ગોધરામાં જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીઓને અનુલક્ષીને પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં ગંભીર પ્રકારે છબરડાં હોવાના કારણે મંડળીના હોદ્દેદારોએ જિલ્લા રજીસ્ટ્રારની કચેરીમાં જઈ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા તાત્કાલિક અસરથી મતદારયાદીમાં જે ભૂલો કરવામાં આવી છે તેને સુધારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પાંચ વર્ષની ચૂંટણી ટર્મ પૂર્ણ થતાં અગામી 31 મેના રોજ ચૂંટણી યોજવા જઈ રહી છે. જેમાં 17મી મેના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે ચૂંટણી પહેલા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી દ્વારા પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં ગંભીર પ્રકારે છબરડાં હોવાનો આક્ષેપ મંડળીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યો હતો.
જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી દ્વારા જે મતદાર યાદીમાં ભૂલ કરવામાં આવી છે તેને કચેરીના કર્મચારીઓ દ્વારા સુધારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ફરજ પરના જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના સિનિયર ક્લાર્ક અને ઈન્ચાર્જ બજાર અધિકારી ગુણવંત મકવાણાએ જણાવ્યું હતું કે, 31મી મેના રોજ ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે અમારી કચેરી દ્વારા જે પ્રથમ મતદારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમાં કોમ્પ્યુટર મિસ્ટેકના કારણે ખોટી માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેને લઈને અમે સુધારવાની પ્રક્રિયા હાથ ધરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.