• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • The Two Grandsons Who Went To Perform The Ossification Of The Grandfather Drowned In The Chanod, The Village Went Up In Flames As Two Earths Rose Together In Godhra.

"મારા બે દીકરા પાછા આપી દો ભગવાન":દાદાનાં અસ્થિ વિસર્જિત કરવા ગયેલા બે પૌત્રો ચાણોદમાં ડૂબ્યા, ગોધરામાં એકસાથે બે અર્થી ઊઠતાં ગામ હીબકે ચડ્યું

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા
  • પરિવારના 26 જેટલા સભ્યો આઈસર ટેમ્પામાં ચાણોદ ખાતે અસ્થિ વિસર્જન માટે ગયા હતા
  • એક નાવડીના ચાલકે પોતાની કુનેહ વાપરીને બે લોકોને પાણીમાંથી બહાર કાઢયા
  • સારવારમાં બે ભાઈઓમાંથી એકને બચાવી લેવામાં આવ્યો

ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર નગર ખાતે રહેતા પરિવારના 26 જેટલા સભ્યો ગઈ કાલે ગોધરાથી આઈસર ટેમ્પામાં બેસી ચાણોદ ખાતે પોતાના સ્વજનની અસ્થિ વિસર્જન માટે ગયા હતા. અસ્થિવિસર્જન બાદ ચાણોદ અને પોઈચા વચ્ચે આવેલ નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. જ્યાં પાણીના પ્રવાહમાં એક ભાઈ ડૂબવા લાગતા તેને બે ભાઈઓ બચાવવા પડયા હતા. પરંતુ પાણીનો વધારે પ્રવાહ હોવાથી ત્રણેય ડૂબ્યા હતા જેમાં બે ભાઈના મોત થયા હતા. જ્યારે એકનો બચાવી લેવામાં આવ્યો હતો.

એક જ પરિવારના ત્રણ ભાઈઓ નદીમાં ડૂબ્યા
ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર નગર ખાતે રહેતા હર્ષવર્ધનસિંહ સોલંકી, જનકસિંહ સોલંકી અને મહેશભાઈ પરમાર સહિત પોતાના પરિવારના 26 જેટલા સભ્યો ગઈકાલે ગોધરાથી આઈસર ટેમ્પામાં બેસી ચાણોદ ખાતે પોતાના સ્વજનની અસ્થિવિસર્જન માટે ગયા હતા. ત્યાં પોતાના દાદા અમરસિંહ સોલંકીના અસ્થિવિસર્જન બાદ ચાણોદ અને પોઈચા વચ્ચે આવેલ નદીમાં સ્નાન કરવા માટે હર્ષવર્ધનસિંહ સોલંકી નદીમાં ગયા હતા.

પાણીનું વહેણ વધારે હોવાથી ત્રણેય ભાઈઓ ડૂબવા લાગ્યા
પરંતુ પાણીનો પ્રવાહ અવિરત હોવાના કારણે તેઓ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. ત્યારે હર્ષવર્ધનસિંહ બચાવવા માટે તેના પિતરાઈ ભાઈઓ જનકસિંહ સોલંકી અને મહેશભાઈ પરમાર આ બન્ને ભાઈએ પાણીમાં છલાંગ લગાવી બચાવવા માટે ગયા હતા. પરંતુ પાણીનું વહેણ વધારે હોવાના કારણે આ ત્રણેય પિતરાઈ ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હતા. જેથી અસ્થિવિસર્જન કરવા માટે ગયેલા પરિવારના સભ્યો બૂમાબૂમ કરી મૂકી હતી, પરતું ત્યાં કોઈ પણ બચાવવા આવ્યું નહીં. આખરે એક નાવડીના ચાલકે પોતાની કુનેહ વાપરીને બે લોકોને પાણીમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક શીનોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જનકસિંહ સોલંકીનું મોત નીપજ્યું હતું, જ્યારે મહેશભાઈ પરમારને બચાવી લેવામાં આવ્યા હતા.

લાંબી શોધખોણ બાદ મૃતદેહ મળ્યો
પરંતુ હર્ષવર્ધનસિંહ સોલંકી પાણીના વહેણમાં તણાઈ જતાં લાપતા થયા હતા. જેથી પરિવારના સભ્યો ટેન્શનમાં આવી ગયા હતા, પરતું ફરી એક વાર નાવડીના ચાલકે શોધખોણ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ હર્ષવર્ધનસિંહનો મૃતદેહ મળી આવતા બહાર કાઢવામાં આવ્યો હતો. આમ ગોધરાના ખાડી ફળિયામાં આવેલ રામેશ્વર નગરના બે પિતરાઇ ભાઈના મોતના સમાચાર સાંભળતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

મોતના સમાચાર સાંભળતા પરિવારજનોમાં શોક
એકજ પરિવારના બે સગા પિતરાઇ ભાઇઓ પોતાના દાદાની અસ્થિ વિસર્જન માટે ચાણોદ ગયા હતા અને ત્યાં પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટયા હતા. જેનાથી આખું રામેશ્વર નગર હિબકે ચડયું હતું અને બે જવાન દીકરાઓના મોતના સમાચાર સાંભળતા પરિવારજનોમાં શોક ફેલાઈ ગયો હતો. પિતાએ પોક મૂકીને રુદન કરતા કહ્યું કે, હું મારા દીકરાઓને જીવતો લઈ ગયો હતો અને મરેલી હાલતમાં લાવ્યો. હજી તો
મારા બાપનું તેરમું થયું નથી અને મારા બે જવાન દીકરાની અર્થી તૈયાર થઈ ગઈ, મારા બે દીકરાઓને પાછા આપી દો ભગવાન. બીજીબાજુ પોતાના મામાના મોતના સમાચાર સાંભળતા ભાણિયો રુદન કરી કહેતો મારા મામાને લાવો મારા મામાને લાવો.

લગ્નના માત્ર એક વર્ષ અને ચાર મહિના થયા હતા
ગોધરાના ખાડી ફળિયા ખાતે આવેલ રામેશ્વર નગરમાં રહેતા જનકસિંહ બુધેસિંહ સોલંકી ખાનગી નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેના લગ્ન ઠાસરા તાલુકાના સનાદરા ગામે આજથી એક વર્ષ અને ચાર મહિના પહેલા થયા હતા.

ધારાસભ્યએ મૃતક પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી
ગોધરાના રામેશ્વર નગર ખાતે રહેતા એકજ પરિવારના બે સગા પિતરાઇ ભાઇઓ ગઈકાલે ચાણોદ ખાતે અસ્થિ વિસર્જન દરમિયાન નદીમાં તણાઈ જતાં મોતને ભેટયા હતા. જેથી ગોધરાના કોંગ્રેસ પાર્ટીના માજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પટેલ મૃતક પરિવારજનોની મુલાકાત લઈ તેઓને સાંત્વના આપી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...