પાણી માટે સર્વે કરવામાં આવશે:શહેરા તાલુકાના 91 પૈકી 26 ગામોમાં પાણીની અછત, ટેન્કરથી પાણી અપાશે

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરાના ચાર ગામોને ટેન્કરથી પાણી અાપવાની શરૂઅાત. - Divya Bhaskar
શહેરાના ચાર ગામોને ટેન્કરથી પાણી અાપવાની શરૂઅાત.
  • 26 ગામોમાં પાણીની સમસ્યા દૂર કરવા ધારાસભ્યે પાણી પુરવઠાને લેખિત જાણ કરી
  • હેન્ડપંપના પાણીના સ્તર ઊંડા અને પાણીનો સ્રોત જ્યાં ન હોય ત્યાં ટેન્કર મોકલાશે
  • પાણી પુરવઠા કમિટીના ચેક લિસ્ટ મુજબ ટેન્કરથી પાણી આપવામાં આવશે : પાણી પુરવઠા વિભાગ

શહેરા તાલુકામાં ઉનાળામાં પીવાના પાણીની ભારે કટોકટી સર્જાઇ છે. શહેરા તાલુકાના 91 ગામોમાંથી 26 ગામોમાં પાણીની ભારે કિલ્લત સર્જાતાં ગ્રામજનોઅે પાણીની સુવિધા પુરી પાડવા શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને રજુઅાત કરી હતી. ગ્રામજનોની રજુઅાતને પગલે ધારાસભ્યઅે જિલ્લા કલેકટર અને પાણી પુરવઠા વિભાગને 26 ગામોમાં પડતી પાણીની સમસ્યા નિરાકરણ લાવવા ટેન્કરથી પાણી પુરુ પાડવાની લેખીત રજુઅાત કરી હતી. શહેરા તાલુકાના 26 ગામના હેન્ડ પંપના પાણીના સ્તર ઉડાં થઇ જતાં પાણી અાવતું બંધ થયું છે.

તેમજ પાણી પુરવઠા વિભાગની વિવીધ યોજનાઅો થકી અાવતું પાણી ન પહોચતાં હાલ ગ્રામજનોની પાણી વગર કફોડી સ્થિતિ બની છે. જેથી પાણી પુરવઠા વિભાગે શહેરા તાલુકાના ગામોમાં પાણીની તકલીફને લઇને સર્વે કરવાની કામગીરી શરૂ કરવામાં અાવી છે.

તાલુકા કક્ષાની પાણી કમિટીના સર્વે અાધારે હાલ તો શહેરા તાલુકાના 4 ગામ ગાગડીયા, વાટાંવછોડા, નાંદરવા તથા ધામણોદ ગામમાં કોઇ પણ સ્ત્રોત દ્વારા પાણી ન મળતાં અા ચાર ગામોમાં ટેન્કરથી પાણી પુરૂ પાડવામાં અાવી રહ્યું છે. તેમજ તાલુકાના અન્ય ગામોમાં તાલુકા કક્ષાની કમિટી સર્વે કરી રહી છે. જો અાવા ગામોમાં પાણી પુરવઠાની યોજનાઅો કે અન્ય કોઇ પણ જાતના સ્ત્રોતથી પાણી નહિ મળતું હોય તો તેવા બીજા ગામોને પણ ટેન્કરથી પાણી પહોચાડવાની તજવીજ હાથ ધરાશે.

શહેરા તાલુકાના આ ગામોમાં પીવાના પાણીનો છે પોકાર
શહેરા તાલુકાના પાદરડી, ગાંગડીયા, વાટાવછોડા, ધામણોદ, નાંદરવા, ગમન બારીયાના મુવાડા, માતરીયા વાસ, ખટકપુર, સદનપુરા, ધારોલા ખુર્દ, નવાગામ, વાધજીપુર, ચલાલી, ભેંસાલ, વિજાપુર, ખોજલવાસા, સાજીવાવ, ઠાકરીયા, છૈયણ તથા ધાંધલપુર ગામોમાં પાણીની સમસ્યાને લઇને સ્થાનીક તાલુકા કક્ષાની કમીટી દ્વારા ગામમાં તપાસ કરીને ચેકલીસ્ટ જિલ્લા પાણી પુરવઠા વિભાગને મોકલશે બાદમાં પાણી પુરવઠા વિભાગ પાણીની અછત વાળા ગામોમાં ટેન્કરથી પાણી પૂરું પહોચાડશે.

પાણી પુરવઠા વિભાગ પાસે અપૂરતો સ્ટાફ
ગોધરા તાલુકાના સરપંચોની બેઠકમાં પણ ગામોમાં હેન્ડપંપના પાણીના સ્તર ઉડા ઉતરવા તેમજ હેન્ડપંપ રીપેરીંગ ન થતાં પાણીની સમસ્યા સર્જાઇ હોવાની રજુઅાતો કરી હતી. સાથે પાણી પુરવઠા વિભાગ પાસે પુરતો સ્ટાફ ન હોવાથી સર્વેની કામગીરી ધીમી ગતિઅે ચાલી રહેતા ગામોમાં પીવાના પાણી સર્વે ન થતાં ગામજનોને પાણી માટે દુર સુધી ચાલતા જવાની નોબત અાવી છે.

તાત્કાલિક ટેન્કરથી પાણી મોકલવામાં અાવશે
શહેરાના ધારાસભ્યની લેખિત રજુઅાતમાં 26 જેટલા ગામોમાં પાણીની સમસ્યા દૂર કરવા ટેન્કરથી પાણી પહોચાડવાનું જણાવ્યું હતું. જેમાંથી ચાર ગામોમાં ટેન્કરથી પાણી પુરૂ પાડવામાં અાવી રહ્યું છે. તાલુકા કક્ષાની પાણી કમિટી દ્વારા ચેક લીસ્ટ મોકલવામાં અાવશે તો તાત્કાલીક તેવા ગામોને પણ ટેન્કરથી પાણી મોકલવામાં અાવશે > મીતાબેન મેવાડા, ઇજનેર, પાણી પુરવઠા વિભાગ

ફાળો ઉઘરાવી પાણીનું ટેન્કર મંગાવાય છે
હાલમાં ગામની અંદર પાણીની બહુ મોટી સમસ્યા છે. માણસો માટે કે ઢોર ઢાંખર માટે પીવા માટે પાણી નથી. ગામમાં ફક્ત બે જ ફળિયામાં પાણી મળે છે. તે પણ હેન્ડપંપ અને બોર દ્વારા જ્યારે બાકીના ફળિયામાં ગામલોકો ફાળો ઉઘરાવી પાણીનું ટેન્કર મંગાવે છે. >મનહરસિંહ હિમ્મતસિંહ પટેલિયા, સ્થાનિક ગ્રામજન વાંટાવછોડા

અન્ય સમાચારો પણ છે...