ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના સસ્પેન્ડ પી.એસ.આઈ. સુધીરસિંહ પરમાર ગત રાત્રે શહેરના હાર્દસમાં કહેવાતા કલાલ દરવાજા પાસેથી નશામાં રાજાપાઠ હાલતમાં ગોધરા એ ડીવીઝન પોલીસ ટીમના હાથે ઝડપાયા હતા. પોલીસ ખુદ આરોપી બની જતા શહેર પોલીસ તંત્રમાં આ મુદ્દો ભારે ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ કાયદો કાયદાનું કામ તટસ્થતા પૂર્વક કરે છે, જેથી પોલીસ તંત્રની કામગીરીને શહેરીજનોએ બિરદાવી પણ હતી.
દારૂના નશામા શખ્સ ઝડપાયો
ગોધરા બેઠકમાં ચૂંટણીના માહોલ વચ્ચે શહેરમાં ચાલી રહેલા પેટ્રોલીંગમાં ગત રાત્રે ગોધરા એ ડીવીઝન પોલીસની ટીમ હતી. જેમાં કલાલ દરવાજા પાસે એક ઈસમ દારૂના નશામાં ઝૂમતો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેથી પોલીસની ટીમે આ ઈસમને શહેરના એ ડીવીઝન પોલીસ મથકમાં લાવીને પૂછપરછ કરતા આ ઈસમ અન્ય કોઈ નહીં પરંતુ પોતાના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા પી.એસ.આઈ., એસ.જે.પરમાર હોવાનું બહાર આવતા ખુદ પોલીસ ટીમના સદસ્યો પણ ચોંકી ગયા હતા.
પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ
જો કે ગોધરા એ ડીવીઝનના પી.આઈ. એ.આર.પલાસે કાયદો બધા માટે સમાન હોવાની તટસ્થતા પૂર્વક ફરજ બજાવીને પોતાના ખાતાના કર્મચારી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો દાખલ કરવાની સૂચના આપી હતી. જેથી મૂળ બનાસકાંઠા જિલ્લાના ધોતા ગામના રહીશ અને ગોધરા ખાતે બામરોલી રોડ ઉપર ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર આવેલા સસ્પેન્ડ પી.એસ.આઈ. સુધીરસિંહ જવાનસિંહ પરમાર સામે પ્રોહી. એકટની 66(1)(b), 85(1) મુજબ ગુનો દાખલ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.