ગોધરા એસટી વિભાગ દ્વારા ચાલુ વર્ષે હોળી ધુળેટી પર્વને લઈને વિશેષ સુવિધાઊભી કરવામાં આવી છે. પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી મોટાભાગે આદિવાસી શ્રમિકવર્ગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ રોજગારી માટે જાય છે. બીજી તરફ પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હોળી પર્વનું વિશેષ મહત્વ રહ્યુ છે. ત્યારે હોળી ધુળેટી પર્વને ઉજવણી કરવા આ શ્રમિક વર્ગ માદરે વતન પરત ફરે છે. ત્યારે વતન પરત ફરતા શ્રમિકોને પરિવહન સુવિધામાં કોઈ અગવડ ન સર્જાય તે માટે ગોધરા એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હોળી એટલે આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર, આ તહેવારમાં આદિવાસીઓ રોજીરોટી માટે કોઈપણ જગ્યાએ ગયા હોય પરંતુ હોળી તહેવાર માટે પોતાના માદરે વતન આવી જતા હોય છે. એટલે જ એક કહેવત છે કે દિવાળી તો અટેકટે પણ હોળી તો માદરે વતન જ... પંચમહાલ થતાં દાહોદ જિલ્લાના આદિવાસીઓ રોજીરોટી મેળવવા રાજ્યના મોટા શહેરો જેવા કે રાજકોટ ,સુરત, અમદાવાદ જામનગર, સહિત જુદા જુદા શહેરોમાં ગયા હોય છે. ત્યારે હોળી તહેવાર મનાવવા આદિવાસી શ્રમજીવીઓ પોતાના માદરે વતને તહેવાર મનાવવા માટે ખાનગી ટ્રાવેલ્સ સાથે એસટી બસોમાં આવતા હોય છે.
ગોધરા એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક બી આર ડિંડોરે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે હોળી મનાવવા આદિવાસીઓ સહિતના લોકો પોતાના વતન તરફ આવી રહ્યા છે. મુસાફરોને મુશ્કેલી ઊભી ન થાય તે માટે એસટી વિભાગ પૂર્વ તૈયારી કરી છે. બહારના મોટા શહેરોમાંથી ગોધરા, દાહોદ, બારીયા, ઝાલોદ લુણાવાડા, સહિતના ડેપો સુધી મુસાફરો લાંબા અંતરે બસો મારફતે શાંતિથી પહોંચી જતા હોય છે પરંતુ ત્યારબાદ તેઓને અંતરિયાળ ગામોમાં જવા માટે મુશ્કેલી ઊભી થાય છે.
આવી મુશ્કેલી ના પડે તે માટે ગોધરાના તમામ સાત ડેપોમાં 100 જેટલી બસો સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે. જેના દ્વારા કોઈપણ સમયે બહારથી આવતા મુસાફરો તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઇને મુસાફરો વેળાસર હોળીના તહેવારમાં વતનમાં પહોંચી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.