શહેરા પોલીસ સ્ટેશનમાં એક જમીન તકરાર સંદર્ભની સામસામેની અરજીની તપાસમાં, પિતા-પુત્ર અને ભત્રીજાને લોકઅપમાં નહિ પૂરવા અને વહેલી તકે જામીન મુક્ત કરવા માટે રૂ. 9 હજારની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાઈ જઈને, ખુદ ગોધરા સબ જેલના લોકઅપમાં ગયેલા એ.એસ.આઈ. વજેસિંહ બારીઆ એ પંચમહાલ જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.સી. દોશી સમક્ષ નિયમિત જામીન અરજી મૂકી હતી. આ જામીન અરજી સંદર્ભમાં અદાલત સમક્ષ હાથ ધરાયેલા કાયદાકીય દલીલોમાં જિલ્લા સરકારી વકીલ રાકેશ ઠાકોરની ધારદાર દલીલો અને એ.સી.બી. પોલીસના તપાસ અહેવાલને ધ્યાને લઈને પંચમહાલ સ્પે. એ.સી.બી. અદાલત દ્વારા લાંચિયા એ.એસ.આઈ. વજેસિંહ બારીઆની નિયમિત જામીન અરજીને ના મંજૂર કરી હતી.
વજેસિંહ બારીઆના લાંચના નાણાંની માંગ સામે ફરીયાદ આપી
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરા પોલીસ સ્ટેશનમાં જમીન તકરાર સંબંધી સામ સામે અરજીઓ આપવામાં આવી હતી. આ અરજી સંદર્ભમાં દલવાડા બીટ નં. 2ના એ.એસ.આઈ. વજેસિંહ શંકરભાઈ બારીઆ એ ફરીયાદી અને તેમના પુત્ર અને ભત્રીજાને શહેરા પોલીસ સ્ટેશનમાં તા. 1લી નવેમ્બરના રોજ બોલાવીને લોકઅપમાં નહિ રાખું અને જામીન ઉપર છુટકારો જોઈતો હોય તો રૂ. 10 હજાર આપવા પડશેના દમ સાથે ભ્રષ્ટાચારી વહીવટનો સોદો કર્યો હતો. આ સમયે ફરીયાદી એ સમય પારખી જઈને સાહેબ અત્યારે પૈસા નથી જામીન ઉપર છૂટ્યા પછી. રૂ. 10 હજાર આપી જઈશ ના વાયદા પ્રમાણે એ.એસ.આઈ. વજેસિંહ બારીઆએ ફરીયાદી અને સંબંધીઓને શહેરા મામલતદાર કચેરીમાં હાજર કરીને જામીન મુક્ત કરાવવાની કાયદેસર કાર્યવાહી કરી હતી. જો કે ફરીયાદીએ લાંચની માંગણીને તાબે થવાના બદલે ગોધરા સ્થિત એ.સી.બી. કચેરીમાં એ.એસ.આઈ. વજેસિંહ બારીઆના લાંચના નાણાંની માંગ સામે ફરીયાદ આપી હતી.
વ્યૂહાત્મક રીતે લાંચીયા બારીઆને રંગેહાથ ઝડપી પાડ્યો
આ ફરીયાદના આધારે ગોધરા સ્થિત પંચમહાલ એ.સી.બી. પી.આઈ. આર.બી.પ્રજાપતિ દ્વારા ગોઠવવામાં આવેલા વ્યૂહાત્મક છટકામાં શહેરા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવેલી જૂની પોલીસ લાઈન પાસે ફરીયાદી પાસેથી રૂ. 9 હજારની લાંચ લેતા એ.એસ.આઈ. વજેસિંહ શંકરભાઈ બારીઆને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.