47મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી:વાઘજીપુર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરે હજારો હરિભક્તો ઉમટ્યા; લોકોએ વિધિ, અમૃતપાક, અન્નકુટ અને આરતીનો લાભ લીધો

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં વાઘજીપુર ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જે હજારો શ્રદ્ધાળુઓનું આસ્થા કેન્દ્ર છે. આજે પાટોત્સવ દિને સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શ્રી સ્વામિનારાયણબાપાના 47મા પાટોત્સવ નિમિત્તે વિધિ, અમૃત પાક, મોહનથાળ, મેસુબ વગેરે પકવાનો અને ફરસાણથી રસસભર અન્નકૂટ ધરાવી આરતી ઉતારી હતી.

47મા પાટોત્સવ નિમિત્તે અન્નકુટ ધરાવી આરતી ઉતારાઈ
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાએ પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વસતા મુમુક્ષુ જીવો પર અપાર કરુણા કરી અને આજથી 47 વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ મંદિરની રચના કરી હતી. એમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રી અને સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. પંચમહાલ, દાહોદ અને મહીસાગરના 200 કરતાં પણ વધારે ગામોમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આશ્રિતો પ્રભુ ભજન કરી અને ભગવાનને રીઝવવા ભક્તિ કરી રહ્યા છે. વર્ષમાં જ્યારે પાટોત્સવ દિન આવે ત્યારે ભક્તોનું ઘોડાપૂર શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનાં સમીપ દર્શન માટે ઉત્સુકતાથી ઉમટે છે.

હજારો હરિભક્તોએ પાટોત્સવનો લાભ લીધો
આ પ્રસંગે હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, જીવનપ્રાણ અબજી બાપાની વાતોની સમૂહ પારાયણો, યુવા શિબિર, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના વધુ અભ્યાસ માટે આર્થિક સહાય, પરમ પૂજ્ય આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદ શ્રવણ વગેરે અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા. જેનો હજારો હરિભક્તોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...