મોરવા હડફ તાલુકાના ગામોને સિંચાઇનું પાણી પુરૂ પાડતા હડફ ડેમના ગેટની મરામત કામગીરી શરૂ કરવામાં આવતાં પાણી છોડવામાં આવ્યુ હતું. તંત્ર દ્વારા પાણી છોડવામાં આવતાં નદી કાંઠાના સાતથી વધુ ગામોને સાવધ રહેવા સુચના આપવામાં આવી હતી. મોરવા હડફ તાલુકાના ગામોને સિચાંઇનુ પાણી આપવા વર્ષ 1986માં હડફ નદી પર 5 ગેટનો હડફે ડેમ બનાવવામાં આવ્યો હતો.
ડેમ બનતા આસપાસના 21 ગામોને રવિ પાક માટે સિચાઇનું પાણી પુરૂં પાડવામાં આવે છે. ડેમના પાંચ રેડિયલ ગેટના રબર સીલ, એન્ડ સીલ, વાયર રોપ બદલવાની જરૂરિયાત હોવાથી તેની રીપેરીંગ મિકેનીક વિભાગ દ્વારા કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે જળાશય વિભાગ દ્વારા હડફ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો.
ડેમમાં હાલ જળસપાટી 163.10 મીટર છે. તે ઘટાડીને રીપેરીંગ કામ કરવા ક્રેસ્ટ લેવલ 155.53 મીટર સુધી લાવવા જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. શરૂઆતમાં ડેમના 5 ગેટ તબક્કાવાર ખોલીને 2312 કયુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી ક્રેસ્ટ લેવલ 155.53 મીટર સુધી લાવવા ડેમમાં શુક્રવારે સાંજના સાત વાગ્યા સુધી 8.88 એમસીએમ પાણી છોડવામાં આવશે.
ડેમમાંથી પાણી છોડાતા ડેમની નજીક ગામો વેજમા, માતરીયા, બલુખેડી, કુવાઝર, પરબીયા(ખાનપુર) મોરવા(હ) સહીતના ગામોને એલર્ટ કરીને 1 જૂનથી 7 જૂન સુધી નદી કે નદીની આસપાસ વિસ્તારમાં ન જવા જણાવ્યું હતુ. ડેમમાંથી 2312 કયુસેક પાણી છોડાતાં ભર ઉનાળામાં હડફ નદી રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ. ડેમમાં પાણી છોડીને ક્રેસ્ટ લેવલ લાવ્યા બાદ 10 દિવસ સુધીમાં મિકેનીક વિભાગ દ્વારા રીપેરીંગ કામ પુર્ણ કરવામાં આવશે તેમ જળાશયના ઇજનેરે જણાવ્યું હતુ.
ડેમની ગુરવાર સુધીની સ્થિતિ
લેવલ | 163.10 મીટર |
જીવંત જથ્થો | 4.18 એમસીએમ |
મૃત જથ્થો | 4.82 એમસીએમ |
ગેટ એક ફુટ ખોલી | 1152 કયુસેક છોડાયું |
ગેટ બે ફુટ ખોલી | 2312 કયુસેક પાણી છોડાયું |
કુલ 8.88 | એમસીએમ પાણી છોડાશે |
રવિ પાક માટે ડેમમાંથી સિંચાઇનું પાણી અપાય છે
મોરવા(હ) તાલુકાના 21 ગામને રવિ પાક માટે સિચાંઇનું પાણી ડેમમાંથી કેનાલ મારફતે આપવામાં આવે છે. રવિ પાક માટે ડેમમાંથી નવેમ્બરથી માર્ચ માસ સુધી કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે. હાલમાં 20 માર્ચ 2022 ના રોજ કેનાલમાં સિચાઇનું પાણી બંધ કર્યું છે. રીપેરીંગને લઇને ડેમમાંથી 8.88 મિલીયન કયુબીક મીટર પાણી હડફ નદીમાં છોડાતા આ પાણી પાનમ જળાશયમાં જશે.
ડેમનું રિપેરિંગ 10 દિવસ સુધી ચાલશે
હડફ જળાશયમાં 10 વર્ષ ડેમના પાંચ રેડિયલ ગેટના રબર સીલ, એન્ડ સીલ, વાયર રોપ બદલવાને લઇને મીકેનિક વીભાગ દ્વારા કામગીરીને લઇને ડેમમાંથી તબક્કાવાર 2312 કયુસેક પાણી છોડવામાં ાઆવ્યું છે. નદીમાં પાણી છોડવાને લઇને 1 જૂનથી 7 જુન સુધી નદી કે નદીના આસપાસના વિસ્તારમાં ન જવા સુચનાઓ આપી છે. ડેમની રીપેરીંગ કામગીરી આશરે 10 દિવસ સુધી ચાલશે. મોરા પાસે નદીમાં લોકો ફસાતા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરી દીધું હતુ રેકસયુ કર્યા બાદ 5 વાગે ફરીથી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું - હાર્દીક ત્રિવેદી, ઇજનેર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.