પાલિકા કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી:ગોધરાના તીરઘરવાસ અને ઢોલીવાસ વિસ્તારમાં પાણીની સમસ્યા, 10 દિવસથી પાણી ન આવતા મહિલાઓમાં રોષ

પંચમહાલ (ગોધરા)19 દિવસ પહેલા

ગોધરા શહેરમાં આવેલ તીરઘરવાસ અને ઢોલીવાસ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પીવાનું પાણી ન આવવાથી ત્યાંના લોકો પાણી વગર બેહાલ બની ગયા છે અને બહારથી પાણી લાવવા માટે મજબૂર બની ગયા છે. નગરપાલિકામાં વેરો ભરવા છતાં પણ પાણી માટે વલખા મારવા પડે છે. છેલ્લા દસ દિવસથી પીવાનું પાણી ન મળતા તિરગરવાસ અને ઢોલીવાસ વિસ્તારની મહિલાઓ રણચંડી બની છે.

આક્રોશ સાથે મહિલાઓએ જણાવ્યું કે, પાણી વગર અમે અમે શું કરીએ અને કેવી રીતે ઘરનું કામકાજ કરીએ. બહારથી પાણીના જગ લાવીએ તો તેના 20 રૂપિયા લેવામાં આવે છે અને રોજના પાંચ જગ લાવીએ તો સો રૂપિયા થાય છે અને અમે મજૂરી કરી અમારું ઘરનું ભરણપોષણ કરતા હોય છે. છેલ્લા દસ દિવસથી પાણી ન મળતા અમારા ઘરના વાસણ કપડા ન્હાવાનું વાપરવાનું પાણી કેવી રીતે લાવીએ હવે અમે થાકી ગયા છે. જો અમારી પાણીની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં નગરપાલિકા કચેરીમાં જઇને માટલા ફોડીશું અને વિરોધ કરીશું.

ગોધરામાં આવેલ તીરઘરવાસ વિસ્તારની સ્થાનિક મહિલાઓ જણાવ્યું હતું કે, અમે આ પીવાના પાણી માટે રાતના બે વાગ્યા સુધી બેસી રહીએ છીએ. જો પાણી આવે તો અમે મોટર દ્વારા પાણી ખેંચવામાં આવે તો માંડ માંડ એક ઘડો પાણી ભરાઈ છે તે પણ બિલકુલ ગંદુ અને દુર્ગંધ યુક્ત પાણી મળે છે. દિવસમાં પાંચ જગ પીવાના પાણી લાવીએ તો અમારે નહાવા અને વાપરવાનું પાણી કઈ રીતે લાવવું અને જો પાણી આવે તો એટલું ગંદું અને દુર્ગંધ યુક્ત પાણી આવે જેના કારણે અમારા ઘરના બાળકો બીમાર પડે છે. અઠવાડિયામાં બે વખત દવાખાને જવું પડે છે કેટલા પૈસા દવાખાને મુકવા. નગરપાલિકા દ્વારા પીવાના પાણી માટે ખાલી ખાડાઓ ખોદી કાઢ્યા છે પરંતુ હજુ સુધી પાણીની સમસ્યા હલ કરી નથી.

ગોધરાના તિરગરવાસમાં છેલ્લા દસ દિવસથી પાણીની સમસ્યા છે, જેના કારણે મહિલાઓ બેહાલ બની ગયા છે. પોતાના ઘરનું કામકાજ કઈ રીતે કરવું તે સમજણ પડતી નથી. ત્યારે ત્યાંના સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, બહારથી પીવાના પાણીનો જગ 20 રૂપિયા લેખે પાંચ જગ લાવીએ તો તેના 100 રૂપિયા થાય છે. અમે મજૂરીયાત લોકો છે રોજના કઈ રીતે પૈસા લાવીએ અને છેલ્લા દસ દિવસથી પાણી ન આવવાના કારણે અમારું ઘરગથ્થુ કામકાજ ખોરવાઈ ગયું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પાણીની સમસ્યા આજની નહીં પરંતુ છેલ્લા ચાર-પાંચ મહિનાથી સમસ્યાઓ ઊભી થઈ છે. છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

ગોધરાના ઢોલીવાસ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને ત્યાંના સ્થાનિક રહીશોએ પાણી ન આવતા અનોખી રીતે વિરોધ કર્યો હતો. ત્યાંના એક ભાઈએ માથા પર ઘડો મૂકીને કહેવા લાગ્યા કે, અમારા ફળિયામાં પાણી આવતું નથી. અમે કોણ પાસે જઈએ અને કયા સાહેબ ને મળીએ, અધિકારી અમારી પાણીની સમસ્યા જોવા આવતું નથી એમ કહીને વિરોધ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...