કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પર પથ્થરમારો:ગોધરા બેઠક પર મહિલા ઉમેદવારની ઘોષણાથી ગરમાવો; અજાણ્યા બાઈકસવાર શખસો તોડફોડ કરી ફરાર

પંચમહાલ (ગોધરા)3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા-2022 ચૂંટણીનો જંગ માટે પંચમહાલ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારો કોણ? લાંબા સમયથી ચાલી રહેલી સસ્પેન્સનો અત્યારે મોડી સાંજે કોંગ્રેસ દ્વારા અંત લાવવામાં આવ્યો છે. આ પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદીમાં ગોધરા બેઠક માટે મહિલા ઉમેદવાર સમેત ચાર બેઠકો માટે બહુમતી એવા બક્ષીપંચ સમાજના ઉમેદવારો પસંદ કરીને ભાજપની રિપીટ થિયરી સામે રાષ્ટ્રીય મોરચો ખોલ્યો છે. એમાં શહેરા અને કાલોલ બેઠકમાં ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા બે પ્રબળ દાવેદારોને કોંગ્રેસે ઉમેદવાર બનાવીને ભાજપ સામે જંગમાં ઉતાર્યા છે. તો હાલોલ બેઠકમાં ભાજપમાં ઉભા થયેલા અસંતોષનો સહારો લઈને ઉમેદવાર પસંદ કરવાની રાજનીતિમાં રાજેન્દ્ર પટેલને હાલોલ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેમાં ગોધરા બેઠક પર રશ્મિતાબેન દુષ્યંતસિંહ ચૌહાણની જાહેરાત થતા ઘણા શખસોએ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચતા તમામ ભાગી છૂટ્યાં હતા.

કોંગ્રેસે ચાર બેઠકો પર બક્ષીપંચના ચહેરાઓને પસંદ કર્યા
પંચમહાલ જિલ્લાની ચાર બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વિલંબના અંતે પ્રસિધ્ધ કરવામાં આવેલ યાદીમાં ગોધરા બેઠક માટે સક્ષમ મહિલા ઉમેદવાર રશ્મિતાબેન દુષ્યંતસિંહ ચૌહાણ, કાલોલ બેઠક માટે ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, શહેરા બેઠક માટે ભાજપને રામ રામ કહેનારા ખાતુ પગી અને હાલોલ બેઠક માટે પ્રભાવી એવા રાજેન્દ્ર પટેલને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભાજપ બહુમતી એવા બક્ષીપંચ સમાજની અવગણનાઓ કરી રહ્યા હોવાના ખુદ ભાજપ કાર્યકરોના અસંતોષના ગણગણાટોને હવા આપીને કોંગ્રેસે ચાર બેઠકો પર બક્ષીપંચના સક્ષમ ચહેરાઓને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પર પથ્થરમારો કરાયો
ગોધરા વિધાનસભા બેઠક માટે મહિલા ઉમેદવાર તરીકે રશ્મિતાબેન ચૌહાણનું નામ જાહેર થતાની સાથે શહેરના વાતાવરણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. જે ઘટનામાં કોઈ સમાજ કે પછી કોઈ વ્યક્તિને ટિકિટ ન ફાળવતા પોતાનો રોષે ઠાલવ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગોધરા ખાતે વિશ્વકર્મા ચોકમાં આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર પથ્થરમારો કરવામાં આવતા કાચના ભુક્કા બોલી ગયા છે. જો કે કોંગ્રેસ કાર્યાલયમાં વધુ તોડફોડ થાય આ પહેલા પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચતા બાઈકો ઉપર આવેલા અજાણ્યા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. પરંતુ વિશ્વકર્મા ચોકમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાઓમાં આ હુમલાખોરોના ચેહરાઓ કેદ થઈ ગયા હોવાની ચર્ચાઓ છે.

બાઈકસવાર અજાણ્યા હુમલાખોરો CCTVમાં કેદ
ગોધરા બેઠકમાં સૌ પ્રથમ "લઘુમતી ઉમેદવારને ટિકિટ નહીં તો વોટ નહીં" ના શરૂ થયેલા રાજકીય દબાણમાં પ્રબળ દાવેદારને કોંગ્રેસ ઉમેદવાર તરીકે પસંદ કરેના છેલ્લી ઘડી સુધીના પ્રયાસોને ના પસંદ કરીને આખરે મહિલા ઉમેદવારને પસંદ કરવામાં આવી છે. આ ખબર સાથે વિશ્વકર્મા ચોકમાં આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર થયેલા આ પથ્થરમારામાં કોંગ્રેસના કાચ તૂટીને વેરવિખેર થઈ જતા ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો. જો કે પોલીસ કાફલાના આગમન સાથે ફરાર થઈ ગયેલા આ બાઈકસવાર અજાણ્યા હુમલાખોરો CCTV કેમેરામાં કેદ થઈ ગયા હોવાનું કહેવાય છે. પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી જતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. આ સાથે પોલીસે સમગ્ર મામલે CCTVના આધારે હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...