રાજકિય જંગમાં વહુ સસરા સામે થઈ:કાલોલમાં ધારાસભ્ય પદેથી વિદાય લેનાર સુમન ચૌહાણની હૈયાવરાળ, કહ્યું 'જે લોહીના નથી થયા એ કોઈના નથી થવાના'

પંચમહાલ (ગોધરા)8 દિવસ પહેલા

કાલોલના ડેરોલ સ્ટેશન ખાતે ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણની યોજાયેલી ચૂંટણી પ્રચારની જાહેર સભામાં ધારાસભ્ય પદેથી વિદાય લઈ રહેલા સુમન ચૌહાણે ભાજપ વિરુધ્ધ મોરચો માંડનારાઓ સામે "જે લોહીના નથી થયા એ કોઈના નથી થવાના" જેવા વ્યંગ બાણમાં તાક્યા હતા. પોતાના સસરા અને કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણના નામનો ઉલ્લેખ કર્યા વગર સૂચક ઈશારો કરતા કાલોલ બેઠકના ચૂંટણી પ્રચારના જંગમાં આ મુદ્દો ચર્ચાઓની એરણે ચઢ્યો છે.

પ્રભાતસિંહના કોંગ્રેસમાં જવાના કારણે ટિકિટ કપાઈ હોવાની ચર્ચા
એમાં રાજકીય ચર્ચાઓ એવી પણ છે કે પંચમહાલ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોમાં ભાજપના ધારાસભ્યોને ઉમેદવાર તરીકે રિપિટ કરવાનું નક્કી હતું. પરંતુ કાલોલ ભાજપના ધારાસભ્ય સુમન ચૌહાણના સસરા અને ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટણીઓ જાહેર થાય તે પૂર્વે જ કોંગ્રેસમાં જોડાઈ જતા ધારાસભ્ય સુમન ચૌહાણને પડતા મુકાયા હોવાની વાતે જોર પકડ્યું છે. તો આ લાગણીઓના પગલે પુત્રવધુ સુમન ચૌહાણે પોતાના સસરા પ્રભાતસિંહ ચૌહાણની ઉમેદવારીને નિશાન બનાવીને લોહીના સંબંધો યાદ કરીને વ્યંગબાણ છોડ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

પ્રભાતસિંહ ચૌહાણ સામે પુત્રવધૂનો પ્રચાર
પ્રભાતસિંહ ચૌહાણ સામે પુત્રવધૂનો પ્રચાર

સુમન ચૌહાણના તીખા વેણ
કાલોલ વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઝંઝાવાતી પ્રચાર ધમધમી રહ્યો છે. જે મધ્યે સોમવારે ચૌહાણ પરિવારના પુત્રવધુ અને ભાજપમાંથી જેમની ટિકિટ કપાઈ ગઈ છે એ હાલના ધારાસભ્ય સુમન ચૌહાણે પોતાના સસરા વિરુદ્ધ "જે લોહીના નથી થયા એ કોઈના નથી થવાના" જેવા તીખા તેવર અપનાવતા કોંગ્રેસ ખેમામાં હડકંપ મચી ગયો છે. ભાજપના સિટિંગ ધારાસભ્ય સુમન ચૌહાણની ટિકિટ કપાઈ જવા છતાં મન મોટું રાખીને ભાજપના સંગઠન સાથે પ્રચારમાં જોડાયા છે. જ્યારે પત્ની રંગેશ્વરી ભાજપ સાથે જ છે, આથી બંને સાસુ અને પુત્રવધૂએ આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણને જંગી બહુમતીથી જિતાડવા માટે દઢ નિર્ધાર કર્યો હતો.

રાજકારણમાં પતિ સામે પત્ની અને પુત્રવધૂ મેદાને.
રાજકારણમાં પતિ સામે પત્ની અને પુત્રવધૂ મેદાને.

પુત્રવધૂ સુમન ચૌહાણ ગત ટર્મમાં ભાજપનાં ધારાસભ્ય
અત્રે ઉલ્લેખનીય છે કે, કાલોલ વિધાનસભાની બેઠક માટે ભાજપના હાલના ધારાસભ્ય તરીકે સુમન ચૌહાણની ટિકિટ કપાઈ જવાના ગમે તે કારણો પૈકી એક કારણ એવું પણ કહેવાય છે કે તેમના સસરા પ્રભાતસિંહ ચૌહાણ ટિકિટ ફાળવણી પહેલા જ ભાજપમાંથી પક્ષપલટો કરીને કોંગ્રેસમાં જોડાઈ જતાં પુત્રવધુ સુમન ચૌહાણની ટિકિટ કપાઈ ગઈ હોવાની લોકચર્ચા વહેતી થઈ હતી. જેથી પુત્રવધુનો સસરા વિરુદ્ધ આક્રોશ ફુટી નીકળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...