આક્ષેપ:પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરા પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પુત્ર સામે આક્ષેપ

શહેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નારાયણ ઉર્ફે નારૂ સોની દ્વારા પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ પ્રેમલતાબેન પાઠકના પુત્ર સામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઇ તેનો ખોટો ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

પૂર્વ પ્રમુખ નારૂ સોનીએ આક્ષેપ કર્યો છે કે માલીવાડા વિસ્તારમાં રહેતા પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પુત્ર વિશાલ પાઠકે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળેલ આવાસમાં રહેણાંકની જગ્યાએ વેપારમાં ઉપયોગ થાય તેવા હેતુસરથી બે દુકાનો તેમજ ઉપરના માળે ભાડે આપવા માટે મકાન બનાવ્યું હોવાની સાથે સાથે સરકારની યોજનાનો ગેરલાભ ઉઠાવી સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

તદ્દઉપરાંત પૂર્વ પ્રમુખ નારાયણ ઉર્ફે નારૂ સોનીએ એવો પણ આક્ષેપ કર્યો છેકે પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પુત્રએ મકાન બનાવવા માટે માલીવાડા વિસ્તારના ૫૦ ઉપરાંત મકાનોના રહીશો ને પાણી માટે જે હેન્ડપંપનો ઉપયોગ કરતા હતા ત્યાં દબાણ કર્યું છે.તો આ બાબતે સ્થાનિક વહીવટી તંત્ર અને ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવી હોવાનું જણાવી યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.

બીજી તરફ પૂર્વ પ્રમુખ નારાયણ સોનીએ કરેલા આક્ષેપને લઈને પૂર્વ મહિલા પ્રમુખના પુત્ર વિશાલ પાઠકે જણાવ્યું હતું કે આવાસ યોજનામાં નીચે દુકાન અને ઉપર રહેવા માટે મકાન બનાવ્યું છે,મારી રોજીરોટી ચાલે એ માટે દુકાન બનાવેલ છે અન્ય કોઈ કારણ નથી.

અન્ય સમાચારો પણ છે...