ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય:ગોધરા બગીચા રોડની આસપાસનો વોક-વે બીસ્માર હાલતમાં; દિવસે પણ અહીંથી પસાર થવું મુશ્કેલ

પંચમહાલ (ગોધરા)3 મહિનો પહેલા

ગોધરાના બગીચા રોડ ખાતે આવેલા અટલ ઉધાન અને પાવર હાઉસ પાસે આવેલા વાલ્મિકી બગીચાને અડીને બનાવવામાં આવેલા વોક-વેની હાલત અત્યંત જર્જરિત જોવા મળી રહી છે. બંને બાજુ બનાવવામાં આવેલો વોક-વે કાંટાળી વનસ્પતિથી જંગલમાં ફેરવાઈ ગયેલી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે. બીજી બાજુ કેટલાક અસામાજિક તત્વોને કારણે પ્રવૃત્તિઓ વેગવંતી બની રહી છે. તેવું ત્યાં રહેતા સ્થાનિક લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે.

વોક-વે બાવળિયાના જંગલમાં પરિવર્તિત
સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા બગીચાઓ અને વોક-વેની પાલિકા તંત્ર દ્વારા માવજત અને સાચવણી અભાવે હાલ તો વેરાન હાલતમાં બાવળિયાના જંગલમાં પરિવર્તિત થઈ ગયું છે. આ બંને જગ્યાનો વોક-વે એટલો બધો ભયાવહ બની ગયો છે કે, જેના લીધે રાત્રિ દરમિયાન તો ઠીક પરંતુ દિવસે પણ અહીંથી પસાર થવું મુશ્કેલ ભર્યું લાગે છે.

જાહેર શૌચાલયનું ગંદુ પાણી બગીચાની અંદર...
હાલમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે મોટી માત્રામાં ગોધરા શહેરીજનો ચાલવા માટે અને કસરત કરવા માટે અટલ ઉદ્યાનમાં આવી રહ્યાં છે. પરંતુ બગીચાની ચો તરફ બનાવવામાં આવેલા વોક-વેની હાલત અત્યંત જર્જરિત તેમજ ચારેબાજુ કાંટાળી વનસ્પતિઓ ઊગેલી હાલતમાં તો ક્યાંક દિવાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. બીજી બાજુ અટલ ઉદ્યાનને અડીને આવેલા જાહેર શૌચાલયનું ગંદુ પાણી બગીચાની અંદર હરવા ફરવા માટે આવતા સ્થાનિક લોકોમાં પણ પાલિકાની લાપરવાહી સામે છુપા રોષ જોવા મળી રહ્યો છે.

અસામાજિક તત્વોએ લાઇટિંગ પણ ન છોડી
બીજી બાજુ સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી બાગ બગીચા અને વોક-વે તૈયાર કરવામાં આવે છે અને ઉદ્ઘાટન પ્રસંગે રાજકીય નેતાઓને બોલાવી ઉદ્ઘાટન કરવામાં આવે છે. ત્યારબાદ આ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા બાગ બગીચાને અને વોક-વેની યોગ્ય સાચવણી અને માવજતના અભાવે અસામાજિક તત્વો દ્વારા બગીચાઓમાં વોક-વે પર લગાવવામાં આવેલા લાઇટિંગ અને ચારે બાજુ મૂકવામાં આવેલા લોખંડની જાળીઓને તોડીને કાઢી ગયા છે. બગીચાને બંને બાજુ આવેલા લક્ષ્મણ સાગર તળાવ અને સીતાસાગર તળાવમાં જંગલી વનસ્પતિઓ ઘર કરી દીધું છે. ત્યારે ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

ચાર મજૂરો દ્વારા જ બગીચાની કામગીરી કરવામાં આવે છે: છગનભાઈ
ત્યારે બગીચામાં ફરજ બજાવતા છગનભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી બગીચાની બંને બાજુમાં આવેલા વોક-વેની હાલત જર્જરિત છે. ઓછા મજૂરો હોવાના કારણે કામગીરી કરવામાં આવતી નથી. જ્યારે બગીચા ઉપરના ભાગે સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. પરંતુ નીચે હજુ કામગીરી કરવાની બાકી છે. મજૂરો કામ કરવા માટે આવે છે પરંતુ એક દિવસ આવે અને બીજા દિવસે ના આવે માટે કામગીરી થતી નથી. પબ્લિકની બૂમ આવે એટલે કામગીરી કરવામાં આવે છે. 300થી વધારે લોકો હરવા ફરવા અને કસરત કરવા માટે આવે છે. ચાર મજૂરો દ્વારા જ બગીચાની કામગીરી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...