મુહૂર્ત સામે ભાવ ભૂલાયો:ગોધરામાં 5 કરોડના સોના-ચાંદીનું વેચાણ, કોરોનાના બે વર્ષ બાદ જ્વેલર્સ બજારમાં તેજી

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુષ્ય નક્ષત્રના દિવસે ગોધરામાં જવેલર્સની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી. - Divya Bhaskar
પુષ્ય નક્ષત્રના દિવસે ગોધરામાં જવેલર્સની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી.
  • પુષ્ય નક્ષત્રમાં સવારથી દાગીના-લગડીની ખરીદી માટે ભીડ ઉમટી

કોરોનાના બે વર્ષ બાદ વર્તમાન દિવાળીના પર્વે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. દિવાળી પુર્વે આવેલા પુષ્યનક્ષત્રનુ વિશેષ મુહૂર્ત હોવાથી ગોધરા શહેરની જવેલર્સની દુકાનોમાં સોના ચાંદીની ખરીદીની પરંપરા જળવાઇ હતી. પુષ્યનક્ષત્રના ખાસ મર્હુતમાં ગોધરાના સોની બજારોમાં લોકોની સવારથી ભીડ ઉમટી હતી. અને યથાશક્તિ મુજબ ખરીદી માટે ઉમટી પડયા હતાં. જોકે તહેવારોની સાથે હવે લગ્નસરાની ખરીદીની પણ શરૂઆત થતાં વેપારીઓમાં ખુશી વ્યાપી ગઇ છે.

જોકે ગોધરા શહેરમાં એક જ દિવસમાં રૂા.5 કરોડની કિંમતની ખરીદી થયા હોવાનો અંદાજ વેપારીઓ જણાવી રહ્યાં છે. પુષ્ય નક્ષત્ર નિમિત્તે વેપારીઓએ અવનવી વેરાઇટીઓ બજારમાં મુકતા ગ્રાહકોમા ભારે આકર્ષણનુ કેન્દ્ર બન્યુ હતુ. કેટલાક દુકાનદારોએ ઘરેણાની ઘડામણ ઉપર ખાસ છુટ પણ જાહેર કરાતા સોના ચાંદીની લગડીઅો કરતાં દાગીના વધુ વેચાયા હોવાનુ જાણવા મળી રહ્યું છે.

આજના ચાંદીની લગડીનો પ્રતિ કિલો રૂા.58,000થી જ્યારે સોનાની લગડી રૂા.52,000 સુધીના ભાવે વેચાણ થયુ હોવાનુ સોની બજારના સૂત્રોએ જણાવ્યુ હતુ. આગામી સમયમાં આવતાં લગ્નગાળાના શુભ પ્રસંગોને અનુલક્ષીને દાગીના ખરીદીને મર્હુત સાચવ્યુ હતુ.

દાહોદમાં 1.50 કરોડનું વેચાણ
દાહોદ| મંગળવારના રોજ પુષ્ય નક્ષત્ર નિમિતે દાહોદ જીલ્લાના બજારમાં ખરીદી માટે જનતા ઉમટી પડી હતી. નક્ષત્રોના રાજા ગણાતા પુષ્ય નક્ષત્ર નિમિતે મંગળવારે દાહોદ જીલ્લાના બજારો સવારથી ધમધમતા જોવા મળ્યા હતાં. પુષ્ય નક્ષત્ર હોવાના કારણે વેપારીઓ પણ સવારથી દુકાનોને સજાવીને ગ્રાહકોને પ્રફુલ્લીત મને આવકારતા જોવા મળી રહ્યા હતા.વેપારીઓ દ્વારા દિવસભર પેઢીઓ પર આવેલા ગ્રાહકોને વિશિષ્ટ ઓફર પણ આપવામાં આવી હતી. દિવસભર જ્વેલર્સોએ સોના અને ચાંદીના ઘરેણાનું વેચાણ કર્યુ હતું.શરાફો દ્વારા જીલ્લાભરમાં રોજીંદા વેપાર કરતા સારો વેપાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

દિવાળી બાદ લગ્નસરાનો પ્રારંભ થવાનો છે ત્યારે સંખ્યાબંધ લોકોએ સોના-ચાંદીમાં હાલમાં ભાવમાં ગત દિવસો કરતાં ઘટાડાને કારણે દાગીનાનું બુકિંગ પણ કરાવ્યુ હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં એક કરોડનું સોનું અને50 લાખ રૂપિયાની ચાંદીના વેચાણ સાથે દોઢ કરોડનો વેપાર થયાનો અંદાજ વેપારીઓ કરી રહ્યા છે. જીલ્લામાં જવેલર્સ, ઈલેકટ્રોનિકસ, ઓટો સેક્ટર,રીયલએસ્ટેટ સહિત વિવિધ માર્કેટમાં રોજીદા વેપાર કરતા બમણો વેપાર જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...