શહેરા તાલુકાના નવીવાડી ગામે છેલ્લા ત્રણેક દિવસથી ગામના હાઈસ્કૂલ ફળિયા વિસ્તારમાં કામઅર્થે અાવેલા વલ્લવપુર, નવીવાડી તેમજ ઉજડા ગામના લોકો પર બે થી ત્રણ શ્વાનોઅે અચાનક હુમલો કરી હાથ, પગના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો પર બચકાં ભરી લેતા મહિલા, પુરુષ અને નાના બાળકો મળી 20 ઉપરાંત લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
બનાવની જાણ આરોગ્ય વિભાગને થતાં આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને કોઈ આડઅસર ન થાય તે માટે તાત્કાલિક અસરથી જરૂરી સારવાર આપવામાં આવી હતી. તો બીજી તરફ નવીવાડી ગામના હાઈસ્કૂલ ફળિયા વિસ્તારમાં શ્વાનના આતંકથી ૨૦ લોકો ઈજાગ્રસ્ત થતાં ભયનો માહોલ ફેલાયો હતો. ગ્રામજનોને ધરેથી બહાર નીકળતા ડર સતાવી રહ્યો છે.
તલાટીને સૂચના આપી છે
નવીવાડી ગામે શ્વાન લોકોને કરડ્યા હોવાની માહીતી મળતા તલાટી તેમજ સરપંચને જાણ કરતા જાણવા મળ્યું કે આ બાબતે પંચાયત ખાતે ફરિયાદ આવી નથી છતાં મે તલાટીને સૂચના આપી છે કે જેના પણ શ્વાન જેવા પાલતુ પ્રાણી હોય તેને ઘરે જ બાંધી રાખવા આવે. - રણજીતસિંહ માટીએડા, ટીડીઓ
અારોગ્યની ટીમ ગામે મોકલી હતી
શ્વાનના કરડવાની ઘટના બનતા આરોગ્ય ની ટીમને નવીવાડી મોકલી હતી, જ્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઈજાગ્રસ્ત લોકોને જરૂરી સારવાર અપાઈ હતી, છેલ્લા બે-ત્રણ દિવસથી શ્વાન લોકોને કરડ્યા હોવાનું જાણવા મળ્યું છે. - ડૉ.ભરત ગઢવી, તા. આરોગ્ય અધિકારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.