વિકાસ ઝંખતા અંતરિયાળ ગામો:ઘોંઘબા તાલુકાના ગામોમાં સ્મશાન જેવી પ્રાથમિક સુવિધા પણ નથી; ખુલ્લામાં કરવા પડે છે અંતિમ સંસ્કાર

પંચમહાલ (ગોધરા)6 દિવસ પહેલા

ઘોઘંબા તાલુકામાં અનેક ગામોના લોકો પોતાની પાયાની સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે પોતાની સમસ્યાઓ વિશે હવે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને પોતાના વિસ્તારના પ્રશ્નોને ઉજાગર કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ઘોઘંબા તાલુકાના એક ગામમાં સ્મશાન ઘરની સુવિધા ન હોવાના સમાચાર સામે આવ્યા હતા ત્યારે ફરીથી આજે આ જ વિસ્તારના દેવલીકુવા ગામના પ્રજાજનોની સમસ્યા બહાર આવી છે. આ ગામમાં પણ સ્મશાનઘરની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. આઝાદીના 75 વર્ષ પછી પણ ગામના લોકોને મૃતકને અગ્નિદાહ આપવા માટે ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા અને તે પણ ચોમાસાની ઋતુમાં કેટલી તકલીફ ઉભી થાય છે તે વિશેની માહિતી આ વિસ્તારના જાગૃત નાગરિક કમલેશભાઈ બારીઆ દ્વારા આપવામાં આવી હતી.

AAPના નેતાએ તંત્રની ઝાટકણી કાઢી
આ બાબતની જાણકારી આમ આદમી પાર્ટીના પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆને મળતાં તેઓએ તાત્કાલિક ગામ લોકોનો સંપર્ક કરી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવાનું જણાવ્યું હતું અને આ બાબતે કહ્યું હતું કે આ ગુજરાતના લોકોની કમનસીબી છે કે વર્ષોથી ભાજપને મત આપી સરકાર બનાવવા અને ચલાવવા તક આપી પણ ભાજપે માત્ર પોતાના નેતાઓની જ પરવાહ કરી છે તેમને જ ભ્રષ્ટાચાર કરાવીને કરોડપતિ બનાવવાનું કામ કર્યું છે. ભાજપે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને વધારવાનું કામ કર્યું છે અને સાથે સાથે ભ્રષ્ટાચારીઓને બચાવવાનું કામ કરી રહી છે. જો જનતાની જરુરીયાતો સમજીને કામ કર્યા હોત તો આવા સમાચાર આજે જોવા ના મળતાં એમ કહી સાચા અર્થમાં વિકાસ જોવો હોય, મૂળભૂત જરૂરિયાતો સંતોષવી હોય તો ગુજરાતની જનતાએ સરકાર બદલવી પડશે એમ કહ્યું હતું.

ઘોઘંબા તાલુકાના કેટલાય ગામોમાં આજે પીવાના શુદ્ધ પાણીની, આરોગ્યની, શિક્ષણની, રોજગારીની, સિંચાઇ માટે પાણીની, સલામતીની અને રોડ રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. લોકોએ કાયમ ભરોસો રાખ્યો કે આજે થશે, કાલે થશે અને આ રીતે વર્ષો વિત્યા બાદ પણ પરિસ્થિતિ અને સમસ્યાઓ ઠેર ની ઠેર રહેવા પામી છે. સમસ્યાઓની રજૂઆત કરવા છતા કોઈ ઉકેલ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...