ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગેમ ઓફ ગુજરાતમાં ધીમે ધીમે રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણીના મહાસંગ્રામમાં આજે અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારો દ્વારા સભા સરઘસો જોવા મળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગોધરા વિધાનસભા બેઠક ઉપર સૌથી મોટી વોટબેંક ધરાવતી માઈનોરીટીએ આ વખત કોંગ્રેસ પાર્ટીમાં ટિકિટની માંગણી કરી હતી, પરંતુ ટિકિટ ન મળતા આજે મુસ્લિમ સમાજ દ્વારા અપક્ષ ઉમેદવાર તરીકે અનસ અંધીએ ઉમેદવારી ફોર્મ ભરતા રાજકીય માહોલ ગરમાયો હતો.
માઈનોરીટી સમાજના ઉમેદવારે ફોર્મ ભરતા રાજકારણમાં હડકમ
ગઈકાલે કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારે ખેંચતાણ બાદ 37 ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ગોધરા વિધાનસભા બેઠક ઉપર મહિલા ઉમેદવાર તરીકે રશ્મિકાબેન ચૌહાણનું ઉમેદવાર તરીકે નામ જાહેર કરાયું હતું. જેના લીધે ગઈકાલે વિશ્વકર્મા ચોક પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય ઉપર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરી કાચ તોડી નાખવામાં આવ્યા હતાં. ત્યારે આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખે ગોધરામાં સૌથી મોટી વોટબેંક ધરાવતી લઘુમતી સમાજના લોકોએ એલાન-એ-જંગ માફક, ગોધરા વિધાનસભા બેઠક પર ગમે તે હિસાબે માઈનોરીટીનો ઉમેદવાર જીતે એ માટે ગોધરા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી તરીકે ઉમેદવાર અનસ અંધીએ ફોર્મ ભરતા રાજકારણમાં હડકમ મચી જવા પામ્યો છે.
અપક્ષ ઉમેદવાર અનસ અંધીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત
ગોધરા વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભરનાર અપક્ષ ઉમેદવાર અનસ અંધીએ દિવ્ય ભાસ્કરની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, યુવાનો વડીલો અને સમાજની લાગણી જોતા આજે મેં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. આગામી દિવસોમાં સમાજના દરેક આગેવાનો અને યુવાઓ ભેગા મળીને ગોધરા વિધાનસભા બેઠક કઈ રીતે જીતી શકાય તે માટે રણનીતિ તૈયાર કરશે.
કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવણી બાબતે વિશ્વાસઘાત કરાયો છે
વધુમાં મુસ્લિમ સમાજના યુવા અગ્રણી ઈસ્માઈલ જભાએ દિવ્ય ભાસ્કરની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગોધરા સહિત ગુજરાતના વિવિધ મુસ્લિમ બાહુલ્ય વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવણીની બાબતે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અને એને લઈને આજે ગોધરાના યુવાનો દ્વારા એક પ્રબળ અપક્ષ ઉમેદવારી કરવામાં આવી રહી છે. આ ઉમેદવારનો હેતુ માત્રને માત્ર કોંગ્રેસને તેમની શાન ઠેકાણે પાડવા માટે છે. કોંગ્રેસનો વર્તમાન શ્વાસ છેએ મુસ્લિમ સમાજના મતોથી ચાલે છે અને આજે કોંગ્રેસ પાર્ટીની ડૂબતી નૈયાને સહારો આપતો હોયતો તે માઈનોરીટી સમાજ છે.
મુસ્લિમ સમાજ દ્વારા ગોધરામાં અપક્ષ ઉમેદવારી ભરવામાં આવી
આજે માઈનોરીટીને ગુજરાતમાં બહાર બાકાત કરી માત્ર છ સીટો ફાળવી છે. જ્યારે ગોધરાની વાત કરવામાં આવે તો, મુસ્લિમ વોટબેંક હોવા છતાં ઉમેદવાર જીતી શકે તેવા સમીકરણનું સર્જન થયું હોવા છતાં પણ મુસ્લિમને બાકાત રાખી ઓબીસી સમાજનું સામ્રાજ્ય વિસ્તારવા માટે પ્રયાસો થયા છે. ગઈકાલે ટિકિટ ફાળવણીના અંતિમ દિવસે જે પ્રમાણે લેતી દેતીના ખેલ થયા અને એ ખેલ હેઠળ માઈનોરીટી સમાજ સાથે અન્યાય થયો છે. એ અન્યાયના પ્રત્યાઘાત રૂપે આજે મુસ્લિમ સમાજ દ્વારા ગોધરામાં અપક્ષ ઉમેદવારી ભરવામાં આવી છે અને આવનારા દિવસોમાં ગુજરાત ભરમાં જલદ આંદોલન કરી યુવા જનજાગૃતિ અભિયાન ચલાવી અને યુવાઓને જાગૃત કરવામાં આવશે.
મુસ્લિમ હવે કોંગ્રેસ સાથે નથી અને કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે
યુવાનોને સમજાવવામાં આવશે કે ભાજપ કરતાં પણ ખરાબ જે પાર્ટી છે તે કોંગ્રેસે છે. અમે લોકોએ મહેનત કરી તેમ છતાં પણ અમને બાકાત કરવામાં આવ્યા અને માત્રને માત્ર ઓબીસી નેતૃત્વ માટે આખી નેતાગીરી ઊભી થઈ અને માઈનોરીટીને બાકાત કરવા માટે જે પ્રયત્નો થયા એ નિંદનીય છે. અમે તેનું અમે ખંડન કરીએ છીએ. આવનાર દિવસોમાં કોંગ્રેસે આ ભોગવવાનું રહેશે. અને આના માટે જવાબદાર જે છે એ અમિત ચાવડા ,ભરતસિંહ સોલંકી , ઉષા નાયડુ કે જે મધ્ય ગુજરાતના ઝોન પ્રભારી છે. તેમની હિટલરશાહી અને સરમુખત્યારશાહીના પરિણામો આજે કોંગ્રેસને ભોગવવા પડશે. મુસ્લિમ સમાજ આજે નારાજ છે અને મુસ્લિમ હવે કોંગ્રેસ સાથે છે નહીં અને કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખી આવનારા સમયમાં તમામ બાબતોના પરિણામો કોંગ્રેસે ભોગવવા પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.