ પેટ્રોલિંગ રાઉન્ડ ધ ક્લોક કરી દેવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.