રાજ્ય સરકાર દ્વારા રાજયને વ્યાજખોરોથી મુક્ત કરવા માટે મુહીમ ચાલી રહી છે. વ્યાજખોરો સામે જાગૃતિ લાવવા અને ભોગ બનનાર લોકોને સીધો ન્યાય મળે તેવા ઉદ્દેશ્યથી પંચમહાલ પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબારમાં મોટી સંખ્યામાં વ્યાજખોરોથી પરેશાન અરજદારો આવ્યા હતા. લોક દરબારમાં અરજદારોએ વ્યાજખોરોના વ્યાજના ચક્રમાં પરિવાર બરબાદ કેવી રીતે થતો તેની વેદનાઓ પોલીસ સમક્ષ જણાવી હતી. પોલીસે અરજદારની વેદનાઓ અરજીરૂપી લખીને કાર્યવાહીની બાંહેધરી આપી હતી. ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં વ્યાજખોરી સામેની જાગૃતિ માટે યોજાયેલ લોક દરબારમાં મોટી સંખ્યામાં ભોગ બનનાર અરજદારો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. લોક દરબારમાં પંચમહાલ જિલ્લાના વિવિધ ગામમાંથી આવેલ અરજદારોએ વ્યાજખોરીના વ્યાજચક્રમાં પોતે કઈ રીતે ફસાયા તે અંગેની રજૂઆતો રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસવડા સમક્ષ કરી હતી. લોક દરબારમાં અરજદારો ભીની આંખોએ વ્યાજખોરો દ્વારા કરાતી દાદગીરીઓ જણાવી હતી. લોક દરબારમાં આવેલા અમુક અરજદારોએ વ્યાજે લીધેલા પૈસાની સામે અનેક ઘણી રકમ ચૂકવી દીધી હોવા છતાં અત્યારે પણ ધિરાણ આપનાર વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે.
તેમજ ધિરાણના અવેજમાં આપેલ ચેકનો ખોટો ઉપયોગ કરી ખોટા કેસો કરી ફસાવી દેવાની ચીમકી આપી રહ્યા છે. પોલીસ સમક્ષ એક પીડિત મહિલાએ જણાવ્યું કે તેનો પતિ ચેક બાઉન્સના ખોટા કેસમાં હાલ જેલમાં છે અને ધિરાણ આપનાર એક 86 વર્ષિય વૃદ્ધ પોતાની સાથે અભદ્ર માંગણીઓ કરી રહ્યો છે.
તેમ કહેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લોક દરબારમાં અરજદારોએ વ્યાજખોરો દ્વારા કનડગત, દાદાગીરી સહિતની રજૂઆતો પોલીસે સાંભળી હતી. લોક દરબારમાં 17 અરજદારોએ વ્યાજખોરો વિરુદ્ધ અરજીઓ આપતાં જિલ્લા પોલીસવડા જે તે સંબંધીત પોલીસ મથકના પીઆઇઓને કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
મારી પત્ની 4 હજારનો હપ્તો 10 મહિના ભરીને મૃત્યુ પામી હતી
મારી પત્નીએ રૂા.50 હજાર વ્યાજે લીધા હતા. મારી પત્નીએ રૂા. 4 હજારનો હપ્તો 10 મહિના સુધી ભર્યા બાદ મારી પત્ની મૃત્યુ પામી છે. મારો ફાયનાન્સ કંપનીને આપેલો ચેક વ્યાજખોર પાસે કેવી રીતે પહોંચ્યો ખે ખબર નહીં પણ તેને મારી સામે રૂા.3.50 લાખ બાકીનો કેસ કર્યો છે. મારી પાસે વકીલને આપવાના પૈસા નથી, મને ઝેર પીવાની વારો આવ્યો છે. લોક દરબારમાં વ્યાજખોર સામે અરજી આપી છે:> શાહ સુનિલભાઇ, અરજદાર.
ધંધામાં મંદી આવતા વ્યાજ ચૂકવવા મે મારા બે ખેતર પર વેચી દીધા
મારા ધંધામાં મંદી આવતા મે રૂા.બે લાખ વ્યાજે લીધા હતા. એક દિવસ વ્યાજ ચૂકી જાઉં તો એક હજાર રૂપિયા પેનેલ્ટી વ્યાજખોર દ્વારા વસૂલવામાં આવતી હતી અત્યાર સુધીમાં મેં રૂપિયા 7 લાખ જેટલા ચૂકવી દીધી છે. વ્યાજ ચૂકવવામાં મે મારા બે ખેતર પર વેચી દીધા છે. વ્યાજખોર પાસે મારા કોરા ચેક હતા તો તેને બેંકમાં ભરીને મારી સામે કેસ કરવામાં આવ્યો છે:> રાઠવા શનાભાઇ, અરજદાર,
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.