દિવ્ય ભાસ્કરના અહેવાલના પડઘા:ગોધરા શહેરમાં તંત્ર હરકતમાં આવ્યું; નિચાણવાળા વિસ્તારોમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે કામગીરી શરુ કરાઈ

3 મહિનો પહેલા

ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં સોમવારે મોડીરાત્રે પડેલ મૂશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેથી દિવ્ય ભાસ્કરે રહીશોને પડતી હાલાકીનો અહેવાલ રજૂ કર્યો હતો. તેના પડઘા સ્વરુપે 24 કલાકની અંદર જ શહેરમાં તંત્રએ પાણીના નિકાલ માટેની કામગીરી શરુ કરી છે. જેથી રહીશોએ દિવ્યભાસ્કરનો ખાસ આભાર માન્યો હતો.

સ્થાનિક લોકોએ દિવ્ય ભાસ્કરનો આભાર માન્યો
ગોધરાના વાલ્મીકીવાસ અને નવા તીરઘરવાસ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમે આ વર્ષે ગોધરા નગરપાલિકામાં પ્રી-મોન્સૂન કામગીરી માટે રજૂઆત કરવા છતાં પણ કામગીરી હાથ ધરવામાં આવતી ન હતી. પરંતુ જ્યારે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો તેના ગણતરીના દિવસો કામગીરી હાથ ધરવામાં આવતા લોકોએ દિવ્ય ભાસ્કરનો આભાર માન્યો હતો.

પાણીમાં ઘરવખરી તણાઈ ગઈ હતી અને એક માસૂમ બાળકી ચારેકોર પાણીની વચ્ચે ફસાઈ ગઈ હતી
પાણીમાં ઘરવખરી તણાઈ ગઈ હતી અને એક માસૂમ બાળકી ચારેકોર પાણીની વચ્ચે ફસાઈ ગઈ હતી

શું હતી સમગ્ર ઘટના
ગોધરા શહેરમાં તારીખ 11/07/2022એ સાંજના સુમારે ધીમે ધારે વરસાદ વરસી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો રહ્યો એમ એમ વરસાદ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી અનરાધાર વરસતો રહ્યો હતો. સમગ્ર શહેરમાં પાણી જ પાણી, જ્યાં જાઓ ત્યાં બસ એક જ વાત સાંભળવા મળે કે ગોધરા શહેરના યોગેશ્વર સોસાયટીમાં ઝૂલેલાલ સોસાયટી, સિંધુરીમાતા મંદિર, વાલ્મીકિવાસ, તીરઘરવાસ વગેરે વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમને આ બાબતે જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આવા જ એક પીડિત પરિવારની મુલાકાત લઈ તેમની મુશ્કેલીઓ સાંભળી હતી.

તંત્રના એકપણ અધિકારીએ વિસ્તારની મુલાકાત નહોતી લીધી
જોકે એકબાજુ, કુદરતી વરસાદનો પ્રકોપ અને બીજી બાજુ, ગોધરા શહેરના અતિપછાત ગણાતા એવા વાલ્મીકિવાસ, નવા તીરઘર વાસ, ઢોલીવાસ, છકડાવાસ વગેરે સ્લમ વિસ્તારોમાં પાણી ફરી વળતાં ત્યાંના લોકો બેહાલ બની ગયા હતા, પરંતુ વહીવટી તંત્રના એકપણ અધિકારીએ આ વિસ્તારની મુલાકાત લીધી ન હતી. જો કે હવે વહીવટીતંત્ર પણ દોડતું થઇ ગયું છે એમાં નગરપાલિકા ટીમ દ્વારા જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં એમાં જેસીબી મશીન દ્વારા પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...