ગોધરા શહેરના ભરચક વિસ્તાર એવા લાલબાગ બસ સ્ટેન્ડની પાછળ અવર-જવર કરવા માટે જાહેર મુખ્ય માર્ગ આવેલું છે. જ્યાં ગઈકાલે માત્ર 15થી 20 મિનિટ જેટલા પડેલા વરસાદના લીધે જાહેર માર્ગ ઉપર ઘુંટણ સમા પાણી ભરાયા હતા. જેના કારણે અહિયાથી અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકો તેમજ સ્કૂલમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.
ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ પાછળ નગરપાલિકા હસ્તક જાહેર મુખ્ય માર્ગ આવેલો છે, પરંતુ પાલિકા દ્વારા યોગ્ય રસ્તો તેમજ પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા બરાબર ન હોવાના કારણે ચારેય તરફ પાણી ભરાયા હતા. બીજી બાજુ જાહેર રસ્તા ઉપર કેટલાક ખાણીપીણીની લારીઓ અને હોલસેલના ધંધા કરતા વેપારીઓની દુકાનો આવેલી છે. આજ માર્ગ ઉપર ઘુંટણ સમા પાણી ભરાવાના લીધે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
ત્યારે ગોધરાના સામાજિક કાર્યકર અને હર હંમેશા માટે ગોધરાની પ્રજાને પડતી મુશ્કેલીઓમાં અગ્રેસર રહેતા આશિષ કામદારે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગોધરા નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને વિકાસલક્ષી કામો કરવાનું કહેવામાં આવે છે, પરંતુ નગરપાલિકામાં બની બેઠેલા સત્તાધીશો ગોધરા નગરપાલિકાના વિકાસને બદલે તેનો વિનાશ વેરી રહ્યા છે.
જેનું તાજુ ઉદાહરણ ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડની પાછળ લોકોને અવરજવર કરવા માટે જાહેર માર્ગ આવેલો છે. જ્યાં નગરપાલિકાની બેદરકારીના કારણે અને બની બેઠેલા એન્જિનિયરની લીધે આ રોડ ઉપર વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે તેના ભોગ આમ જનતા ભોગવી રહી છે. માટે આ જાહેર માર્ગનું ફરી યોગ્ય સમારકામ કરી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તે માટે સ્થાનિક લોકો પણ માગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.