'મોરિયા રે બાપા મોરિયા રે':ગોધરામાં પાર્વતી પુત્ર ગણેશજીનું વાજતે-ગાજતે વિસર્જન; 60થી વધુ મંડળોએ શોભાયાત્રામાં જોડાઈ આકર્ષણ જમાવ્યું

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

ગોધરામાં પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ આજે શ્રીજીની પ્રતિમાનું ગોધરા રામસાગર તળાવમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા વચ્ચે વિશ્વકર્મા ચોકમાં પૂજન બાદ નિકળેલી શોભાયાત્રામાં 60 ઉપરાંત શ્રીજીની સવારીઓ જોડાઈ હતી. શ્રીજી સવારીના માર્ગ ઉપર વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં એક બાદ એક શોભાયાત્રા આગળ વધી રહી હતી.

બાપ્પાની શોભાયાત્રા નીકળી
આજે વિશ્વકર્મા ચોકમાં કલેક્ટર સુજલ મયાત્રા, પોલીસવડા હિમાંશુ સોલંકી આયોજન સમિતિના અગ્રણીઓની પૂજા અર્ચના સાથે બપોરે 12:30 કલાકે ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા વચ્ચે ગણેશ ભક્તોએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ધીરે ધીરે ગોધરાના શહેર ભાગોળ અંકલેશ્વર મહાદેવ રોડ, ભુરાવાવ બામરોલી રોડ, આઈટીઆઈ તરફથી નાના-મોટા સૌ ભેગા મળીને અલગ-અલગ નાની-મોટી 500 ઉપરાંત પ્રતિમાઓને લઈને નીકળ્યા હતા. 60 ઉપરાંત મંડળો સાવલીવાડ પહોંચી મુખ્ય શોભાયાત્રામાં જોડાતાં યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

ઢોલ-નગારા સાથે બાપ્પાનું વિસર્જન
વિવિધ મંડળો ઢોલ-નગારા ત્રાંસા અને ડીજેના સથવારે અબીલ ગુલાલની છોળો વચ્ચે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથેની શોભાયાત્રામાં શ્રીજીની સવારીઓનું નગરપાલિકા પ્રમુખ સંજય સોની, ધારાસભ્ય સી કે રાઉલજી, સાંસદ રતનસિંહ રાઠોડ અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તદુપરાંત રાણી મસ્જિદ અને પોલન બજાર પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને અન્ય સંસ્થાઓએ પાણી તથા શરબતની સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...